- 'જુઓ, મારી પડોશમાં એક ભાઈ રહે છે એનું નામ છે રવિ. રવિ એટલે સૂર્ય થાયને? એના બાપુજીનું નામ સુધાકર. સુધાકરનો અર્થ થાય ચંદ્ર. પછી હું મંગળદાસ, બાજુમાં આ બુધેશ.'
- 'વાહ! આ તો કેવું મજાનું! આપણે સૌ વાદળદાદા એટલે કે નીરદદાદા પાસે વાર્તા સાંભળવા જઈશું. ને આપણી માતૃભાષા ગુજરાતી પણ કેવી મજાની છે!'
- દુર્ગેશ ઓઝા
બે મિત્રો હતા. એકનું નામ મંગળદાસ ને બીજાનું બુધેશ. મંગળદાસને લોકો લાડમાં મંગો કહેતા ને બુધેશને બુધો. બેય નિશાળે ગયા. ગુરુજી મિલનભાઈએ પૂછયું, 'બોલો જોઉં, અઠવાડિયામાં વાર કેટલા?'
વર્ગમાં બધાં વિદ્યાર્થાઓએ આંગળી ઊંચી કરી. ગુરુજીએ મુક્તિને જવાબ આપવા કહ્યું. એ બોલી, 'ગુરુજી, વાર સાત છે - રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર ને શનિ. આના ઉપર તો એક સરસ મજાનું ગીત છે, એમાં સાતેય વારનાં નામ આવી જાય છે. હું એ ગીત ગાઉં એમાં મજા આવે છે ને એટલે મને સાતેય વાર ટેસથી યાદ પણ રહી ગયા. આ તો કેવી મજાની વાત!'
'શાબાશ મુક્તિ! વાર છે સાત ને તમે અત્યારે સાતમા ધોરણમાં ભણો છો, એ પણ છે ને મજાની વાત! હવે બધાં ધ્યાનથી સાંભળજો હો! મુક્તિ સાત વારનું ગીત બે વાર ગાશે, પછી આપણે સૌ સાથે મળી આ ગીત ગાશું.'
ગુરુજી આમ બોલ્યા, સૌ બાળકો ડોલ્યાં ને મુક્તિએ બે વાર ગીત ગાયું-
'રવિ પછી તો સોમ છે,
ત્રીજો મંગળવાર,
ચોથો બુધ, ગુરુ પાંચમો,
છઠ્ઠો શુક્રવાર,
શનિવાર તે સાતમો.. છેલ્લો વાર ગણાય,
એમ એક અઠવાડિયું, સાત વારનું થાય.'
એ પછી બધાંએ એકીસાથે આ ગીત ગાયું. બધાંને બહુ મજા પડી હો!
ગુરુજીએ સમજાવ્યું, 'સાંભળો બાળકો, આ બધા વારનાં નામ ગ્રહ અને તારા ઉપરથી પડયાં છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહ છે... ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે. મુક્તિ, તને ખબર છે સૂર્ય એ તારો છે?'
ત્યાં તો બુધો ટપ દઈને વચ્ચે બોલ્યો, 'ના હો ગુરુજી, તમે મુક્તિને એમ કેમ કહો છો કે સૂર્ય એ તારો છે? એ તો સૌનો છે - મારો, તમારો, સૌનો!'
બધાં ખડખડાટ હસી પડયાં. ગુરુજી હસીને બોલ્યા, 'અરે બુધા, તુક્કા ન માર! તારો એટલે તારો-મારો એમ નહીં... તારો એટલે તારલો, તારક, સ્ટાર. આકાશમાં હોય એ તારો, શું સમજ્યો? સૂર્ય, ચંદ્ર એ બધા આકાશમાં રહે છે.'
ત્યાં મંગાએ મમરો મૂક્યો, 'સાહેબ, એવું નથી. એ બધા અમે જે શેરીમાં રહીએ છીએ ત્યાંય રહે છે. પૂછો આ બુધાને ને ખાતરી કરવી હોય તો આવજો અમારી શેરીમાં!'
વળી વર્ગમાં હસાહસ થઈ પડી. કેતના બોલી, 'એલા એય મંગા, તું કેવી નાખી દીધા જેવી વાત કરે છે? એ બધાં તો આકાશમાં હોય, શેરીમાં નહીં. આ સૂર્ય, મંગળ એ બધા તારી શેરીમાં ક્યારે રહેવા આવી ગયા?'
વિદ્યાર્થીઓ હસી પડયાં. મંગો કહે, 'જુઓ, મારી પડોશમાં એક ભાઈ રહે છે એનું નામ છે રવિ. રવિ એટલે સૂર્ય થાયને? એના બાપુજીનું નામ સુધાકર. સુધાકરનો અર્થ થાય ચંદ્ર. પછી હું મંગળદાસ, બાજુમાં આ બુધેશ.'
બુધો બોલ્યો, 'ગુરુજી, મારા ઘરની ડાબી બાજુ સરદાર ગુરુદયાલસિંઘ રહે છે ને જમણી બાજુ શનિબેન. જોકે શનિબેન જન્મ્યાં હતાં રવિવારે હો!'
વર્ગમાં હસાહસ થઈ પડી હો! મંગો કહે, 'હવે બાકી રહે છે માત્ર શુક્ર. અમારી શેરીમાં શીલાકાકીને ત્યાં હમણાં દીકરો આવ્યો છે. એનું નામ પાડવાનું બાકી છે. હું એને કહીશ કે એનું નામ શુક્ર રાખે એટલે રવિથી શનિ બધા અમારી શેરીમાં જ મળી જાય. બોલો ગુરુજી, હવે તો હું સાચો ને?'
'હા, તું સાચો હો! ટૂંકમાં આખું સૂર્યમંડળ તારી શેરીમાં રહે છે, એમ જ ને?!' ગુરુજી બોલ્યા ને વર્ગમાં ફરી હસાહસ. ગુરુજીએ આગળ કહ્યું, 'ને બાળકો, આપણી માતૃભાષા ગુજરાતી બહુ મજાની છે હો! અર્થ એક ને એના માટે શબ્દો એકથી વધુ. જેમ કે ચંદ્રને સુધાકર પણ કહેવાય, શશી, સોમ કે ઇન્દુ પણ કહેવાય. વળી શબ્દ એક જ ને એના અર્થ એકથી વધુ. જેમ કે તાત એટલે પિતા, પૂજ્ય, વ્યક્તિ કે તપેલું.'
એક છોકરી બોલી, 'ગુરુજી, આ મંગા ને બુધાએ તો મજા કરાવી દીધી! તમેય અમને હસતાં-રમતાં ભણાવો છો. આમાં મજાએ આવે ને પટ દઈને બધું યાદ પણ રહી જાય.'
ગુરુજીએ પૂછયું, 'દીકરી, તારું નામ શું?'
તો એ બોલી, 'નિહારિકા.'
ગુરુજીએ સમજાવ્યું, 'આકાશમાં વાયુ અને ધૂળકણોનાં વિશાળ વાદળો પણ હોય છે, એને નિહારિકા કહેવાય.'
ત્યાં તો મંગો હસીને બોલ્યો, 'ગુરુજી, તો તો એમ કહેવાય કે નિહારિકા આકાશમાં એટલે કે ગગનમાં રહે છે, ને આપણે જેની ઉપર રહીએ છીએ એ ધરતી ઉપર પણ.. મારા દાદાનું નામ છે નીરદ. મેં દાદાને પૂછયું હતું કે નીરદનો અર્થ શું થાય, તો એ કહે કે નીરદ એટલે વાદળ. દાદા મને ને બીજાં બાળકોને ઘણીવાર સરસ મજાની બાળવાર્તાઓ કહે છે હો!'
'વાહ! આ તો કેવું મજાનું! આપણે સૌ વાદળદાદા એટલે કે નીરદદાદા પાસે વાર્તા સાંભળવા જઈશું. ને આપણી માતૃભાષા ગુજરાતી પણ કેવી મજાની છે!' મુક્તિ આમ બોલી ત્યાં તો શાળા છૂટયાનો ઘંટ વાગ્યો ને સૌ રાજી થતાં-થતાં પોતપોતાના ઘરે ગયાં.


