Get The App

દે... પાણીમાં દૂધ ! .

Updated: Oct 10th, 2025

GS TEAM

Google News
Google News
દે... પાણીમાં દૂધ !                                         . 1 - image

- ખુદ રાજા લાંચ લે પછી દરબારીઓ કંઈ છોડે?

- વહેમનું ઓસડ થોડું જ શોધાયું છે?

- નવાબે ગર્જના કરીને કહ્યું - 'તો શું ભેળસેળ ભેંસો કરે છે?' 'જી ના હજૂર.' બધા બોલી ઊઠયા - 'ભેંસોની તબિયત ઠીક નહોતી રહેતી હોય એટલે એ દૂધ જ એવું આપતી હતી!'

આજે તો હવે રાજાઓ રહ્યા નથી, પણ એક જમાનામાં ચારસો-પાંચસો નાના મોટા રાજાઓ હતા. એ રાજાઓનાં રાજ કેવી રીતે ચાલતાં તેની આ એક કથા છે.

ભારતમાં જે સેંકડો રાજાઓ હતા તેમાં એક રાજ્ય અલીપુરનું પણ હતું. રાજ્ય નાનું સરખું પણ ભપકો ભારે. રાજાને પ્રજા સાથે કંઈ લાગેવળગે નહિ. એ તો બસ પૈસા ઉઠાવે જ રાખે. તિજોરીમાં પૈસા ખૂટે એટલે નાખે નવા નવા કરવેરા પ્રજા ઉપર. દરેક રાજા એ પ્રમાણે નવા કરવેરા નાખતો જ જાય. બિચારી પ્રજાનું શું થાય છે એ જોવાની તો કોઈને પડી પણ નહિ હોય!

અલીપુરના રાજા તરીકે નવાબ સાજનખાં હતા. તેમનું અવસાન થતાં તેમનો પુત્ર દાનીશખાં ગાદીએ બેઠો.

દાનીશખાં એક તો નાનો. ઉપરથી ભારે ઉડાઉ. તેણે તો લોકોને ઈનામો અને ખિતાબો આપીને પૈસા ભેગા કરવા માંડયા. રીતસર માન-મરતબો વેચવામાં આવતાં. દરબારી થવું હોય તો હજાર રૂપિયા, વજીર થવું હોય તો પાંચ હજાર, દાનવીરનું બિરુદ મેળવવું હોય તો દશ હજાર... તમે રાજાનું તરભાણું ભરીને જે ધારો તે ખિતાબ મેળવી શકો.

દાનીશખાંએ લાંચ લેવાની બીજા કોઈને તક જ ન આપી. તે જાતે જ એ કામ કરવા લાગ્યો. પણ ખુદ રાજા લાંચ લે પછી દરબારીઓ કંઈ છોડે મતેની આજુબાજુના હજૂરિયાઓ પણ ભારે લાંચિયા અને લોભિયા થઈ ગયા.

નવાબ દાનીશખાંએ પોતાના રાજમહેલમાં જથ્થાબંધ કુટુંબીજનોને ભેગા કર્યા હતા. કિલ્લામાં ઠેરઠેર નવાબના સગાઓ જ અથડાયા કરે. એ બધાંને દૂર પૂરું પાડવાનો નવાબે કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

એ કોન્ટ્રાક્ટ હતો આશારામ દૂધવાળા પાસે. વર્ષોથી આશારામ મહેલમાં દૂધ પહોંચાડતો હતો. આશારામ પાસે સો જેટલી ભેંસો હતી અને એ બધી ભેંસોનું દૂધ રાજમહેલમાં પહોંચી જતું.

આશારામે ધીરે ધીરે હવે નવા તરીકાઓ પણ અજમાવવા શરૂ કર્યા હતા. તેણે ડેરી શરૂ કરી હતી. રાજમહેલમાં દૂધ પહોંચાડવા એક ખટારો પણ  મેળવ્યો હતો.

આશારામનું દૂધ પહોંચાડવાનું કામ સૂરજ ઊગે તે પહેલાં જ પતી જતું. જ્યારે રાજમહેલના રસોઈયા તથા બબરચીઓ જાગતા ત્યારે આશારામના માણસો દૂધ પહોંચાડી ઊંઘી પણ ગયા હોય!

એક દિવસ નવાબને દૂધ જરાક ફિક્કું લાગ્યું. પાતળું પણ લાગ્યું. તેણે જાતે દૂધને ચકાસ્યું તપાસ્યું, પણ તેને કોઈ દોષ જણાયો નહિ.

છતાં વહેમનું ઓસડ થોડું જ શોધાયું છે? તેમાંય આ તો પાછા રાજા.

દાનીશખાંએ તરત જ એક માણસને રાખી લીધો. તેને નોકરીમાં રાખવાના સારા એવા પૈસા લીધા. પછી કહ્યું - 'જરા દૂધનો ખ્યાલ કરજે. આશારામ દૂધ દોહતો હોય ત્યારે જ રૂબરૂ પહોંચી જજે. આશારામ સહેજ પણ ચાલાકી કરતો હોય તો પકડીને અહીં હાજર કરજે.'

જે માણસને આ કામ સોંપાયું એ શ્રીમાનનું નામ હતું શરીફભાઈ. શરીફનો અર્થ થાય છે ખાનદાન માનવી, સાચો માનવી.

પણ આ શરીફભાઈને જેવી નોકરી મળી કે તરત જ તેણે પોતાની પત્નીને કહ્યું - 'જો આજથી આપણે ત્યાં ચોખ્ખા દૂધની ચા બનવી જોઈએ. એકલા દૂધની. ચાની મજા મલાઈદાર દૂધમાં છે, સમજી?'

બીબી કહે - 'પણ એવું ચોખ્ખું દૂધ આવશે ક્યાંથી?'

શરીફભાઈ વહેલી સવારે નોકરી પતાવીને આવ્યા ત્યારે તેમના હાથમાં ચોખ્ખા દૂધની તાંબડી હતી. તે કહે - 'લે આ દૂધ. અને કહે કે એ ચોખ્ખું છે કે નહિ?'

રોજ નોકરી પર જતી વખતે એ શરીફ માનવી તાંબડી લઈને જ જતો અને નોકરી પૂરી થતી ત્યારે તાંબડી ભરીને લઈ આવતો ચોખ્ખું દૂધ.

ચોખ્ખા દૂધ માટેની તેના પૂરતી કોઈ ફરિયાદ રહી નહિ.

પણ નવાબની ફરિયાદ તો હજી ઊભી જ હતી. તેણે શરીફભાઈને ધમકાવતાં કહ્યું - 'દૂધ હજી ચોખ્ખું આવતું નથી.'

'ચોખ્ખું જ આવે છે હજૂર!' શરીફભાઈએ કહ્યું.

'નહિ', નવાબે કહ્યું - 'તમે બરાબર ધ્યાન રાખતા નથી.'

શરીફ કહે - 'હજૂર! આટલું બધું દૂધ. સેંકડો ભેંસ એક સાથે દોહવાતી હોય ત્યાં હું એકલો કેવી રીતે ધ્યાન આપું? એવું પણ બન્યું હોય કે જે વાસણમાં આશારામે ઘાલમેલ કરી હોય એ જ દૂધ આપને ત્યાં....'

'ઠીક છે.' નવાબે કહ્યું - 'કાલથી તમારી સાથે બીજા માણસને લઈ જજો.'

શરીફભાઈ સાથે હવે નેકૂભાઈ સામેલ થયા.

નેકૂભાઈને જે દિવસે આ નોકરી મળી ત્યારે તેણે ઘેર જઈને બીબીને કહ્યું - 'આખો વખત દૂધ દૂધ કરતી હતી. હવે તને દૂધે નવડાવું નહિ તો મારું નામ નેકૂ નહિ. ડેરીવાળાએ જરા પણ ચાલાકી કરી છે તો દંડ નહિ કરાવું તો મને કહેજે. જરા તાંબડી લાવ. અરે મોટી...મોટી...'

દૂધ પર દેખરેખ રાખનાર પહેલાં એક જ માણસ હતો. હવે બે થયાં. બંને વચ્ચે પછી તાંબડી સ્પર્ધા ચાલી. શરીફને એમ કે હું નેકૂથી મોટી તાંબડી રાખું અને નેકૂને એમ કે મારી તાંબડી શરીફથી મોટી જ હોવી જોઈએ.

અશારામ પહેલાં માફકસર પાણી પધરાવતો હતો પણ હવે તો બંને ઈન્સ્પેક્ટર હોડમાં આવ્યા હતા. પાછું એ બંનેને તો ચોખ્ખું જ દૂધ આપવું પડે. એટલે આશારામે દૂધમાં પાણીનો ક્વોટા વધારી દીધો. 

બીજી બાજુ નવાબની ફરીયાદ તો ઊભી જ હતી. તેણે શરીફભાઈ તથા નેકૂભાઈને બોલાવીને ધમધમાવ્યા.

બંને કહે - 'હજૂર! દૂધ તો ચોખ્ખું જ આવે છે!'

હજૂરે દૂધ બતાવીને કહ્યું - 'આ દૂધ જુઓ.

 ચોખ્ખું છે?'

બંને સાચા બોલાને શરીફ ભાઈઓ કહે,'હજૂર! અમે રહ્યા બે અને ભેંસો સો. કઈ ભેંસના દૂધમાં ક્યારે ગોટાળો થયો હોય એ કેમ કહી શકાય?'

થયું. ત્રીજો ઈન્સ્પેક્ટર વધી ગયો. ચોથો પણ વધ્યો. અરે પાંચ માની નિમણૂક પણ થઈ ગઈ. એ પાંચ ઈન્સ્પેક્ટર ઉપર એક ચીફ ઈન્સ્પેક્ટર નિમાયો. એ બધાંમાંથી કોઈને ચોખ્ખા દૂધની ફરિયાદ ન હતી. અરે તેમની તથા તેમના કુટુંબીજનોની તબિયત તો દિનપ્રતિદિન સુધરવા જ લાગી.

હા, નવાબ દાનીશખાંની ફરિયાદ વધતી ગઈ.

તેણે જ્યારે બધાંની ઝડતી લીધી ત્યારે એક સાથે બધા બોલી ઊઠયા - 'હજૂર! બિચારો આશારામ તો ભલો અને ભોળો માનવી છે. ભેળસેળમાં એ કંઈ સમજતો નથી. હા, ભેંસોનો કોઈ વાંક હોય તો નવાઈ નહિ.'

નવાબે ગર્જના કરીને કહ્યું - 'તો શું ભેળસેળ ભેંસો કરે છે?'

'જી ના હજૂર.' બધા બોલી ઊઠયા - 'ભેંસોની તબિયત ઠીક નહોતી રહેતી હોય એટલે એ દૂધ જ એવું આપતી હતી!'

'ડાક્ટર લુકમાનને હાજર કરો.' નવાબે હુકમ કર્યો.

ડાક્ટર લુકમાન નવા જમાનાના શાહી ડાક્ટર હતા. તેઓ તો હાથમાં દવાની પેટી લઈને દોડી આવ્યા. આવતાંની સાથે નવાબની નાડી તપાસવા લાગ્યા.

નવાબ કહે - 'મને નહિ, ભેંસોને તપાસો.'

ડાક્ટર લુકમાન કહે - 'હજૂર! આપ આ શું કહો છો?હું રહ્યો શાહી ડાક્ટર, માણસોનો ઉપચાર કરું, અરે માણસોંમાય ઉમદા એવા શાહી માણસોનો ઉપાય કરું. મારાથી કંઈ ભેંસોને તપાસાય?'

પછી ધીરે રહીને ઉમેર્યું - 'હા, ભેંસોને તપાસવાનું ખાસ એલાઉન્સ મળે તો માણસોની સાથોસાથ ભેંસોય...'

'મળશે.'

'બસ ત્યારે તો....'લુકમાને કહ્યું -'મારે મન શાહી માણસ અને શાહી ભેંસ બંને સરખાં.'

'પણ જુઓ... નવાબે કરડાકીથી કહ્યું -'દૂધ ચોખ્ખું આવવું જોઈએ.'

'તે તો ચોખ્ખું જ આવવું જોઈએ ને!' ડાક્ટર લુકમાને કહ્યું. દૂધ દોહવાના સમયે એક તાંબડી તથા દૂધ માપવાનું મિટર લઈ તે તો આશારામ પાસે ગયા.

તે કહે -'આશારામ, હું માત્ર ભેંસોનો જ નહિ આ દૂધનો પણ ડાક્ટર છું. આ મશીન જોયું કે? જરા સરખી ભેળસેળ કરી છે તો તારો કોન્ટ્રાક્ટ જ કેન્સલ લઈ જશે હા. નવાબસાહેબે મને સ્પેશ્યલ પાવર આપ્યા છે, સમજ્યો?'

આશારામે ડાક્ટરની તાંબડીમાં દૂધ દોહીને આપતા કહ્યું -'મૂકો તમારું મિટર. એક સહેજ પણ કસર હોય તો ગરદન મારજો, બસ!'

ડાક્ટરે દૂધની ચકાસણી કરી. દૂધ ચોખ્ખું હતું. હા, એ તાંબડી પછી ડાક્ટરને ત્યાં જ પહોંચી ગઈ. જતાં જતાં ડાક્ટર કહે -'દૂધ તો કેટલું ચોખ્ખું છે. આ માળા નવાબને કંઈ ખબર જ પડતી નથી!'

ધીરે ધીરે બિચારા આશારામની દશા તો એવી થઈ ગઈ કે તેનું પ્રમાણ પચાસ ટકા સુધી પહોંચી ગયું.

આગળ જતાં તો તેને દૂધમાં પાણી નહિ, પણ પાણીમાં જ દૂધ ભેળવવું પડયું.

તે હવે એટલો તો નઠોર બની ગયો હતો કે તાંબડીવાળાઓની પરવા કર્યા વગર તે પોતાના રબારીઓને ઉદ્દેશીને બોલી ઊઠતો, 'દે પાણીમાં દૂધ.'

અને ત્યારે નવાબની દશા તો બસ જોવા જેવી હતી. તેનું તો દૂધ પરથી મન જ ઊઠી જવા લાગ્યું. જ્યારે ડોક્ટર લુકમાન તેની સામે તપાસતા ત્યારે દૂધ ચોખ્ખું જ સાબિત થતું. મિટર કોઈ ભેળસેળ જાહેર કરતું નહિ.

નવાબે ધીરે ધીરે દૂધ છોડવા માંડયું. તેમની તબિયત પર અસર થવા લાગી. નવાબની તબિયત બગડતાં વાંક રસોઈયાનો નીકળ્યો. તેને કહેવામાં આવ્યું -'તું સારી રસોઈ જ કરતો નથી. તારી રસોઈમાં પણ ભેળસેળ લાગે છે. જરૂર તું કોઈ ઘાલમેલ કરતો હોવો જોઈએ.'

રસોઈયો બધી વાત જાણતો હતો. તે નવાબસાહેબને એકલો મળ્યો. તે કહે - હજૂર! નાહક રસોડામાં ઈન્સ્પેક્ટરોનો કાફલો વધારી દેશો નહિ. જો એમ થશે તો સારાં ઘી-તેલ ઈન્સ્પેક્ટરોને ફાળે જશે અને આપને વનસ્પતિ તથા ડોળિયું ખાવાનો વારો આવશે. મારી વિનંતી માનો નામદાર! દૂધ વગર તાકાત આવવાની નથી. દૂધ તમારી પાસે જેમણે છોડાવ્યું છે, તમે હવે તમને જ છોડી દો.

નવાબે પૂછયું -'એટલે?'

બબરચી ઘરડો હતો. તે કહે -'જે દવાથી બીમારી દૂર ન થાય, એ દવા બંધ કરવી જ સારી. ભલે એ દવા અમૃત હોય! આપના આ ઈન્સ્પેક્ટરો અને ડોક્ટરો દૂધની ભેળસેળ અટકાવી શક્યા નથી પછી શા માટે એ બધાને નિભાવ્યા કરો છો.'

નવાબ બોલી ઊઠયા -'અરે, તેં તો બુદ્ધિની વાત કહી, આઝમ.'

બીજે દિવસે જ દૂધતપાસણીનો કાફલો દૂર થઈ ગયો. આશારામ બોલી ઊઠયો- 'આજસુધી પાણીના પૈસા લેતો હતો, પણ હવે તો દૂધ વેચવું જ પડશે.'

અલબત્ત, તેણે થોડી ભેળસેળ તો ચાલુ જ રાખી. પણ એ ભેળસેળ અગાઉ કરતાં ઓછી હતી. એ દૂધ મળતાં જ નવાબ રાજી થઈ ગયા. બોલી ઊઠયા -'આઝમ! હવે દૂધ કંઈક સારું આવવા લાગ્યું છે, નહિ?'

આઝમ કહે -'જી હા હજૂર. પહેલાં આવતું હતું તેવું.'

પહેલાં ઈન્સ્પેક્ટરોની તબિયત સુધરતી હતી. હવે રાજાની તબિયત સુધરવા લાગી. આ વાત છે જૂના રજવાડાના જમાનાની. પણ આજેય ક્યાંક આવી ઘટના જોવા મળે છે તો લોકો કટાક્ષમાં બોલી ઊઠે છે -'આશારામ... દે પાણીમાં દૂધ.'