Get The App

એક જ ખડકમાંથી કોતરાયેલી મુંબઈની એલિફન્ટાની ગુફાઓ

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
એક જ ખડકમાંથી કોતરાયેલી મુંબઈની એલિફન્ટાની ગુફાઓ 1 - image

મુંબઈના એપોલો બંદરથી સમુદ્રમાં સાત કિલોમીટર દૂર આવેલા ગઢપુરી ટાપુ પરની એલિફન્ટાની ગુફાઓ સાતમી સદીમાં બનેલું અજાયબ 

સ્થાપત્ય છે. સાત કિલોમીટરનો ઘેરાવો ધરાવતા આ નાનકડા ટાપુ પર એલિફન્ટાની સાત ગુફાઓનો સમૂહ છે. ટાપુ પર હાથીની વિશાળ કદની મૂર્તિ મળી આવેલી તેથી તેનું નામ એલિફન્ટા 

પડેલું. ૧૬મી સદીમાં પોર્ટુગીઝોએ આ ટાપુ પર કબજો મેળવી એલિફન્ટા નામ આપેલું.

એલિફન્ટાની ગુફાઓ એક જ પહાડમાંથી કોતરવામાં આવેલી છે. ૫૦૦ ફૂટ ઊંચાઈના ખડકમાં ૩૯ મીટર ઊંડે સુધી ગુફા બનાવી તેની દીવાલો પર સુંદર મૂર્તિઓ અને આકર્ષક ડિઝાઈન કોતરવામાં આવેલી છે. સાતમી સદીમાં બંધાયેલી આ ગુફા કઈ રીતે બની હશે તેની કલ્પના પણ મુશ્કેલ છે. ૬૦૦૦૦ ચોરસફૂટમાં ફેલાયેલા આ સંકુલની ગુફાઓમાં ભગવાન શિવની વિવિધ મૂર્તિઓ છે. મુખ્ય ગુફા દ્વારપાળના શિલ્પવાળા સ્તંભોથી ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. મુખ્ય ખંડમાં શંકર ભગવાનની મૂર્તિઓ છે તેમાં સૌથી મોટી મૂર્તિ પાંચ મીટર ઊંચી છે. આ ઉપરાંત ત્રિમૂર્તિ, અર્ધનારેશ્વર, પાર્વતી વગેરેની વિશાળ મૂર્તિઓ પણ છે. આ સ્થળ યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન પામ્યું છે. આપણા દેશના અને વિદેશના પ્રવાસીઓ આ ગુફાઓ જોવા અચૂક આવે છે.

એક જ ખડકમાંથી કોતરાયેલી મુંબઈની એલિફન્ટાની ગુફાઓ 2 - image

વાહનોનાં ટાયર વિશે આ જાણો છો?

ઈ. સ. ૧૮૪૪માં ચાર્લ્સ ગુડઈયરે વલ્કેનાઇઝ રબ્બરની શોધ કર્યા બાદ તેનો ટાયરમાં ઉપયોગ શક્ય બનેલો. ટાયરની શોધ જ્હોન બોન્ડ ડનલોપે ઈ.સ. ૧૮૮૭માં કરી હતી. ડનલોપ પોતે પશુ ચિકિત્સક હતો. ટાયરની શોધ વિશે એક રસપ્રદ વાત જાણીતી છે. ડનલોપે તેના પુત્રને ત્રણ પૈંડા વાળી સાયકલ લઈ આપેલી. તે જમાનામાં સાયકલના ટાયર નહોતાં. પુત્રને ખાડા ટેકરાવાળા રસ્તા પર સાયકલ ચલાવવામાં તકલીફ પડતી તે જોઈને ડનલોપે તેના સાયકલના લાકડાના પૈંડા પર રબરની રિંગ ચઢાવી આપી અને આમ ટાયરની શોધ થઈ. ૧૮૮૭માં બનેલી આ ઘટનાએ વાહન વ્યવહારને સરળ બનાવી નાખ્યો. ડનલોપે પોતાની ટાયર બનાવવાની કંપની સ્થાપી હતી. ૧૮૮૮માં તેણે પેટન્ટ મેળવી હતી.

* ૧૯૦૪માં ટાયરની ફરતે માઉન્ટેબલ રિંગ નાખવામાં આવી.

* ૧૯૦૮માં રસ્તા ઉપર વધુ પક્કડ જમાવતા ખાંચા પાડેલી પેટર્નવાળા ટાયર ફ્રેન્ક સીબરલિંગે બનાવ્યા.

* ૧૯૧૧માં કિલિપ સ્ટોસે ટાયરની અંદર હવા ભરેલી ટયુબ મુકવાની શોધ કરી. ત્યારબાદ ટાયર અને ટયુબનો ઉપયોગ વ્યાપક બન્યો.

એક જ ખડકમાંથી કોતરાયેલી મુંબઈની એલિફન્ટાની ગુફાઓ 3 - image

બ્રહ્માંડનો સૌથી ગરમ તારો વ્હાઈટ ડ્વાર્ફ

આપણા માટે સૂર્ય બ્રહ્માંડનો સૌથી ગરમ અને તેજસ્વી તારો છે. પરંતુ બ્રહ્માંડમાં સૂર્ય કરતાંય મોટા તારાઓ છે તે પૃથ્વીથી વધુ દૂર હોવાથી જોઈ કે જાણી શકાતા નથી. ઘણાં તારાઓ તો સૂર્યમાળાથી જ કરોડો કિલોમીટરના અંતરે આવેલા છે. તારાઓ જન્મે છે અને મૃત્યુ પામે છે. એટલે બ્રહ્માંડ સતત બદલાતું રહે છે. તારો મૃત્યુ પામે ત્યારે આસપાસનું આવરણ ગુમાવે છે અને માત્ર કેન્દ્ર રહે છે. આ કેન્દ્ર એટલે તેના ગર્ભનો ભાગ. તે લાખો ડિગ્રી ગરમી ધરાવે છે. ખગોળશાસ્ત્રીઓ આવા તારાને શ્વેત વામન કે વ્હાઈટ ડ્વાર્ફ કહે છે. બ્રહ્માંડનો સૌથી ગરમ વ્હાઈટ ડ્વાર્ફ સૂર્ય કરતાં અર્ધા કદનો છે અને સૂર્ય કરતા ૩૬ ગણો ગરમ છે. તે હજારો ગણો તેજસ્વી પણ છે.