તમારા પ્રોજેક્ટનું નામ બોલો તો! .
- 'અમે બાળકો નાદાન, નાસમજ છીએ તો પણ અમે બધા ક્યારે ધર્મના નામે લડતાં નથી, તો પછી મોટા માણસો કેમ લડે છે? તેમને લડતાં જોઇને અમને દુ:ખ થાય છે.'
- ભારતી પી. શાહ
શા ળામાં પ્રથમ સત્ર હવે પૂરું થવાની તૈયારીમાં હતું. આધુનિક શૈક્ષણિક પદ્ધતિ અનુસાર દરેક વર્ગમાં બાળકોને પ્રોજેક્ટ બનાવવાના હોય છે. કક્ષા પાંચના વર્ગશિક્ષક હેમાબેન બેંકરે બાળકોને તેમની પસંદગીનો પ્રોજેક્ટ બનાવવા માટે લગભગ અઠવાડિયાનો સમય આપ્યો. તેમણે બાળકોને સૂચના આપી કે પ્રોજેક્ટ માટે જરૂર પડે તો તેઓ ગુ્રપ પણ બનાવી શકે છે. હેમાબેને બાળકોને પ્રોજેક્ટ બનાવવા અંગે ફાલ્ગુનીબેન અને સમીતાબેનની મદદ લેવાની સલાહ આપી.
'મેમ, હું વિચારું છું કે 'વૃક્ષો આપણાં મિત્રો' વિષે પ્રોજેક્ટ બનાવું. મેં પ્રોજેક્ટ માટે યોગ્ય વિષય પસંદ કર્યો છે ને?' વારીજાએ હેમાબેનને પૂછ્યું. 'વારીજા, ખૂબ સરસ મુદ્દો છે. તું તારા ગુ્રપ માટે હેતલ, બિનીતા અને વિશાલને પણ સામેલ કરજે.'
'ટીચર, અમે 'સર્વધર્મ સમભાવ' પર પ્રોજેક્ટ બનાવવા ઇચ્છીએ છીએ. તમે અમારું માર્ગદર્શન કરશો ?' બીજલ અને દીપાએ સમીતા ટીચરને પૂછ્યું.
'નાઈસ ટોપિક!' સમીતાબેને જવાબ આપ્યો. સમીતાબેનના જવાબથી બીજલ અને દીપા ખુશ થઇ ગયાં. 'પ્રોજેક્ટમાં મદદ કરવા માટે રહીમ, જ્હોન, શકીના, સન્મય અને શિવને સાથે લઇ શકો છો,' સમીતાબેને બાળકોને કહ્યું.
શાળાના વિદ્યાર્થીઓમાં માંહેમાંહે પ્રોજેક્ટ વિષે ચર્ચા કરવા લાગ્યા. બધા વિદ્યાર્થીઓમાં પ્રોજેક્ટ બનાવવાનો ઉત્સાહ સ્પષ્ટ દેખાતો હતો.
'ફાલ્ગુની મેમ, અમારું માર્ગદર્શન કરો અને અમે કયાં વિષય પર પ્રોજેક્ટની તૈયારી કરીએ તે જણાવો.' વિરાજ અને દેબશ્રી બોલ્યાં. ફાલ્ગુનીબેન થોડું વિચારીને કહે, ''ધરતી અમારી માતા' પર પ્રોજેક્ટ બનાવો.'
'ઓકે મેમ...' ખુશ થતા વિરાજ અને દેબશ્રીએ જવાબ વાળ્યો.
શાળાના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ માટેની જરૂરી વસ્તુની ખરીદીમાં લાગી ગયા. અનુકૂળતાએ ભેગા મળીને પ્રોજેક્ટ બનાવવા લાગ્યા. તેમના શિક્ષકો પણ પ્રોજેક્ટ અંગે માહિતી મેળવતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન કરતા હતા.
'મેમ, દરેક પ્રોજેક્ટ અંગે લોકોને કોઈ સંદેશ મળે તેમ કશુંક લખવું પડશે ?' વીરલે વર્ગશિક્ષકને પૂછ્યું
'ચોક્કસ... સંદેશો જરૂરી છે,' મેમ બોલ્યાં. એટલામાં નયનસર, પાર્થસર અને પ્રજ્ઞોશસર ત્યાં આવી પહોંચ્યા અને બોલ્યા, 'જે પ્રોજેક્ટ સૌથી સારો હશે તેને આપણા પ્રિન્સિપાલ પરેશ સાહેબ અને વાઇસ પ્રિન્સિપાલ અનમોલાબેને ઇનામ આપવાની ઇચ્છા દર્શાવી છે.'
અઠવાડિયાનો સમય પસાર થઇ ગયો અને લગભગ બધા પ્રોજેક્ટ તૈયાર થઇ ગયા. શાળાના વિશાળ હોલમાં બધા જ પ્રોજેક્ટ ગોઠવી દેવામાં આવ્યા. આખો હોલ શિક્ષકગણ વાલીઓ અને વિદ્યાર્થીઓથી ભરાઈ ગયો હતો. કાર્યક્રમ શરૂ થયો. પ્રિન્સિપાલ પરેશસાહેબ અને વાઇસ પ્રિન્સિપાલ અનમોલબેને બીજા શિક્ષકો સહિત પોતપોતાના સ્થાને ગોઠવાઈ ગયાં.
સૌ પ્રથમ વારીજા પોતાના ગુ્રપના સભ્યો હેતલ, બિનીતા અને વિશાલ સાથે પોતાનો પ્રોજેક્ટ લઇને આવી ગઈ. બધાએ શિક્ષકગણ અને વાલીઓને અભિવાદન કર્યું, પછી વિશાલે પ્રોજેક્ટ વિષે માહિતી આપતાં કહ્યું, 'આપણે બધા જાણીએ છીએ કે વૃક્ષો આપણે આહાર ઉપયોગી ફળો આપે છે, હવાને શુદ્ધ કરે છે, વળી તે વરસાદ લાવવામાં ઉપયોગી છે. વૃક્ષો પ્રદુષણને ઘટાડે છે. વૃક્ષોના અંગો આપણને ઔષધિ અને બળતણ માટે લાકડાં આપે છે. માટે 'વૃક્ષોનું જતન, આબાદ વતન' અને 'વૃક્ષો વાવો જીવન બચાવો' આ બન્ને વાતો આપણે સૌએ જીવનમાં ઉતારી લેવી જોઇએ.'
બધાએ તાળીઓના ગડગડાટથી તેને શાબાશી આપી. પછી વિરાજ અને દેબશ્રી તેમનો પ્રોજેક્ટ લઇને આવ્યાં. વિરાજ બોલી, ''ધરતી અમારી માતા' વિષય પર અમે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. માતા બાળકને જન્મ આપે છે, બાળકનું પાલન પોષણ કરે છે, પરંતુ ધરતી વગર વ્યક્તિનું પાલનપોષણ અશક્ય છે. જે ધરતી પર આપણો જન્મ થયો છે તે ધરતીમાતા આપણને જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓ પૂરી પાડે છે. તે ધરતી માટે આપણાં હૃદયમાં પ્રેમ અને આદર હોવા જોઇએ. આપણાં કવિઓએ સાચું જ કહ્યું છે - જનની જન્મભૂમિશ્વ સ્વર્ગાદપિ ગરીયસી.'
દેબશ્રી બોલી બધાએ તાળીઓ પાડી તેની વાત વધાવી લીધી. કેટલાક બાળકોએ 'જળ જીવન છે' તો બીજા કેટલાક બાળકોએ 'મારા સ્વપ્નનું ભારત' પ્રોજેક્ટ રજુ કર્યા. સૌથી છેલ્લે બીજલ અને દીપા તેમના સહાયક મિત્રો રહીમ, જ્હોન, શકીના, સન્મય અને શિવની સાથે આવી પહોંચ્યાં. અને બધાનું અભિવાદન કર્યું. પછી શિવ ઉભો થઇને બોલ્યો, 'વિવિધતાથી ભરપૂર એવા આપણાં દેશમાં રાષ્ટ્રીય અને અખંડિતતા જળવાઈ રહે તે રાષ્ટ્રહિત માટે અનિવાર્ય છે. અમારા પ્રોજેક્ટમાં અમે બધા ધર્મના ભગવાનની પ્રતિમાઓને સ્થાન આપ્યું છે. એક જ સ્થાને બેઠેલા આપણા ભગવાન લડતાં નથી, તો આપણે બધાએ કોમ, ભાષા, પ્રાંત અને ધર્મના નામે શા માટે દેશની એકતા જોખમમાં મૂકીને લડવું જોઇએ? જ્યારે દેશ પર પરદેશી આક્રમણનો, આતંકવાદનો ભય હોય ત્યારે ભારતના સાર્વભૌમત્વ માટે આપણી રાષ્ટ્રીય એકતા સુદ્રઢ કરવી અનિવાર્ય છે તે માટે આપણે સર્વ ધર્મના લોકોએ હાથમાં હાથ પરોવીને આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઇએ.'
'અમે બાળકો નાદાન, નાસમજ છીએ તો પણ અમે બધા ક્યારે ધર્મના નામે લડતાં નથી, તો પછી મોટા માણસો કેમ લડે છે ? તેમને લડતાં જોઇને અમને દુ:ખ થાય છે.' રહીમે કહ્યું.
આખો હોલ તાળીઓના ગડગડાટથી ભરાઈ ગયો. પ્રિન્સિપાલ પરેશ સાહેબ ઉભા થયા અને બોલ્યા, 'બાળકો, તમે બધાએ બહુ સરસ પ્રોજેક્ટ બનાવ્યા છે અને સંદેશ આપ્યા છે. હું ઇચ્છું છું કે તમે બધા મોટા થઇને માતૃભૂમિની એકતા અખંડ રાખવા પ્રયત્ન કરશો. બધા પ્રોજેક્ટ બહુ સરસ હતાં. એટલે હું બધા પ્રોજેક્ટને ઇનામ આપીશ.'
પ્રિન્સીપાલની વાત સાંભળી બધા ખૂબ ખુશ થઇ ગયા. વાલીઓએ બધા પ્રોજેક્ટ વારાફરતી જોયા અને બાળકોને શાબાશી આપી.
'બેટા શિવ, તે સન્મયઅને તારા મિત્રોએ બહુ સરસ પ્રોજેક્ટ બનાવ્યો છે. હું ખાસ તારો પ્રોજેક્ટ જોવા જ આવી છું,' શિવના દાદી કંચનબા ખુશ થતાં થતાં બોલ્યાં. શીલાબેન અને જોલીબેને પ્રોજેક્ટમાં ભાગ લેનાર બધાં બાળકોને પેનસેટ ભેટમાં આપ્યાં. બાળકો ખુશ ખુશ થઇ ગયાં. બધા આમંત્રિતો અલ્પાહારને ન્યાય આપી વિખરાયા.
વ્હાલા વાચકો, પ્રોજેક્ટ દ્વારા અપાયેલા સંદેશને જીવનમાં જરૂરથી ઉતારીએ.