Get The App

મારી મા કદી ઉપદેશમાં નહી, કામમાં માનતી : જ્યોર્જ બનાર્ડ શો

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
મારી મા કદી ઉપદેશમાં નહી, કામમાં માનતી : જ્યોર્જ બનાર્ડ શો 1 - image

- અંગ્રેજી સાહિત્યના ભીષ્મ પિતામહ જ્યોર્જ બર્નાર્ડ શૉને હાસ્ય-કટાક્ષ લેખક તરીકે ખ્યાતિ મળેલી છે.

મારી મામાં હાસ્ય-વિનોદનો અભાવ હતો. બિચારી ઘણી જ ગંભીર હતી. તે ઉપદેશમાં નહીં પણ કામમાં માનતી. અમારા તમામ કુટુંબનું કામ તે એકલી કરતી અને એ કામ કરવામાં તેને આનંદ આવતો. મને ઘણીવાર થતું કે બધાં પોતપોતાનું કામ કરી લે તો માને કેટલો આરામ મળે? પણ માને આરામ જોઈતો ન હતો અને કોઈ પોતાનું કામ કરતું ન હતું. એ જવાબદારી મા જ ઉઠાવી લેતી.

હું જાતજાતના સવાલો પૂછવામાં ઘણો ઉસ્તાદ હતો. મારા સવાલનો જવાબ પિતાજી આપી દેતા. તેમને સાચો જવાબ ન આવડતો હોવા છતાં તેઓ જવાબ જરૂર આપી દેતા. મા કહી દેતી, 'બેટા, મને ખબર નથી.' મા મારા ઘણા સવાલોના જવાબ આપી શકતી નહીં. છતાં અમે માતા-પુત્ર એકબીજાની ઘણાં નજીક હતાં. હું મા સાથે બેતાળીસ વર્ષ સુધી રહ્યો પણ કદી અમારી વચ્ચે અણબનાવ થયો નથી. બોલાચાલી પણ થઈ નથી. માને કદી કોઈ સાથે લડાઈ થતી નહીં. ગજબની સહનશક્તિ અને સ્નેહશક્તિ હતી એનામાં. મને ઘણીવાર થાય છે કે દુનિયાનો એક પક્ષ મારી મા જેવો હોય અને બીજો પક્ષ મારા જેવો હોય તો કદી વિશ્વયુદ્ધ થાય જ નહીં!

મારી માતાના અવસાને મને ઘણો ગંભીર અને ભારે બનાવી દીધો હતો. મને હંમેશા થતું કે મારા વિશે હું કંઈ જ જાણતો નથી. મારા વિશે, મારી જરૂરિયાત વિશે મા બધું જ જાણતી હતી, પણ તેના વિશે હું કંઈ જ જાણતો ન હતો. લેશમાત્ર નહીં.

મારી માતાના અવસાન બાદ જિંદગીના અંત સુધી હું મારી માતાનો પરિચય મેળવવા તડપતો રહ્યો અને જે પરિચય મેળવ્યો તે આટલો જ હતો કે - માતા એટલે જીવે છે ત્યાં સુધી સદાય આપતી જ રહે છે અને કદી કંઈ જ માગતી નથી એવી સ્ત્રી.