Get The App

મોબાઈલની લત છૂટી .

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
મોબાઈલની લત છૂટી                              . 1 - image

-  ડો. પ્રજ્ઞા કેયૂર પુરોહિત

- વિવેક શાળાએથી આવ્યો. રોજ એ ઘર આવીને તરત પંખો ચાલુ કરે અને મોબાઈલ ચાર્જમાં લગાવે, પણ આજે પંખો ચાલ્યો જ નહીં. મોબાઈલ પણ 'લો બેટરી' કહીને બંધ થઈ ગયો!

રામનગર ગામમાં આઠ વર્ષનો હોશિયાર છોકરો. વિવેક એનું નામ. વિવેક ખૂબ હસમુખો અને મિત્રો સાથે રમતો-કૂદતો રહેતો. એક દિવસ ગલીમાં ક્રિકેટ રમતા- રમતા તે પડી ગયો અને તેના પગમાં ફ્રેક્ચર આવ્યું. એના પપ્પાએ તેને તરત જ ડાક્ટર પાસે લઈને ગયા. એના પગમાં પ્લાસ્ટર બાંધી દેવામાં આવ્યું.

હવે વિવેક રમવા તો જઈ શકતો નહોતો, તેથી આખો દિવસ ઘરમાં બેસીને મોબાઈલ અને ટીવી જોતો રહેતો. મમ્મી-પપ્પા પણ તેને કંઈ કહી શકતા નહોતા, કારણ કે તેમને લાગતું કે તેનો પગ એટલો દુખે છે, કેમ બોલવું? 

દિવસો વીતતા ગયા. આખરે  એક મહિના પછી વિવેકનો પાટો ખુલી ગયો અને તે ફરી ચાલવા લાગ્યો, પણ... મોબાઈલ અને ટીવીની આદત તો છૂટતી જ ન હતી!

શાળા જઈને આવતાં જ તે સીધો મોબાઈલ હાથમાં લઈ લેતો. મમ્મી ગુસ્સે થતાં તો થોડી વાર હોમવર્ક કરી લે, પણ પછી ફરી ટીવી અથવા મોબાઈલ.

મિત્રો બોલાવવા આવે, 'વિવેક ચાલ રમવા જઈએ!'

પણ વિવેક હંમેશા એક જ ગીત ગાય-

'મોબાઈલ મારો પાકો મિત્ર,

બતાવે સુંદર મજાનુ ચિત્ર,

મનોરંજન હું માણું,

બીજું કંઈ ના જાણું.'

મમ્મી-પપ્પા ખૂબ ચિંતિત થવા લાગ્યાં. તેમણે વિચાર્યું - આ લત તો જોખમકારક છે... કંઈક કરવું જ પડશે.  

એક દિવસ તેમણે નક્કી કર્યું કે ઘરની લાઇટનું ફ્યુઝ જ કાઢી નાખવો. જ્યાં સુધી વિવેકને સમજ ન પડે ને એ સુધરે નહીં, ત્યાં સુધી ઘરમાં લાઇટ નહીં!

        વિવેક શાળાએથી આવ્યો. રોજ એ ઘર આવીને તરત પંખો ચાલુ કરે અને મોબાઈલ ચાર્જમાં લગાવે, પણ આજે પંખો ચાલ્યો જ નહીં. મોબાઈલ પણ 'લો બેટરી' કહીને બંધ થઈ ગયો!

વિવેક અકળાઈ ગયો.

'મમ્મી, લાઇટ કેમ નથી આવતી? એના વગર મોબાઈલ તો ચાર્જ જ નહિ,  ટીવી પણ નહીં ચાલે!'

મમ્મી શાંતિથી બોલ્યાં, 'બેટા, થોડીવારમાં લાઇટવાળો આવશે. તું ત્યા સુધી કંઈ બીજું કામ કર.'

અકળાયેલા વિવેકે ધમપછાડા કર્યા, પણ લાઇટ તો ન જ આવી.  થોડા સમય પછી તે મિત્રો પાસે ગયો. બધા સાથે દોડયો, રમ્યો, હસ્યો. એને એકદમ મજા આવવા લાગી.

બે દિવસ વિવેકે મોબાઈલ-ટીવી વગર જ વિતાવ્યા. પહેલાં તેને બહુ મુશ્કેલી થઈ,પણ ધીમે ધીમે મિત્રો સાથે રમવાની મજા ફરી મળવા લાગી. મમ્મી-પપ્પા સાથે વાતો કરવી ગમવા લાગી.

તે હવે સમજવા માંડયો કે મોબાઈલ કરતાં વધારે મજા બહાર વધારે આવે.

મમ્મી બોલ્યાં, 'જોયું ને વિવેક, લાઇટ વગર પણ તું રહી શક્યો. મોબાઈલ-ટીવી વગર પણ કેટલું સારું રમ્યો, હસ્યો, મજા કરી.'

વિવેક ખુશખુશાલ થઈ બોલ્યો, 'હા મમ્મી! મોબાઈલ કરતા મિત્રો સાથે રમવાની વધુ મજા આવે. હવે હું ટીવી અને મોબાઈલમાં સમય નહીં બગાડું...'

તે ખુશ થઈ ગાવા લાગ્યો.... 

'મોબાઈલથી તો દૂર રહેવું,

શેરી મિત્રો સાથે રમવા જવું,

રમતાં- રમતાં ગીતો ગાવા,

મીઠાં મીઠાં  સપનાં જોવા...'

બસ, તે પછી વિવેક જરૂર પૂરતો જ મોબાઈલ વાપરવાનું શીખી ગયો... અને ફરીથી એ પહેલાં જેવો મસ્ત, રમૂજી અને હસમુખો છોકરો બની ગયો!