- મેહુલ સુતરિયા
- 'મોરભાઈ, પરીક્ષા એ જીવનનો હિસ્સો છે. પરીક્ષા જીવન નથી. તમે આખું વર્ષ મહેનત કરી છે એટલે તમારું પરિણામ સારું જ આવશે. આત્મવિશ્વાસ કેળવો. આમ ખાવા-પીવાનું છોડી દેશો અને બીમાર પડશો તો પરીક્ષા કેવી રીતે આપશો?'
એક ખૂબ મોટાં જંગલમાં મોરભાઈ રહેતા હતા. મોરભાઈ જંગલમાં આવેલી શાળામાં અભ્યાસ કરતા. મોરભાઈને શાળામાં જવું - ભણવું બહુ ગમે.
મોરભાઈ તો રોજ ખભે દફતર ભરાવીને નીકળતાં જાય અને ગાતાં જાય-
નિશાળે જવાની બહુ મજા,
ભણવાની ભાઈ, બહુ મજા...!
મોરભાઈ એકપણ દિવસ રજા પાડતા નહિ. દરરોજ નિશાળે જવાનું જ. ગમે તે ઋતુ હોય - ઉનાળો હોય, શિયાળો કે ચોમાસુ, મોરભાઈ તો રોજ શાળાએ જાય જ.
મોરભાઈ આખી શાળામાં શિક્ષકોના પ્રિય હતા. ભણવામાં હોંશિયાર અને પાછા નિયમિત પણ ખરા એટલે પ્રિય હોય જ ને !
મોરભાઈની શાળાની પરીક્ષા નજીક આવી રહી હતી. મોરભાઈ તો હવે બહાર રમવા પણ નહોતા જતા. તેમનાં મમ્મી તેમને બહુ સમજાવે કે, 'મોરભાઈ, પરીક્ષાની આટલી ચિંતા ન કરો. તમે હોંશિયાર છો અને આખું વર્ષ મહેનત કરો છો એટલે હવે બહાર રમવા પણ જાઓ.' પણ મોરભાઈ તો જેમ પરીક્ષા નજીક આવતી ગઇ તેમ ખાવા-પીવાનું પણ છોડી દીધું.
મોરભાઈના મમ્મીએ વિચાર્યું કે મારે મોરભાઈની ચિંતા દૂર કરવા કંઇ કરવું પડશે!
તેમણે મોરભાઈને સમજાવ્યું કે પરીક્ષા એ જીવનનો હિસ્સો છે. પરીક્ષા જીવન નથી. તમે આખું વર્ષ મહેનત કરી છે એટલે તમારું પરિણામ સારું જ આવશે. આત્મવિશ્વાસ કેળવો. આમ ખાવા-પીવાનું છોડી દેશો અને બીમાર પડશો તો પરીક્ષા કેવી રીતે આપશો ?
મોરભાઈનાં મમ્મીની આ વાતોથી મોરભાઈને સમજાઈ ગયું. તેઓને હવે પરીક્ષાની કોઈ ચિંતા નથી. તેઓ અભ્યાસની સાથે-સાથે રમે છે, ક્યારેક ટીવી જુએ છે. સમયસર જમવનું પણ જમી લે છે.
તો બાળમિત્રો, આપણે પરીક્ષાની તૈયારી કરવી જોઇએ પણ એટલી પણ ચિંતા ન કરવી જોઇએ જેથી પરીક્ષા સમયે આપણે બીમાર પડી જઈએ. આત્મવિશ્વાસ સાથે આપણે કોઈ પણ કાર્ય કરીશું તો ચોક્કસ સફળતા મળશે જ !


