- હવે મને થોડું સમજાય છે કે જો એક પતંગ ચડાવવા માટે આટલી બધી વસ્તુઓ વ્યવસ્થિત હોવી જોઈએ, તો બીજાં બધાં કામમાં પણ કેટલી બધી વસ્તુઓ વ્યવસ્થિત હોય તે જરૂરી બને! હવે મને સમજાય છે કે મમ્મી રસોડામાં બધી જ વસ્તુઓ વ્યવસ્થિત કેમ રાખે છે.
- હેમંત વાળા
હ વે તો ઉત્તરાયણ છે. પતંગ ચઢાવવાની મજા આવશે. સાચું કહું તો મને પતંગ ચઢાવતાં જ આવડે છે, બીજાનો પતંગ કાપતાં નથી આવડતું. હું પતંગ ચઢાવું અને કોઈ કાપી નાખે. મને એમાં વાંધો નથી, લોકોને કાપવામાં મજા આવતી હોય એટલે એમ કરે.
પતંગ ચઢાવતી વખતે હું એટલું સમજ્યો કે પતંગ બરાબર હોવો જોઈએ, તે ફાટેલો હોય તો ન ચાલે. તેરી કિન્યા બરાબર બાંધેલી હોવી જોઈએ, નહીંતર પતંગ તમારા નિયંત્રણમાં ન રહે. દોરી પણ વ્યવસ્થિત હોવી જોઈએ, તેમાં ક્યાંય દાંતી પણ ન હોવી જોઈએ, નહિતર તે ત્યાંથી તૂટી જાય. ફીરકીમાં ગુંચ ન હોવી જોઈએ, જો હોય તો પતંગ ચડાવતી વખતે દોરી વ્યવસ્થિત નીકળે નહીં અને તકલીફ થાય. પવન બરાબર હોવો જોઈએ. આંગળીમાં કાપા ન પડે તે માટે પટ્ટી બાંધેલી હોવી જોઈએ. જ્યાં પતંગ ચઢાવતાં હોઈએ ત્યાં ધાબા પર દોરીનાં ગૂંચળાં ન પડેલાં હોય તો સારું. વળી, ક્યારેક પતંગ થોડો ફાટી જાય તો તેને સાંધવા માટે ગુંદર પટ્ટી પણ તૈયાર જોઈએ. હવે મને થોડું સમજાય છે કે જો એક પતંગ ચડાવવા માટે આટલી બધી વસ્તુઓ વ્યવસ્થિત હોવી જોઈએ, તો બીજાં બધાં કામમાં પણ કેટલી બધી વસ્તુઓ વ્યવસ્થિત હોય તે જરૂરી બને! હવે મને સમજાય છે કે મમ્મી રસોડામાં બધી જ વસ્તુઓ વ્યવસ્થિત કેમ રાખે છે. હવે મને સમજાય છે કે ગૃહકાર્ય અર્થાત્ હોમવર્ક કરી લીધાં પછી બધી વસ્તુ પાછી વ્યવસ્થિત મુકવાનો આગ્રહ મમ્મી કેમ રાખે છે. હવે મને સમજાય છે કે જ્યારે માંદગીમાં હું ડોક્ટરને ત્યાં જઉ છું ત્યાં બધી વસ્તુઓ તેનાં સ્થાને જ કેમ મૂકી હોય છે અને તે બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે કામ કરતી કેમ હોય છે.
હું એ સમજ્યો કે જો બધી જ વસ્તુ વ્યવસ્થિત રાખવામાં આવે તો કામ કરવામાં સરળતા રહે, કામ ઝડપથી થઈ શકે, કામ વધુ સારું થઈ શકે અને કામ કરવામાં મજા પણ આવે. મિત્રો, તમે આ પ્રમાણેનો પ્રયત્ન કરી જોજો. હું પણ કરીશ. ઉત્તરાયણના દિવસે મને આ જે ધ્યાનમાં આવ્યું તે હું કાયમ યાદ રાખીશ.
સાથે સાથે, થોડાંક પ્રશ્નો પણ છે. ઉત્તરાયણ તારીખ મુજબ કેમ આવે છે, તિથિ પ્રમાણે કેમ નથી આવતો? લોકો કહે છે કે તે દિવસથી પવનની દિશા બદલાય. મારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. એમ પણ કહેવાય છે કે તે દિવસથી સૂર્યનું સ્થાન બદલાય. મારે એ પણ ધ્યાનથી જોવું પડશે. તમે પણ જોજો. તમારા જે પ્રશ્ન હોય તે તમારા વડીલોને પૂછી જોજો. મારાં નાની મામાના ઘરે બહારગામ ગયા છે, તે આવે એટલી વાત. મારી પાસે પ્રશ્નોની આખી યાદી છે. નાની આવશે એટલે તરત જ પૂછી લઈશ. તમે પણ તમારા પ્રશ્નોના જવાબ માટે પ્રયત્ન કરજો. કરશોને?


