- 'નંદુ, ગુસ્સો એક પ્રકારની આગ છે. તે પોતાને સળગાવે છે અને બીજાને પણ. દયા અને સમજદારી એ એવી પાંખો છે જે તને ઊંચે લઈ જઈ શકે છે.'
- ચંદ્રકાંત પથિક
એક ઘનઘોર જંગલના અંતરિયાળ વિસ્તારમાં એક ચતુર શિયાળ રહેતું હતું. નામ એનું નંદુ!
નંદુ શિયાળ ખૂબ બુધ્ધિશાળી હતું, પણ એનો સ્વભાવ તીખા મરિયા જેવો હતો. જંગલના નીતિ-નિયમોથી તે માહિતીગાર હતું, પણ ઘણીવાર એ પોતે જે કહે એ જ સાચું એમ માનતો. એ પોતાનો જ કક્કો ખરો ઠેરવતું.
એક સુંદર સવારે નંદુ શિયાળ એક વૃક્ષ નીચે ઊભું હતું. એ વૃક્ષ પર મધુર અવાજે ગાતી એક કોયલ હતી. એનું નામ રેશમા. તેના સૂરીલા કંઠમાંથી શાંતિ, પ્રેમ અને આશીર્વાદનું સંગીત રેલાતું હતું.
શિયાળે કહ્યું, 'હે કોયલ, તું દરરોજ આનંદ-ઉત્સાહ તેમજ ઠમકારા સાથે આવા સુંદર ગીતો કેમની ગાય છે? શું તારા જીવનમાં દુ:ખ જેવું કાંઇ છે જ નહીં?'
રેશમા કોયલે હસીને જવાબ આપ્યો, 'મારું ગીત એ ઈશ્વરની ભેટ છે. જીવનમાં દુખો તો આવે છે, મને લોકો 'કાગડાની વહુ' કહીને ચીડવે છે, પથરા મારે છે, પણ હું તો હંમેશા સંગીતમાં જ ઓતપ્રોત રહું છું. વળી, ગીત-સંગીત એ તો મારા અંતરમાંથી નીકળતી પ્રાર્થના છે...'
શિયાળે તેના તરફ જોયું અને થોડીક ચતુરાઈથી કહ્યું, 'પણ હું તો ક્યારેક ગુસ્સે થઇ જાઉં છું. લોકો મને સમજતા નથી અને મારે જ લડવું પડે છે!'
રેશમા કોયલે પાંખો ફફડાવીને કહ્યું, 'નંદુ, ગુસ્સો એક પ્રકારની આગ છે. તે પોતાને સળગાવે છે અને બીજાને પણ. દયા અને સમજદારી એ એવી પાંખો છે જે તને ઊંચે લઈ જઈ શકે છે.'
શિયાળ નંદુ થોડું વિચારમાં પડી ગયું. તેણે કહ્યું, 'પણ જંગલમાં તો જીવવા માટે તાકાત અને બાહુબળની જરૂર છે, એનું શું?'
'સાચું છે,' રેશમાએ કહ્યું, 'પણ સાચી તાકાત એ છે કે જયારે તું બીજાને માફ કરે, જયારે તું શાંત રહી શકે, અને પ્રેમથી વાત કરી શકે. જો ઈશ્વર બીજાઓને ક્ષમા કરતા હોય તો આપણે કેમ બીજાઓને માફ ના કરીએ?'
એ વાતો નંદુના હૃદયને સ્પર્શી ગઇ. તેને લાગ્યુ કે આ પ્રેમભરી સલાહ હતી.
નંદુના જીવનમાં, એનાં વાણી-વર્તનમાં ધીમે ધીમે ફેરફાર થતો ગયો. હવે તે વધુ શાંત, સમજદાર અને દયાળુ બનતું ગયું. જંગલનાં બીજાં પશુઓ પણ તેના બદલાવને જોઈ શકતાં હતાં.
કોઈપણ મુશ્કેલી આવે ત્યારે નંદુ શિયાળને રેશમા કોયલની વાત યાદ કરતો - 'રેશમા કોયલ મને શીખવે છે કે પ્રેમમાં તાકાત છે.
દયા અને સમજદારી એ ખરી શક્તિ છે. ગુસ્સો ખરાબ પરિણામ લાવે છે, પણ પ્રેમ અને ક્ષમા હૃદયોને પ્રકાશિત કરે છે.'
બાલદોસ્તો, આ વાત આપણે સૌએ શીખવા જેવી છે. જેવા ઉપરવાળા પરમેશ્વર પિતા દયાળુ છે, તેવા તમે દયાળુ થાઓ. આ તો ખરેખરો ઉપદેશ છે. જે માણસ એનો સ્વીકાર કરે છે એ ધન્ય ધન્ય બની જાય એ વાત એકસો એક ટકા સાચી છે.


