- 'જુઓ આ નાના ટાબરિયાઓને. સાયકલ લઈને સ્કૂલે જાય છે, એ પણ હેલ્મેટ પહેરીને... ને આ તમે લોકો ફાસ્ટ બાઈક ચલાવો છો, એ પણ હેલ્મેટ પહેર્યાં વગર. શીખો જરા શીખો આ નાના ટાબરિયાઓ પાસેથી!'
જતીન ભુપેન્દ્રભાઈ ભટ્ટ 'નિજ'
શહેરની બાજુમાં એક ગામ હતું. એ ગામમાં મોન્ટુ એનાં મમ્મી-પપ્પા સાથે રહેતો હતો. મોન્ટુ છઠ્ઠા ધોરણમાં ભણતો હતો. રોજ સાયકલ લઈને શહેરમાં આવેલી સરસ્વતી વિધાલયમાં ભણવા જાય. એની સાથે એના મિત્રો પણ સાયકલ લઈને જ જાય.
તેઓ જે રસ્તેથી સ્કૂલે ભણવા જાય ત્યાં વચ્ચે ચોકડી એટલે કે ચાર રસ્તાનું જંક્શન આવતું. સવારે બધાંને ઉતાવળ હોય એટલે ચારે બાજુ પુષ્કળ ટ્રાફિક હોય. નાના-મોટા એક્સિડન્ટ પણ થયા કરતા હતા. અરે! એક વખત તો કોઈ બાઈકને ગાડીની ટક્કર વાગી તો બાઈકવાળો દૂર ફેંકાઈ ગયો હતો. એ તો સારું થયું કે બાઈકવાળાએ હેલ્મેટ પહેરી હતી એટલે એનું માથું બચી ગયું.
મોન્ટુ અને એના મિત્રોએ ઘરે આ વાત કરી હતી. બસ, ત્યારથી મોન્ટુ અને એના મિત્રોનાં મમ્મી-પપ્પાઓને ચિંતા રહ્યાં કરતી હતી.
એક દિવસ મોન્ટુના પપ્પાને એક આઈડિયા આવ્યો. એમણે મોન્ટુના મિત્રોનાં મમ્મી-પપ્પાઓને બોલાવ્યાં. એમની સાથે આ એક્સિડન્ટ વિશે ચર્ચા કરી ને નક્કી કર્યું કે આપણાં સંતાનોને આપણે સાયકલવાળી હેલ્મેટ અપાવી દઈએ.
બીજા દિવસે મોન્ટુના પપ્પાએ એને હેલ્મેટ ગિફ્ટ કરી. એમણે કહ્યું, 'જો બેટા, આજથી તારે હેલ્મેટ પહેરીને જ સાયકલ પર સ્કૂલે જવાનું છે.'
હવે મોન્ટુ તો બહુ ડાહ્યો છોકરો. એણે જરાય આનાકાની ન કરી. હેલ્મેટ પહેરીને એ સાયકલ પર સ્કૂલે જવા નીકળ્યો. સાથે એના મિત્રો પણ હેલ્મેટ પહેરી સાયકલ પર નીકળ્યા. એય ને બધાં મસ્તીભરી વાતો કરે અને સાયકલને પેંડલ મારતા જાય...
પેલા ટ્રાફિક સિગ્નલ પર પોલીસવાળાએ જોયું કે આ છોકરાઓ તો હેલ્મેટ પહેરીને નીકળ્યા છે. એણે છોકરાઓને ઊભાં રાખી શાબાશી આપી. બીજા બાઈકસવારોને કહ્યું, 'જુઓ આ નાના ટાબરિયાઓને. સાયકલ લઈને સ્કૂલે જાય છે, એ પણ હેલ્મેટ પહેરીને... ને આ તમે લોકો ફાસ્ટ બાઈક ચલાવો છો, એ પણ હેલ્મેટ પહેર્યાં વગર. શીખો જરા શીખો આ નાના ટાબરિયાઓ પાસેથી!'
ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા બધા લોકોએ તાળીઓ પાડી. મોન્ટુ અને એના મિત્રો તો બહુ જ ખુશ થઈ ગયા.
બીજા દિવસે એ પોલીસે અને એના મોટા સાહેબે મોન્ટુ અને એના મિત્રોનો હેલ્મેટ પહેરી સાયકલ ચલાવતો વિડીયો ઉતાર્યો. પછી એ વિડીઓ વાઇરલ કરી દીધો. ટીવી પર આવતા સમાચારોમાં પણ આ વિડીઓ દેખાડવામાં આપ્યો. સાથે એક સંદેશા અપાયો કે, 'જુઓ આ નાના બાળકોને... કેવાં હેલ્મેટ પહેરીને સાયકલ પર સ્કૂલે જાય છે!... અને તમે મોટા લોકો વગર હેલ્મેટે બાઈક ચલાવો છો? તમારે આ બાળકો પાસેથી શીખવું જ જોઈએ કે બાઈક અથવા તો સ્કૂટર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવી જોઈએ, પહેરવી જ જોઈએ... ને પહેરવી જ જોઈએ.'
આ વિડીયો ઘણા લોકોએ જોયો. સ્કૂલમાં પણ બધાએ જોયો. પ્રિન્સિપાલે અને સ્કૂલટીચરોએ મોન્ટુ અને એના મિત્રોના બહુ વખાણ કર્યા. આ બધું જોઈ મોન્ટુ અને એના મિત્રો બહુ જ ખુશ ખુશ થઈ ગયા.
હવે તો મોન્ટુ અને એના મિત્રો સૌ કોઈને સમજાવતા કે સાયકલ ચલાવો કે બાઈક... હેલ્મેટ તો સૌએ પહેરવી જ જોઈએ...
તો બાળમિત્રો, જો તમે પણ સાયકલ લઈને સ્કૂલે જતાં હો અને જો તમારી પાસે હેલ્મેટ ન હોય તો મમ્મી-પપ્પાને કહેજો કે અમને પણ હેલ્મેટ અપાવો. હવેથી અમે હેલ્મેટ પહેરીને જ સ્કૂલે જઈશું!


