- જતીન ભટ્ટ 'નિજ'
- 'ના પપ્પા ના, પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ... હું તમને એવું નહીં કરવાં દઉં...' આટલું બોલતો મોન્ટુ ધુ્રસકે ને ધુ્રસકે રડી પડયો. પપ્પા અટકી ગયા.
એક નાનકડા ગામમાં તરુણભાઈ, તારીકાબેન અને એમનો દીકરો મોન્ટુ રહેતાં હતાં. તરુણભાઈને શહેરમાં કટલરીની દુકાન. સવારે જાય અને રાત્રે ઘરે પાછા ફરે. ભગવાન પાસે દીવાબત્તી, આરતી કરી એ ત્રણેય જણા સાથે જમવા બેસે. એવું નક્કી કરેલું કે બધાંએ વારાફરતી સવારથી માંડી અત્યાર સુધીની બધી જ વાત કરવી. પહેલો વારો મોન્ટુનો, બીજો મમ્મીનો અને છેલ્લો વારો તરુણભાઈનો. મોન્ટુ તો એની સ્કૂલે આજે શું કર્યું થી માંડી સાંજે સ્કૂલેથી આવીને હોમવર્ક પૂરું કર્યું ત્યાં સુધીનું બધું જ વર્ણવે. તારીકાબેન પણ સવારે પાણી ભરવાથી માંડી સાંજે જમવાનું બનાવ્યું ત્યાં સુધી બધી જ વાત કરે. તરુણભાઈ કટલરીની દુકાનની વાતો કરે, પણ એમની વાતમાં રોજ એક વાત તો હોય જ કે, 'આજે ય ધંધો બરાબર થયો નથી... '
એક વખત મોન્ટુની સ્કૂલે જાહેર રજા હતી એટલે એ પપ્પા સાથે એમની દુકાને ગયો.
પપ્પાએ દુકાન ખોલી, પૂજા કરી, ભગવાનને હાર ચડાવ્યો. મોન્ટુ આ બધું જોયા કરતો હતો. દુકાન શહેરની મોકાની જગ્યાએ જાણીતા કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડફલોર પર હતી. સામે એક મોટું ગુલમહોરનું ઝાડ હતું. પંખીઓ ત્યાં આવ્યાં કરતાં હતાં. ઝાડ નીચે કાયમ છાંયડો રહેતો હતો. એક પરબ પણ હતી. માણસો આવે, પાણી પીએ, થોડી વાર આરામ કરે, પછી પોતાના કામે જાય.
મોન્ટુ ઘડીમાં ખુરશી પર બેસે તો ઘડીમાં ઝાડ નીચે ઊભો રહી પંખીઓ જોયા કરે. એને બહુ મજા પડતી. એવામાં પપ્પાના એક મિત્ર આવ્યા. તેમણે ઘણી વાતો કરી. વાતવાતમાં પપ્પાએ મિત્રને કહ્યું, 'દુકાનમાં બહુ ઘરાકી રહેતી નથી અને એનું કારણ આ ઝાડ છે, કારણ કે ઝાડ પાછળ દુકાન ઢંકાય જાય છે એટલે ગ્રાહકોને મારી દુકાન દેખાતી નથી.'
આ સાંભળી મિત્રે સલાહ આપી, 'એક કેમિકલ પાવડર આવે છે તે ઝાડ નીચે નાખી દેવાનો એટલે ધીમે ધીમે ઝાડ મરી જશે.' એણે પપ્પાને એ પાવડરનું નામ પણ કહ્યું. મોન્ટુએ બધી વાતો સાંભળી. એણે પપ્પાને ના પાડી. કહ્યું, 'પપ્પા, આવું આપણે નથી કરવું...'
પણ પપ્પા એ વખતે માન્યા જ નહીં. મોન્ટુએ મનોમન નક્કી કર્યું કે પપ્પાને આ કામ તો હું નહીં જ કરવા દઉં. સવારેમમ્મીની સામે જ પપ્પાને અટકાવીશ. મમ્મી મારા પક્ષમાં જ રહેશે.
બીજા દિવસે જ્યારે પપ્પા પેલો ઝેરી પાવડર લઈ ઘરેથી દુકાને જવા નીકળ્યા એકદમ જ મોન્ટુ એમને વળગી પડયો.
'ના પપ્પા ના, પ્લીઝ... પ્લીઝ... પ્લીઝ... હું તમને એવું નહીં કરવાં દઉં...' આટલું બોલતો મોન્ટુ ધુ્રસકે ને ધુ્રસકે રડી પડયો. પપ્પા અટકી ગયા.
મમ્મી આશ્ચર્યથી ઘડીક પપ્પા તરફ, ઘડીક મોન્ટુ તરફ જોવા માંડી.
'પણ વાત શું છે? આ આપણો મોન્ટુ આટલું બધું કેમ રડે છે? આવતો રહે બેટા, શું થયું મને શાંતિથી કહે.'
પપ્પા ઓઝપાઈ ગયા. થોડે દૂર ઊભા રહી ગયા. મમ્મીએ મોન્ટુને શાંત રાખ્યો. પૂછયું, 'શું થયું?'
મોન્ટુએ દુકાને સાંભળેલી વાત મમ્મીને કહી સંભળાવી. પછી ઉમેર્યું, 'મમ્મી, મમ્મી... તમને ખબર છે? અમારી સ્કૂલમાં શીખવાડયું છે કે દરેક વૃક્ષમાં જીવન હોય છે. દરેક વૃક્ષને લાગણી પણ થતી હોય છે. આપણે મનુષ્યો જો એને ખીલી પણ મારીએ તો એને ય દુખતું હોય છે. આપણી આ દુકાનની સામેનું ઝાડ તો કેટલું મોટું છે! એ જો નહીં રહે તો એની ડાળીઓ પર રહેતા ને આરામ કરતાં પંખીઓ, ઝાડ નીચે આરામ કરતા માણસો, પાણીની પરબ... આ બધું જતું નહીં રહે? પ્લીઝ મમ્મી, પપ્પાને સમજાવોને કે ઝાડને મારી ન નાખે.'
બોલતાં બોલતાં મોન્ટુ પાછો રડી પડયો. એની વાત સાંભળીને પપ્પા અને મમ્મીની આંખો પણ ભીની થઈ ગઈ. પપ્પાએ એ જ ઘડીએ પેલો ઝેરી કેમિકલવાળો પાવડર ફેંકી દીધો. પછી મોન્ટુને કહે, 'બસ? હવે ખુશ?'
મોન્ટુ તો રાજી રાજી થઈ ગયો.
મોન્ટુ અને એનાં મમ્મી-પપ્પાની આવી સારી ભાવના જોઈને એમના પર જાણે ઝાડના આશીર્વાદ ઉતર્યા. એમની દુકાન બહુ જ સરસ ચાલવા માંડી. મોન્ટુ પણ પોતે એક સરસ કાર્ય કર્યું એ વાતનો ખૂબ સંતોષ થયો. એણે પોતાના દોસ્તારોને પણ આવાં કામ કરવાની પ્રેરણા આપી...


