Get The App

મીનુ માછલી .

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
મીનુ માછલી                                          . 1 - image

- ભલી માછલીએ કહ્યું, 'તું ગભરાતી નહીં. હું જરૂર કોઈ ઉપાય વિચારું છું અને તને તારી મમ્મી પાસે પહોંચાડું છું.  મને થોડોક સમય આપ.'મીનુ ત્યાં રહેવા તો લાગી, પણ રોજ પૂછયા કરતી, 'આન્ટી, તમને કોઈ ઉપાય સૂઝયો?'

- કાલિંદી પરીખ

દ રિયામાં તો અનેક માછલીઓ હોય. કોઈ મોટી હોય, કોઈ નાની હોય. ડોલ્ફિન, શાર્ક અને વ્હેલ માછલીઓ બહુ મોટી હોય છે. બધી માછલીઓ દરિયામાં તરતી હોય, ઉછળકૂદ કરતી હોય. દરિયામાં જ જીવવાનું અને દરિયામાં જ મરવાનું. દરિયો જ એમનું જીવન. દરિયા બહારની દુનિયા તો તેમણે જોઈ જ ન હોય.

...પણ આ બધી માછલીઓમાં એક મીનુ નામની માછલી હતી. તે બહુ તોફાની હતી. દરિયાના પાણીમાં આખો દિવસ મોજ-મસ્તી કર્યા કરતી. તેની બહેનપણીઓ ઈલુ, શીલુ, જીલુ વગેરે સાથે પણ તે રમતી. તેમની સાથે કોણ જાણે શુંયે વાતો કર્યા  કરતી. 

જોકે  હમણાંથી તે વાતો ઓછી કરતી હતી. ઊંચે આકાશમાં જોયા કરતી.

તેની મમ્મીએ પૂછયું, 'મીનુ, તું આકાશમાં ઊંચે શું જોયા કરે છે?'

'મમ્મી, હું બલૂન જોયા કરું છું.'

'હા, એ બલૂનમાં તો માણસો બેઠા હોય, તેઓ એમાં બેસીના આકાશમાં ઉપર-ઉપર જતા છે.'

'મારે પણ એ બલૂનમાં બેસી ઉપર-ઉપર જવું છે.'

'ના, મીનુ આપણાથી એમાં ન બેસાય.'

'ના, મારે તો બલૂનમાં બેસવું છે. ઊંચે આકાશમાં ઊડવું છે.'

મીનુ માછલી તો હઠે ભરાણી. ન પોપકોર્ન ખાય, ન શીંગ-ચણા ખાય. તેણે તો ભૂખ હડતાળ શરૂ કરી. આથી તેની મમ્મી ચિંતામાં

પડી ગઈ.  હવે શું કરવું?

પણ મીનુને તો રસ્તો જડી ગયો. તે દરિયાના કિનારે આવી. તેણે ત્યાં ફુગ્ગાવાળાને બોલાવ્યો.

તેણે ફુગ્ગાવાળાને દરિયાનાં ગીતો સંભળાવ્યાં અને તેના બદલામાં તેની પાસેથી એક મોટો ફુગ્ગો માંગી લીધો.

મીનુએ ફુગ્ગાની દોરીને  પોતાની ચૂઈ દ્વારા પકડી લીધો. તે ઊડવા લાગી. શરૂઆતમાં તો તેને બીક લાગી પણ પછી તો તેને મજા પડવા લાગી. આકાશમાં વાદળો દોડાદોડી કરતાં હતાં. પછી તો તે વાદળાંની ઉપર ઉડવા લાગી. તે ઘડીક તેની નીચેથી પસાર થતાં વાદળોને જોતી, તો ઘડીક દરિયાને જોતી, વળી ઉપર જોતી. આમ, ક્યાંય સુધી તે ફુગ્ગા વડે આકાશમાં ઊડતી રહી.

પણ પછી ફુગ્ગાની હવા ઓછી થવા લાગી. મીનુનું સંતુલન જળવાયું નહીં. તે આમતેમ હવામાં ફંગોળાવા લાગી.  છેવટે ફુગ્ગામાંથી બધી જ હવા બહાર નીકળી જતાં તે આકાશમાંથી ગોથાં ખાતી ખાતી નીચે પડી. તેના સાગ્યે તે ભલે દૂર પણ દરિયામાં જ પડી એટલે બચી ગઈ.

આ દરિયાના પાણીમાં કેટલાંય માછલી-માછલાંઓ રહેતાં હતાં, પણ અહીં કોઈ ઈલુ, શીલુ , જીલુ નહોતું. તેનાં મમ્મી-પપ્પા પણ

નહોતાં. મીનુ તો ખૂબ જ ગભરાઈ ગઈ. આવડો મોટો દરિયો, જાત-જાતનાં દરિયાઈ જીવો પણ પોતાનું કોઈ નહીં. કોઈ તેને ઓળખતુંય નહોતું. તે રડવા લાગી. ક્યાંય સુધી આમ રડયા જ કર્યું. એટલામાં એક દયાળુ માછલી તેની પાસે આવી. તેને પૂછયું, 'તું કેમ રડે છે, બેટા? આજ પહેલાં તો તને અહીં ક્યારેય જોઈ નથી.'

મીનુએ કહ્યું, 'હું અહીંથી બહુ દૂર રહુ છું.'

'તો પછી તું કેમ કરતાં અહીં આવી ગઈ?'

મીનુએ તેને ફુગ્ગાવાળી વાત કરી. તેની વાત સાંભળી પહેલાં તો તે દયાળુ માછલી હસી પડી. પછી તેને કહ્યું, 'તું ગભરાતી નહીં. હું જરૂર કોઈ ઉપાય વિચારું છું અને તને તારી મમ્મી પાસે પહોંચાડું છું.  મને થોડોક સમય આપ.'

મીનુ ત્યાં રહેવા તો લાગી, પણ રોજ પૂછયા કરતી, 'આન્ટી, તમને કોઈ ઉપાય સૂઝયો?'

આ બાજુ મીનુનાં મમ્મી અને પપ્પા તેની ચિંતા કરતાં હતાં. તેઓ બીજી માછલીઓ અને દરિયાઈ જીવોને પૂછયાં કરતાં હતાં. તેની બહેનપણીઓએ પણ શોધખોળ ચાલુ કરી દીધી હતી.

એક દિવસ, બે દિવસ, અઠવાડિયું એમ કરતાં એક મહિનો થઈ ગયો, પણ હજુ સુધી મીનુના કોઈ સમાચાર મળ્યા નહોતા.

આ બાજુ દયાળુ માછલીને પણ કોઈ ઉપાય સૂઝતો નહોતો. તેવામાં એક દિવસ એણે આકાશમાં એક ગીધને ઊડતું જોયું. તેને રસ્તો જડી ગયો. એણે ગીઘને સાદ દીધો.

ગીધ તો જોકે આકાશમાં ઘણે ઊંચે ઊડતું હતું. તે મીનુનો અવાજ ક્યાંથી સાંભળે? હવે પાછી મુશ્કેલી ઊભી થઈ.

તેણે દરિયાકિનારે ઊભેલા વૃક્ષ પર પંખીઓને બેઠેલાં જોયાં. તેણે પંખીને વાત કરી. એ પંખીએ બીજા પંખીને વાત કરી. બીજા પંખીએ ત્રીજા પંખીને વાત કરી. એમ કરતાં કરતાં ગીધ સુધી મીનુની વાત પહોંચી ગઈ. પહેલાં તો ગીધે ના પાડી. કહે, 'એના કર્યા એ ભોગવે. હું તેને નહીં લઈ જાઉં.'

પણ બધાં પંખીઓએ ભેગાં મળી ગીધને સમજાવ્યું એટલે તે માની ગયું.

મીનુએ બધાં પંખીઓનો આભાર માન્યો. તેણે દયાળુ માછલીનો પણ પોતાને આટલા દિવસ દરિયામાં સાચવી અને રહેવા દીધી તે બદલ આભાર માન્યો. પછી સહુની વિદાય લઈને તે ગીધની મોટી પાંખ પર બેસી ગઈ. આ વખતે તેને આકાશમાં ઊડવાની મજા આવી નહીં. તે તો ક્યારે પોતાનો દરિયો આવે તેની રાહ જોતી હતી. અંતે તેનો દરિયો આવી જતાં ગીધે ચકરાવો લઈ, તેને દરિયાના પાણીમાં ફંગોળી.

ઈલુ, શીલુ, જીલુ બધી માછલીઓ તેમની વહાલી બહેનપણી મીનુને જોઈને રાજી થઈ ગઈ. મીનુનાં મમ્મી-પપ્પાએ પણ તેને વહાલથી ઊંચકી લીધી.

પહેલાં તો તેને ખૂબ પોપકોર્ન ખવડાવ્યાં. પછી નિરાંતે તેના પપ્પાએ તેને સમજાવી, 'મીનુ, આપણે માછલીની જાત કહેવાઈએ. આપણે દરિયાના પાણીમાં તરવાનું હોય, એ જ આપણું જીવન છે. ઊડવાનું તો પંખીઓને હોય.'

'તું જ કહે, કોઈ પંખી દરિયાના પાણીમાં તરવા આવે છે?' તેની મમ્મીએ પૂછયું મીનુએ જવાબમાં તેનું મોં આમતેમ ઘુમાવી 'ના' પાડી અને તે ઈલુ, શીલુ અને જીલુની સાથે દરિયામાં ઉછળકૂદ કરવા લાગી.