- ઘડો તો આખો સોનાનાં ઘરેણાંથી ભરેલો હતો. એનો અર્થ એ થયો કે એ લોકો ખરેખર ચોર હતા અને આ સોનુ ચોરીને લાવ્યા હતા.
- અર્જુનસિંહ કે. રાઉલજી
કેરાલાના મલ્લાપુરમ પાસેનું નાનકડું ગામ પોન્નાઈ. એ ગામમાં નલિની રહે. હશે ઉંમર આઠ-નવ વર્ષની. ગામની બહારની ઝુંપડપટ્ટીમાં નલિની તેનાં માબાપ સાથે રહે. મજૂર હતાં તેનાં માબાપ. બંને આખો દિવસ મજૂરી કરે.માંડ માંડ ભરણપોષણ થાય. નલિનીને સરકારી સ્કૂલમાં ભણવા મૂકી હતી.નલિની ભણવામાં તો હોંશિયાર હતી. તે સમય એવો હતો કે ઝુંપડપટ્ટીમાં રહેનારા લોકોએ જાજરુ જવા માટે ગામની બહાર જે ખુલ્લું મેદાન હતું, ત્યાં જ કોઈક કોતરમાં જ લોટો લઈને જવું પડે.
હવે બન્યું એવું કે એક દિવસ રાત્રે લગભગ બે વાગ્યાની આસપાસ નલિનીને ગુરૂશંકાનું નિવારણ કરવાનું થયું. તેણે પોતાના બાપાને પહેલાં તો ખૂબ ઢંઢોળી ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પણ બાપા લાકડાં કાપીને રાત્રે મોડા આવ્યા હતા એટલે પથારીમાં સળવળ્યા પણ નહીં. નલિનીથી તો વધારે સમય રહેવાય તેમ નહોતું. તેણે તેની માને પણ જોરજોરથી બૂમો પાડીને જગાડવાની કોશિશ કરી, પરંતુ તેની મા પણ ન ઉઠી. એટલે થાકીને નલિની પાણીનો લોટો ભરીને ઝુંપડાની બહાર નીકળી ગઈ. નજીકમાં જ એક કોતર હતું તેમાં ઉતરી ગઈ. કામ પતાવીને તે કોતરમાંથી બહાર આવી અને પોતાના ઘર તરફ ચાલવા માંડી.
આકાશમાં બીજનો ચાંદ હતો.આછો આછો પ્રકાશ ફેલાયેલો હતો. નલિનીને એ ચાંદનીમાં રમવાની, ફરવાની બહુ ઈચ્છા થઇ, પણ તે એકલી હતી અને રાતનો સમય હતો એટલે તેને ઘેર જ જવું પડે. હજુ તે થોડાંક જ પગલાં ચાલી હશે કે થોડે દૂર તેણે એક ચળકતો ઘડો જોયો. તે એટલો ચમકતો હતો, જાણે કે સોનાનો ના હોય! નલિનીએ ધારી ધારીને જોયું તો બે માણસો ચાલ્યા જતા હતા. ખૂબ ઊંચા અને પડછંદ. મોટી મોટી મૂછો હતી બંનેની! એકના માથા ઉપર પેલો ચળકતો ઘડો હતો અને બીજાના હાથમાં કડિયાળી ડાંગ હતી. નલિનીને બીક તો લાગતી જ હતી, અંદરથી તે ફફડતી હતી, છતાં હિંમત કરીને તેણે જોરથી બૂમ પાડી, 'કોણ છે લ્યા?'અને બીકની મારી ઝડપથી પોતાના ઘર તરફ દોટ મૂકી.પેલા માણસોએ બૂમની દિશામાં નજર કરી. જોયું તો એક નાનકડી છોકરી. જે પુરુષના માથે ઘડો હતો તેણે ઘડો નીચે મુક્યો, આજુબાજુથી એક પથ્થર શોધી કાઢીને નલિનીને તાકીને માર્યો. ઘર તરફ ભાગતી નલિનીએ આ જોઈ લીધું એટલે તે સાવચેત થઇ ગઈ. ગોફણની જેમ આવતા પથ્થરથી પોતાની જાતને બચાવી લીધી, એટલું જ નહિ, પણ એ જ પથ્થરથી એ માણસ તરફ જોરથી ઘા કરીને તે ભાગવા માંડી. ઝૂંપડી નજીક આવીને ભાગતી ભાગતી એ જોર જોરથી બૂમો પાડવા લાગી, 'ઓ મા... બાપુ... કાકા... બધા ઝડપથી દોડો... ચોર આવ્યા છે... ચોર... ચોર...'
આ બાજુ પેલા માણસને પગમાં એવો તો જોરથી પથ્થર વાગ્યો કે એ 'ઓ મા...' કરીને ચીસ પાડીને લગભગ બેસી ગયો. જોકે તેના જોડીદારે તેને બેસવા ન દીધો. તેણે એનો હાથ પકડીને જોરથી ખેંચ્યો, 'ચાલ, જલ્દી દોડ... એ છોકરીએ બૂમો પાડી છે એટલે હમણાં બધા ઉઠી જશે અને આપણે પકડાઈ જઈશું...'
બંને ચોર ઝડપથી દોડીને ભાગી ગયા અને પેલો ચળકતો ઘડો ત્યાંને ત્યાં જ છોડી દીધો.
નલિનીની બૂમાબૂમથી તેના બાપા અને આજુબાજુના લોકો જાગી ગયા. તેમણે બહાર આવીને જોયું, નલિનીને પૂછયું. નલિનીએ બધી જ વાત કરી. પેલા લોકો ઘડો મૂકીને ભાગી ગયા છે એવું જાણ્યું એટલે સૌ ઘડામાં શું છે તેની તપાસ કરવા ગયા. તેમણે જોયું કે ઘડો તો આખો સોનાનાં ઘરેણાંથી ભરેલો હતો.એનો અર્થ એ થયો કે એ લોકો ખરેખર ચોર હતા અને આ સોનુ ચોરીને લાવ્યા હતા. પણ નલિનીએ બૂમો પાડી પછી પગમાં વાગ્યું હોવા છતાં પકડાઈ જવાની બીકે ચોરીનો માલ મૂકીને જ જીવ બચાવવા નાસી છૂટયા હતા.
કેટલાક તો એ સોનાના ભાગ પાડવાની વાત કરતાં હતા, તો કેટલાંક એ સોનુ નલિનીને આપી દેવાની વાત કરતા હતા, પણ નલિનીએ કહ્યું, 'જેનું સોનુ ચોરાયું હશે તેને કેટલું દુ:ખ થતું હશે? ના..ના.. મારે ના જોઈએ આ ચોરીનો માલ...' છેવટે ગામલોકોએ ભેેગા થઇને નજીકના પોલીસ સ્ટેશનમાં સોનું ભરેલો ઘડો જમા કરાવી દીધો.
નલિનીની વાત સાચી હતી. નજીકના ગામનાં નગરશેઠને ત્યાં જ ચોરી થઇ હતી. ચોરો માત્ર સોનુ જ લઇ ગયા હતા. પોતાનું સોનુ પાછું મળવાથી નગરશેઠ તો ખુશ ખુશ થઇ ગયા. તેઓ ખાસ નલિનીના ઘેર આવ્યા. ઘડમાંથી સોનાની જે કોઈ વસ્તુ પસંદ હોય તે લઇ લેવા જણાવ્યું, પણ નલિનીએ સ્પષ્ટ ના પાડી દીધી.
લોકોએ નલિનીને વધાવી લીધી!


