- 30 માર્ચ નેશનલ પેન્સિલ દિવસ
- મીના પટેલ
નાનકડી વેદા આખો દિવસ રમે, કૂદે ને મોજ કરે. પેન્સિલ હાથમાં આવે એટલે એનું ચિતરામણ ચાલુ થઈ જાય. જ્યાં જુઓ ત્યાં ચીતરવા બેસી જાય. કાગળ હોય કે ભીંત, ચિતર્યા વગર ન રહે. મમ્મી અને પપ્પા એને ખૂબ વઢે, પણ કોઈનું માને નહીં. ધીમે ધીમે વેદાબેન મોટાં થયાં. હવે તો નાનકડું દફ્તર લઈને સ્કૂલે જવા માંડયાં. નાનકડી વોટરબેગ ને નાનકડો કંપાસ! નાનાં નાનાં બૂટમાં તો વેદાબેન અસ્સલ ઢીંગલી જેવા લાગે!
સવાર પડે ને મમ્મી કંપાસ ચેક કરે. કંપાસમાં એક પેન્સિલ, એક રબર ને એક નાનો સંચો આપે. વેદા તો સ્કૂલ જઈને ચીતરવા બેસી જાય. નોટ ચિત્રકામની હોય કે પછી ગણિતની! એનું ચીતરવાનું ચાલું! પેન્સિલ છોલી છોલીને કચરો બેન્ચ નીચે પડે એટલે ટીચર પણ એને વઢે. ઘરે આવે ત્યારે યુનિફોર્મનું ગજવું કાળું, રૂમાલ કાળો ને હથેળી પણ કાળી થઈ હોય. મમ્મી વેદાને વઢે ને શિખામણ પણ આપે. દાદી પણ પ્યારી વેદાને સમજાવે,પરંતુ સમજે એ બીજા! વેદાને દરરોજ સવારે નવી પેન્સિલ જોઈએ. ન આપો તો એનું રડવાનું ચાલુ થઈ જાય! સ્કૂલથી ઘરે આવે ત્યાં સુધીમાં તો પેન્સિલ અડધી પણ ના રહી હોય, એટલે મમ્મી કંટાળી જાય. કપડાં તો એટલા ગંદા કરે કે વાત ન પૂછો! મમ્મી કહે, 'ઘરે આવીને ચીતરવાનું છોડ, તારે જે લખવું હોય તે નોટમાં લખ. પેન્સિલને કારણ વગર છોલ છોલ ન કરાય. આ વળી શું!'
વેદાના દાદા આ બધું જુએ. એમણે એક યુક્તિ કરી. સવારે વેદા સ્કૂલ જવા તૈયાર થઈ ત્યારે એને ખોળામાં બેસાડી. વેદા નવી પેન્સિલ માટે જીદ કરતી હતી. દાદાએ એને પેન્સિલ હાથમાં લઈને સમજાવ્યું, 'જો બેટા, આ પેન્સિલને તું છોલ છોલ કરે છે તો એને કેટલું વાગતું હશે? લખતાં લખતાં જ્યારે પેન્સિલ બુઠ્ઠી થાય ત્યારે જ છોલાય! આ પેન્સિલ તો તારી દોસ્ત કહેવાય. પેન્સિલને પૂછ જોઈએ એ તારી દોસ્ત છે કે નહીં?' નાનકડી વેદાએ પૂછ્યું, 'તું મારી દોસ્ત છે?' ને ધીમે રહીને દાદા નાકમાંથી તીણો અવાજ કાઢી બોલ્યા, 'હા, વેદા હા...!'
વેદાએ ફરી પૂછ્યું, ''હું તને છોલું તો તને વાગે છે?'' ફરી દાદા નાકમાંથી તીણા અવાજે બોલ્યા, 'હા, વેદા હા...!' વેદા તો સાચું માની ગઈ. તેણે દાદાને કહ્યું, 'હવે હું કામ વગર પેન્સિલ નહીં છોલું. આ પેન્સિલ તો મારી દોસ્ત છે દોસ્ત!'' તેણે પેન્સિલને બચી ભરી કંપાસમાં મૂકી દીધી. દાદી ને મમ્મી ખુશ થઈ ગયાં. દાદા વ્હાલી વેદાને સ્કૂલે મૂકવા ઉપડી ગયાં.


