Get The App

મારી આંખ , મારા કાન... મારી મા !: હેલન કેલર

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
મારી આંખ , મારા કાન... મારી મા !: હેલન કેલર 1 - image

- મારી જિંદગી એક લાંબી રાત જેવી હતી. એવી રાત કે જેની કોઈ સવાર ન હતી. એવી કાળી રાત્રીની એક માત્ર સવાર મારી મા હતી...

- તાવની સાથે આંખ-કાન પણ દૂર થઈ ગયા

- ડોક્ટરનું હૈયું પણ હાહાકાર કરી ઊઠયું

- બહેરી મૂંગી અંધ મહિલા હેલન કેલરે દુનિયાના અપંગોમાં નવી જ પ્રેરણા સીંચી છે. અપંગોની તે લગભગ દેવી બની ચૂકી છે.

- હરીશ નાયક

ફરીથી એ ફેબુ્રઆરી મહિનો આવ્યો અને આવી બીમારી! એ બીમારીની વાત કરતાં જ હૃદય કંપી ઉઠે છે. એ બીમારી મારા કાન અને મારી આંખો એક સાથે લઈ ગઈ. અવાજ અને પ્રકાશની દુનિયા મારે માટે સદાને માટે બંધ થઈ ગઈ. હું એક અવાજ વગરના અંધકારના ઊંડા કૂવામાં ધકેલાઈ ગઈ. ડોક્ટર તો માનતા હતા કે હું જીવી જ નહિ શકું. તાવ દૂર થયો ત્યારે ઘરમાં આનંદ થઈ રહ્યો પણ બિચારા ઘરનાં લોકો શું જાણે કે તાવની સાથે જ આંખ-કાન પણ દૂર થઈ ગયા હતા? મારા જેવડી નાનકડી બાળકીની આ દશા થઈ છે જાણીને તો ડોક્ટરનું હૈયું પણ હાહાકાર કરી ઊઠયું.

એ દિવસોમાં મારો એક માત્ર સહારો મા હતા. હું આખો દિવસ માના ખોળામાં બેસી રહેતી. મને ઊંઘી ગયેલી જુએ ત્યારે જ મા ઘરનું કામ પતાવી દેતી. જાગી જતાં તરત જ હું માને યાદ કરતી અને મા દોડીને મને ઉપાડી લેતી. ધીરે ધીરે હું માનું વ પકડીને ખેંચવા લાગી. અમારા એ સહવાસ દરમિયાન જ મા મને સ્પર્શ દ્વારા દુનિયાની વાતો શીખવાડવા લાગી.

ધીરે ધીરે માની સહાયથી હું સંકેતોની ભાષા શીખવા લાગી. માથું હલાવી 'હા' કે 'ના' કહેવું સરળ હતું. પણ ખાવા માટે પાઉં જોઈએ ત્યારે માનો હાથ દબાવવો પડતો. માએ તેની સંજ્ઞાા પણ શીખવી. પાઉં પર માખણ લગાડવાની ઇશારત પણ સમજાવતા. મને આઈસક્રીમ ખાવાની ઇચ્છા થાય ત્યારે હું ટાઢ વાતી હોય એમ દેહ કંપાવતી અને ફ્રીઝ તરફ આંગળી ચીંધતી.

મારે શું જોઈએ છે એ મા મારા કરતાં વધુ સારી રીતે સમજી જતી. અરે મારો અણસાર પામી તે ઠેઠ બીજે માળેથી દોડીને આવી પહોંચતી. મારી જિંદગી એક લાંબી રાત જેવી હતી. એવી રાત કે જેની કોઈ સવાર ન હતી. એવી કાળ રાત્રીની એક માત્ર સવાર મારી મા હતી.

આંખ-કાન ગુમાવીને પણ હું મા સાથે ખુશ હતી. સાચું કહું તો મારે મન મારી મા આંખ-કાનથી પણ વધુ હતી. અરે શરીરના તમામ અંગોથી વધુ હતી! મા વિશે કેવી રીતે લખું? મા મારે માટે એટલી બધી આત્મીય હતી કે કંઈ કહેવું એમાં મને અસંસ્કારિતાનો ભાસ થાય છે.