- દાદીમાએ વાર્તા શરૂ કરી. 'એક હતી પરી અને એક હતો રાક્ષસ...' તેઓ વધુ આગળ કંઈ કહે તે પહેલાં બાળકો કહેવા લાગ્યાં, 'પરી અને રાક્ષસ? અમને પરીઓ અને રાક્ષસોની વાર્તા પસંદ નથી!'
- હુંદરાજ બલવાણી
અ મિત અને પ્રિયંકાના પપ્પાએ એક દિવસ સાંજે ઘેર આવીને જાહેરાત કરી- આપણે વેકેશનમાં મસૂરી ફરવા જઈશું.
અમિત અને પ્રિયંકા ખુશ થઈ ગયાં.
અમિત કહેવા લાગ્યો,'વાહ! પછી તો ઘણી મજા આવશે.'
પ્રિયંકા પણ કહેવા લાગી,'આપણે સાથે મળીને મજા કરીશું.'
બન્ને બાળકોને ખુશ થતા જોઈને પપ્પા બોલ્યા,'પરંતુ એ માટે મારી શરત છે કે તમે લોકો પરીક્ષામાં સારા માર્ક્સ લાવશો તો જ ફરવા જઈશું.'
બન્ને બાળકો વિચારવા લાગ્યાં કે પપ્પાને આ ક્યાંથી સૂઝ્યું? અમે તો કાયમ સારા ગુણ લાવીએ જ છીએ તો શરત શા માટે? તેમ છતાં બન્ને બાળકોએ પપ્પાની વાત સ્વીકારી અને સારા ગુણ લાવવા માટે ખૂબ મહેનત પણ કરવા લાગ્યાં.
પરીક્ષાઓ પૂરી થવામાં હતી ત્યારે પપ્પાએ એક દિવસ સમાચાર આપ્યા કે વેકેશનમાં અમિત અને પ્રિયંકાનાં દાદીમા આવવાનાં છે.
અમિત અને પ્રિયંકાનાં દાદીમા બીજા શહેરમાં રહેતા હતાં- મોટા કાકા પાસે. દાદીમાના આવવાના સમાચાર સાંભળી બન્ને બાળકો રાજી તો થયા પણ થોડાક વિચારમાં પણ પડી ગયાં. તે એટલા માટે કે વેકેશનમાં દાદીમાના આવવાથી મસૂરી ફરવા માટેનો કાર્યક્રમ બંધ રહેવાની શક્યતા હતી.
અમિતે પૂછ્યું, 'પપ્પા, તો પછી આપણા મસૂરીના કાર્યક્રમનું શું થશે?'
પ્રિયંકાએ પણ પૂછ્યું,'દાદીમા અહીં આવશે તો આપણે મસૂરી જઈ શકીશું?'
પપ્પાએ ટૂંકો જવાબ આપ્યો,'દાદીમા આવે ત્યારે જોઈશું.'
થોડાક દિવસ વીત્યા. પપ્પાએ બીજા સમાચાર આપ્યા કે નાનીમા પણ વેકેશનમાં અહીં આવી રહ્યાં છે.
અમિતે કહ્યું, 'પછી તો આપણો કાર્યક્રમ સો ટકા કેન્સલ!'
પ્રિયંકાએ કહ્યું, 'હવે આપણે મસૂરી બિલ્કુલ નહિ જઈ શકીએ.'
પપ્પાએ કોઈ જવાબ ન આપ્યો.
વેકેશન શરૂ થયું તો દાદીમા આવી પણ ગયાં. બે-ત્રણ દિવસ પછી નાનીમા પણ આવી ગયાં. દાદીમાં અને નાનીમાએ એટલું વહાલ કર્યું કે અમિત અને પ્રિયંકા રાજી-રાજી થઈ ગયાં.
એક દિવસ બાળકો ઘેર બેઠાં હતાં ત્યારે દાદીમાં અને નાનીમાં બન્ને સાથે રૂમમાં આવ્યાં. બાળકોને પૂછ્યું,'શું કરી રહ્યા છો?'
અમિતે કહ્યું 'અમારે અત્યારે વેકેશન છે. પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે. ભણવાનું કામ તો હવે છે નહિ એટલે બેસીને વાતો કરીએ છીએ.'
પ્રિયંકાએ કહ્યું, 'ટીવીના કાર્યક્રમો અમને ગમતા નથી એટલે સમય પસાર નથી થતો.'
અમિતે અચાનક દાદીમાને કહ્યું, 'દાદીમા, અમને વાર્તા કહો ને!'
અમિતની વાત સાંભળીને દાદીમાને આશ્ચર્ય થયું. 'વાર્તા? વાર્તા તો મને નથી આવડતી.'
પ્રિયંકાએ નાનીમાને કહ્યું, 'નાનીમા, તમને તો વાર્તા આવડતી હશે ને? તમે કોઈ વાર્તા સંભળાવો.'
'વાર્તા તો મને પણ ક્યાં આવડે છે?' નાનીમા બોલ્યાં.
અમિતે કહ્યું, 'કોઈ પણ વાર્તા સંભળાવો. અમને વાર્તાઓ ગમે છે.'
પ્રિયંકાએ કહ્યું,'હા, તમારા બે માંથી કોઈ પણ આજે અમને વાર્તા સંભળાવે.'
અમિતે કહ્યું, 'અમારાં ટીચર અમને સારી-સારી વાર્તાઓ સંભળાવે છે.'
પ્રિયંકાએ કહ્યું, 'અમારાં પુસ્તકોમાં લખ્યું છે કે બધાનાં દાદીમા અને નાનીમાને ઘણી બધી વાર્તાઓ આવડતી જ હોય.'
હવે દાદીમા અને નાનીમાની સ્થિતિ જોવા જેવી હતી. એમણે તો ક્યારેય વિચાર્યું નહોતું કે બાળકો તેમની પાસેથી આવી માંગણી કરશે! હકીકત એ હતી કે દાદીમા અને નાનીમા આજના જમાનાનાં હતાં. એમને તો વાર્તાઓ આવડતી નહોતી. પછી શું થાય? બેઉ ચિંતામાં પડી ગયાં.
હવે દાદીમાં અને નાનીમા માટે મોટી સમસ્યા ઊભી થઈ. એક તો એમને વાર્તાઓ આવડતી નહોતી. બીજું, તે રજૂ કેવી રીતે કરવી એ પણ આવડતું નહોતું! એટલે વિચાર કરવા લાગ્યાં કે બાળકોની માગણી કેવી રીતે પૂરી કરવી.
બીજા દિવસે બજારમાંથી એમણે વાર્તાઓની થોડીક ચોપડીઓ મંગાવી અને ઘરના એક ખૂણામાં બેસીને વાર્તાઓ વાંચવા લાગ્યા. તે પછી તેમણે પોતપોતાનાં દાદીમાં અને નાનીમા જેવાં વડીલોને પણ યાદ કર્યા કે તેઓ કેવી રીતે તેઓ વાર્તા કહેતાં હતાં.
આ રીતે દાદીમાં અને નાનીમાએ રાત્રે બાળકોને વાર્તા કહેવાની પૂરી પૂરી તૈયારી કરી નાખી.
રાતના સમયે તેમણે બન્ને બાળકોને બોલાવ્યાં,'આવો, આજે તમને વાર્તા કહીએ.'
બાળકો આ સાંભળીને ખુશ થયાં અને તેમની નજીક આવીને બેઠાં.
નાનીમા બોલ્યાં,'પહેલાં હું તમને વાર્તા કહું છું.'
દાદીમા બોલ્યાં,'નહિ, પહેલા હું કહીશ.'
નાનીમા કહે,'પહેલા હું કહીશ.'
દાદીમા કહે, 'ના, પહેલા હું કહીશ.'
બન્નેને બીક હતી કે આખો દિવસ વાંચીને ગોખેલી વાર્તા ભૂલાઈ ન જાય! એટલે બે વચ્ચે સ્પર્ધા થવા લાગી.
અમિત અને પ્રિયંકા કહેવા લાગ્યા,'અમારે પહેલાં નાનીમા પાસેથી વાર્તા સાંભળવી છે.'
દાદીમાએ કહ્યું, 'સારું, તો હું પછી કહીશ.'
નાનીમાએ વાર્તા શરૂ કરી. 'એક હતો રાજા. તેને સાત દીકરીઓ હતી. એક દિવસ રાજા તેમને મંદિરે લઈ ગયો અને ત્યાં તેઓ સાથે મળીને મંદિરની પ્રદક્ષિણા કરવા લાગ્યાં.'
'પ્રદક્ષિણા?' અમિત અને પ્રિયંકાએ પૂછ્યું,'નાનીમા, આ પ્રદક્ષિણા એટલે શું?''
નાનીમા માથું ખંજવાડવા લાગ્યાં.
'નાનીમા, કહોને!'
પણ નાનીમાને તનો અર્થ ન આવડયો.
બાળકોએ નારાજ થઈને કહ્યું, 'અમારે આ વાર્તા નથી સાંભળવી.'
દાદીમા કહેવા લાગ્યાં,'ઠીક છે, હવે હું તમને વાર્તા સંભળાવું છું, બરાબર ને?'
પછી દાદીમાએ વાર્તા શરૂ કરી. 'એક હતી પરી અને એક હતો રાક્ષસ..'
તેઓ વધુ આગળ કંઈ કહે તે પહેલાં બાળકો કહેવા લાગ્યા, 'પરી અને રાક્ષસ? અમને પરીઓ અને રાક્ષસોની વાર્તા પસંદ નથી!'
દાદીમાએ તો ફક્ત આ એક વાર્તા જ ગોખી રાખી હતી એટલે બીજી વાર્તા તેમને ક્યાંથી આવડે? આમ, આ વાર્તા પણ ત્યાં જ અટકી ગઈ.
ત્યારે બાળકોએ કહ્યું, 'પરી અને રાક્ષસ હવે ક્યાં રહ્યાં છે? અમારે આજના જમાનાની વાર્તાઓ જોઈએ!'
પછી તો બાળકોએ પોતાનાં નાનીમા અને દાદીમાને આજનાં રોકેટો, રોબોટ અને કમ્પ્યુટરની એવી તો વાર્તાઓ સંભળાવી કે નાનીમા અને દાદીમાને કહેવું પડયું, 'વાહ! અમારાં બાળકો તો અમારાં કરતાં પણ વધારે સમજુ થઈ ગયાં છે.'


