Get The App

રાષ્ટ્રીય સતી .

Updated: May 29th, 2026

GS TEAM

Google News
Google News
રાષ્ટ્રીય સતી                                          . 1 - image

- પતિ જે દિવસે શહીદ થયો એ જ ક્ષણે પત્ની મૃત્યુ પામી. આવી બીજી કોઈ ઐતિહાસિક શહીદકથા યુદ્ધમાં નોંધાઈ નથી.

- આ વાત છે બાલમુકુંદની પત્ની રામરખીની... 

- ફક્ત એક મહિલાને આ સન્માન મળ્યું છે...

- હરીશ નાયક

શબ્દ થઈ ગયો ધન્ય

દેશ થઈ ગયો ધન્ય

વરી હતી તે રાષ્ટ્રને

જીવી ગઈ મહારાષ્ટ્રને

જ્યાં દેશ ત્યાં તમે

જ્યાં તમે ત્યાં હું....

સતી શબ્દ આપણે પસંદ કરતા નથી.

પતિના મૃત્યુ સાથે જે સ્ત્રી મૃત્યુ પામે તે સતી. જૂના જમાનામાં આ ઘણો જ ખરાબ રિવાજ હતો.

પણ આપણા દેશમાં એક રામરખી થઈ ગઈ. પતિની પાછળ તે ખરેખર સતી થઈ હતી. તે વખતના લોકોએ તેને 'રાષ્ટ્રીય સતી'નું બિરૂદ આપ્યું હતું.

એ આખી ઘટના આ પ્રમાણે છે.

૨૩ ડિસેમ્બર, ૧૯૧૨. ગોરી સરકારે નવો હાકેમ મોકલ્યો. નામ લૉર્ડ હાર્ડિંગ. ભારતની જનતા સાથે કડક હાથે કામ લેવાની તાકીદ તેને અપાઈ.

તેના સ્વાગતમાં મોટું સરઘસ નીકળ્યું. એ સરઘસમાં જ ધમધમ કરતો બોંબ ફૂટયો.

લોર્ડ હાર્ડિંગ બચી ગયો પણ જબરી દોડાદોડી અને ભાગાભાગી થઈ રહી. સ્વાગતમાંથી સ્મશાન ઊભું થયું. ચારે બાજુ શાંતિ ફરી વળી.

તાબડતોબ ચાર ક્રાંતિકારીઓને પકડી લેવામાં આવ્યા. એ આઝાદવીરોનાં નામ છે માસ્તર અમીચંદ, અવધબિહારી, બાલમુકુંદ તથા વસંતકુમાર વિશ્વાસ.

ચારે મરજીવાઓએ હસતે મોઢે ફાંસી સ્વીકારી.

આ ચાર સાથે એક સ્ત્રીનું નામ એની મેળે જ જોડાઈ ગયું. એ હતું બાલમુકુંદની પત્ની રામરખીનું.

પતિને જેલ થઈ તો તે પણ જેલનું જીવન જીવવા લાગી. તે કંઈ બહુ ભણેલી ગણેલી ન હતી. પતિના જંગ વિશે તે ઝાઝુ જાણતી પણ ન હતી. પણ દેશને માટે કુરબાનીમાં પતિને સાથ આપવો જોઈએ એટલી તેને ખબર હતી.

જેલમાં તે પતિને મળવા ગઈ. પૂછ્યું, 'તમને શું ખાવા મળે છે ?'

હસીને પતિ કહે, 'રેતીવાળી રોટલી.'

બીજા દિવસથી રામરખી પણ રોટલીમાં રેતી નાખીને ખાવા લાગી. ન ખવાય તો ભૂખી રહેવા લાગી.

ફરી જેલમાં જવાનું થયું અને પતિને પૂછ્યું, 'તમે સૂઓ છો કેવી રીતે ?'

પતિએ હસીને કહ્યું, 'પથ્થર પર.'

રામરખી ઘરે જઈને પથ્થર પર સૂવા લાગી. તેણે ગાદલાં ગોદડાં અને ઓઢણાં પાથરણાંનો ત્યાગ કર્યો.

જેલમાં પતિ પાસે જાતજાતની વાતો જાણવાનો પ્રયાસ થતો હતો. પણ બાલમુકુંદ એક હરફ ઉચ્ચારતો ન હતો.

બહાર પત્નીએ પણ એ જ મક્કમતા જાળવી રાખી હતી. તે ગોરી સરકારને કોઈ જ વાત કહેતી ન હતી. તેને મારો, ઝૂડો, ત્રાસ આપો તો પણ આગળ પાછળની કોઈ વાત જ નહિ. રામરખીનું મૌન એટલે મૌન.

પતિ પરનો મુકદ્દમો લાંબો ચાલ્યો ત્યાં સુધીમાં રામરખી સુકાઈને કાંટો બની ગઈ.

પતિને જે દિવસે ફાંસી આપવાની હતી તે દિવસે રામરખી પણ તૈયાર થઈ ગઈ. 'જયભારત માતા'ની સ્તુતિ કરવા લાગી.

આશ્ચર્યની વાત તો એ કે દેશની ગુલામી અને પતિના વિરહનું દુ:ખ રામરખીને એટલું અસહ્ય હતું કે જે દિવસે પતિને ફાંસી અપાઈ તે જ દિવસે તે મૃત્યુ પામી.

રામરખીએ કોઈ ઝેર ખાધું ન હતું કે બીજી રીતે આપઘાત કર્યો ન હતો. તે પોતાના મનોબળથી જ પતિ સાથે જીવી હતી, પતિ સાથે મરી હતી.

ઇતિહાસ સાક્ષી છે કે એ દેશાભિમાની પતિ-પત્નીની અંતિમ ક્રિયા સાથે જ કરવામાં આવી. દેશને ખાતર જીવનારા બાલમુકુંદ રામરખીએ એક સાથે જ રાષ્ટ્રને ખાતર પ્રાણ આપી દીધા.

રામરખી આમ દેશની પહેલી 'રાષ્ટ્રીય સતી' બની રહી.