- પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય ત્યારે સાવચેતી રાખવી જોઈએ. જરૂરી સામગ્રી બેટરી, મીણબત્તી, માચીસ, થોડો નાસ્તો અને પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવો. બધાએ તાળીઓના ગડગડાટથી જમનાની વાતને વધાવી લીધી.
- બિરેન પટેલ
ન મન અને મગન બન્ને પાક્કા ભાઈબંધ. સાથે જમે, સાથે રમે અને સાથે શાળામાં જાય. નમનનું ઘર નદીકાંઠે અને મગનનું ઘર ગામ વચ્ચે હતુ.નમન નદી પાર કરી ગામમાં આવે.મગન ગામના નાકે નમનની રાહ જોતો ઊભો રહે. બન્ને ભાઈબંધ સાથે શાળામાં જાય. શાળામાં જાય ખૂબ ભણે, ખૂબ રમે અને થોડી થોડી ધીંગામસ્તી પણ કરે.
એક દિવસની વાત છે. મગન છત્રી લઈને વરસતા વરસાદમાં નમનની રાહ જોતો ગામની ભાગોળમાં ઊભો હતો. નમન આવ્યો જ નહીં. મગન રાહ જોઈ થાક્યો અને શાળામાં ચાલ્યો ગયો. શાળામાં મગન ઉદાસ બેઠો હતો. ઉદાસ મગનને જોઈ શિક્ષક જગતરામજી કહે, 'કેમ મગનભાઈ આજે ઉદાસ છો?'
મગન કાંઈ બોલે તે પહેલા જ શિક્ષકને મનનને જણાવી દીધું કે, 'ગુરુજી, આજે મગનનો ભાઈબંધ નમન શાળામાં આવ્યો નથી માટે મગન આજે એકલો પડયો છે.'
જગતરામજી કહે, 'અહો, માટે આપણાં મગનભાઈ ઉદાસ છે,ખરું ને?'
ગજ કહે, 'હા મારા મિત્રો, વનુ અને નમુ પણ નથી આવ્યા, ગુરુજી!'
જગતરામજી કહે, 'આ નમનનું ઘર નદીકાંઠે છે અને આ બન્ને પણ નદી કાંઠે જ રહે છેને?' સમૂહમાં વર્ગખંડમાંથી અવાજ આવ્યો, 'હાઆઆઆ... ગુરુજી.'
જગતરામજી કહે, 'ચિંતા ન કરશો...' અને ગીતડું ગાવા લાગ્યા:
વરસ્યો છે વરસાદ ભારે,
નદી વહે છે બન્ને કિનારે.
નદીમાં આવ્યા લાગે છે પૂર?
મારા બાલુડાનું ખોવાયું નૂર.
જગતરામજીએ નમનના પપ્પાને ફોન જોડયો. અરે! પણ ફોન સ્વિચ ઓફ બતાવે છે.
વનુના પપ્પાને ફોન કર્યો. અરે! પણ ફોન નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર છે. જગતરામજી વિચારવા લાગ્યા: હવે શું કરવું?
ઉદાસ મગન બોલ્યો, 'ગુરુજી લાગે છે કે, રાત્રે ખૂબ વરસાદ પડયો માટે આખા ગામમાં ક્યાંય લાઈટ નથી.'
જગતરાતજી કહે, 'માટે જ આપણે સંપર્ક કરી શકતા નથી.'
સમુહમાં આખો કહે, 'ગુરુજી, હવે આપણે શું કરીએ ગુરુજી?'
વર્ગખંડમાં શાંત, હોશિયાર જમના કહે, 'ગુરુજી, તમે જ થોડા દિવસ પહેલા પ્રાર્થનાસભામાં સમજાવ્યું હતુ કે હવે વર્ષોતુમાં નદીકાંઠે રહેતા લોકોએ નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોય ત્યારે નદી પાર ન કરવી. પૂર જેવી સ્થિતિ સર્જાઈ હોય ત્યારે સાવચેતી રાખવી જોઈએ. જરૂરી સામગ્રી બેટરી, મીણબત્તી, માચીસ, થોડો નાસ્તો અને પીવાના પાણીનો સંગ્રહ કરી રાખવો. બધાએ તાળીઓના ગડગડાટથી જમનાની વાતને વધાવી લીધી.
ઉદાસ મગન ઉભો થઈ કહેવા લાગ્યો, 'હાશ! હવે ચિંતા નથી.'
જગતરામજી કહે, 'કેમ ભાઈ?'
મગન કહે, 'ગુરુજી, ગઈ કાલે નમન કહેતો હતો કે મારા પપ્પા ગઈકાલે બજારમાંથી જરૂરી દવા, બેટરી જરૂરી ઘરનો સામાન લઈને આવ્યા હતા. સાથે એમ પણ કહેતો હતો કે, તેમના ગાય, ભેંસ અને ઘેટાં-બકરા પણ ઊંચાઈવાળી જગ્યા પર બાંધ્યા છે.'
જગતરામજી કહે, 'સરસ, મારા વહાલા વિદ્યાર્થીઓ, હવે નદીના પાણી ઉતરશે એટલે આપણે નમન, વનુ અને નમુ ઘરે જઈશુ અને શાળામાં બોલાવી લાવીશું.'
બધા સાથે ગીતડું ગાવા લાગ્યા:
નદીમાં ઓસરશે પાણીના પૂર,
બાલુડા ધીંગામસ્તી કરશે ભરપૂર.


