Get The App

છછુંદરની પિચકારી .

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
છછુંદરની પિચકારી                                    . 1 - image

- જાગૃતિ 'નિર્મોહી'

એક ઘેલાભાઈ હતા. તે ભારે કંજૂસ. તેમનો કલરનો વેપાર. ઘર-ઇમારતોની દીવાલો માટેના રંગોનું તેઓ ધૂમ વેચાણ કરે. કોઈપણ દુકાનમાં આવે તો પૂછવા ખાતર 'ચા પીશો?' એમ પૂછે, પણ ક્યારેય ચા ન પીવડાવે. એક રૂપિયો તો ક્યારેય ઓછો ન કરે. ભૂલથી કલરનું એક ટીપું પણ નીચે પડયું હોય તો પીંછીથી લઈને કોઈ દીવાલ પર રંગી દે. આટલી બધી કંજૂસાઈ!   

એક દિવસ દુકાનમાં દોડતું ફૂદતું છછુંદર આવી ગયું. છછુંદર દુકાનમાં ફરતું જાય અને ઘેલાભાઈને જોતું જાય. છછુંદર ઘેલાભાઈનો સ્વભાવ પામી ગયું હતું. 

કોઈપણ ગ્રાહક આવે કે જાય એટલે

છછુંદર ગાય- 

'એક હતો ઘેલો, 

એ કંજૂસાઈનો મેળો.' 

ઘેલાભાઈને ક્યાંકથી અવાજ આવ્યો. એમને વિચાર્યું આ તો મને ભ્રમ થઈ રહ્યો લાગે છે. તેઓ કામે લાગી ગયા.

બીજા દિવસે બન્યું એવું કે ગ્રાહક આવ્યા અને સામાન લઈ જતા રહ્યા. ત્યાં જ છછુંદર બોલ્યું- 

'એક હતો ઘેલો,

એ કંજુસાઈનો મેળો.'  

આ સાંભળીને દુકાનમાં ઊભેલા ત્રણે નોકર ખડખડાટ હસ્યા. ઘેલાભાઈ ગુસ્સે થઈ ગયા. 'કેમ અલ્યા, હસો છો?' 

એક નોકર કહે, 'શેઠ, આ દીવાલ ગીત ગાય છે.' 

'શું બકવાસ કરે છે? કહે દીવાલે શું

ગીત ગાયું?' 

પેલા ત્રણે એકસાથે બોલ્યા- 

'એક હતો ઘેલો,

એ કંજૂસાઈનો મેળો...' 

ઘેલાભાઈ શેઠ તો ગુસ્સે થઈ ગયા. 'તમે કોને કહો છો? નોકરી પર રહેવું છે કે નહીં?' 

બિચારા ત્રણેય નોકર ડરતા ડરતા કામે

લાગી ગયા. 

ઘેલાભાઈ રાજ આ સાંભળે, પણ અવાજ ક્યાંથી આવે છે એ ખબર ન પડે.  

ત્યાં જ ઘેલાભાઈનો દીકરો શ્યામ આવ્યો. તેણે ઘેલાભાઈ સામે જીદ કરી, 'પપ્પા,પપ્પા...  મારી સ્કૂલમાં વેકેશનમાં કલર ફેસ્ટિવલનું આયોજન થયું છે. મારે તો કલર જોઈએ તો જોઈએ.' 

ઘેલાભાઈ કહે, 'આપણે દુકાનમાં એવા રંગો રાખતા નથી. તું કહે છે એવા રંગો તો બહારથી ખરીદવા પડે. આ શું વળી... એક દિવસની ધમાલ માટે ખોટા કલર બગાડવાના ને એના માટે પૈસાનો ખર્ચો કરવાનો! ના, આપણે તો કોઈ કલર લાવવાના થતા નથી.'

ત્યાં છછુંદર બોલ્યું-

'એક હતો ઘેલો,

એ કંજૂસાઈનો મેળો...'  

શ્યામ તો આ સાંભળી તાળી પાડીને ગાવા લાગ્યો-

'એક હતો ઘેલો,

એ કંજુસાઈનો મેળો...' 

ઘેલાભાઈ ગુસ્સે થઈ ગયા, 'શ્યામ, તને આવું ગીત તને કોણે શીખવાડયું?' 

શ્યામ કહે, 'પપ્પા તમારી દુકાનમાં જ વાગે છે.'

ઘેલાભાઈ અજાણ બનીને કહેવા લાગ્યા, 'હેં? શું કહે છે ?ક્યાં વાગે છે?' 

શ્યામ, ઘેલાભાઈ, નોકરો બધા દુકાનમાં એ અવાજ શોધવા લાગ્યાં. 

ત્યાં શ્યામ બોલ્યો, 'પપ્પા, તમે મને કલર નહીં લઈ આપો તો હું આ ગીત ઘરે અને ફળિયામાં બધાને કહી દઈશ. મારા પપ્પાની દુકાનમાં મારા પપ્પાનું મસ્ત ગીત વાગે છે કે-

એક હતો ઘેલો,

એ કંજૂસાઈનો મેળો...'  

શ્યામની વાત સાંભળી ઘેલાભાઈ નછૂટકે કલર ખરીદવા તૈયાર થયા. બાપ-દીકરો કલર લઈને દુકાને પાછા ફર્યા. દુકાનમાં શ્યામે છછુંદરને જોયો ને તેની સાથે રમવા લાગ્યો. 

શ્યામના એક કલરની કોથળીમાં કાણું પડી ગયું હતું. તેમાંથી થોડો કલર ઢોળાયેલો હતો. છછુંદર કલરમાં આળોટીને શ્યામને વળગી પડયું. શ્યામે પણ તેને કલર લગાવ્યો. 

છછુંદર ગેલમાં આવી આવી ગયું. બધા કલરની કોથળીઓ પર નાચી નાચીને એણે આખી દુકાન રંગી નાખી. કોણ જાણે કેમ આ બધું જોઈને ઘેલાભાઈને ગુસ્સો ન આવ્યો. એમને જોયું કે મારો દીકરો કેટલો ખુશખુશાલ છે, મારા નોકરો પણ રાજી થઈને રંગોથી રમી રહ્યા છે. આ ખુશાલી સામે પૈસાની શી વિસાત? પૈસા તો કમાઈ લેવાશે, પણ આનંદની આ પળો ક્યાંથી પાછી આવશે? 

ઘેેલાભાઈ આ વખતે જરાય ગુસ્સે ન થયા. દુકાનમાં કેટલાક ગ્રાહકો આવ્યા તો તેઓ પણ ભરઉનાળે ચાલતી ધુળેટીમાં રમવા જોડાઈ ગયા. 

છછુંદર ઘેલાભાઈના ખભે જઈ રંગો ઉડાડતા ગાવા લાગ્યો-

'ઘેલાભાઈ તો ડાહ્યા,

રંગોમાં એ નાહ્યા...' 

ઘેલાભાઈએ છછુંદરને હાથમાં લીધો. એના પર હળવેથી આંગળીઓ ફેરવીને એને વહાલ કર્યું. કંજૂસ ઘેલાભાઈ હવે બદલાઈ ગયા હતા, અને રંગીન થઈ ગયા હતા!