- પીના પટેલ 'પિન્કી'
ઢોલુ અને ભોલુ બંને મિત્રો સુંદરનગરમાં રહેતા હતા. તેમની પરીક્ષા પૂરી થઈ હતી અને વેકેશન પડી ગયું હતું. એટલે તેમને તો ટીવી જોવાની મજા પડી ગઈ. તેઓ ટીવી જુએ અને ટીવીથી કંટાળે એટલે મોબાઈલ રમે. આખો દિવસ કટક-બટક નાસ્તા કરતા રહે. આળસુની જેમ પડયા રહે.
તેમનું આવું વર્તન જોઈને ઢોલુના દાદાજીને ચિંતા થઈ કે આ લોકોનું વેકેશન આળસમાં જ પૂરું થઈ જશે, અને તેઓ પ્રમાદી બની જશે. મારે તેમની પાસે કોઈકને કોઈ પ્રવૃત્તિ કરાવવી જ પડશે.
તેમણે બંનેને પાસે બોલાવીને કહ્યું, 'બેટા, આ વેકેશન તો કંઈક નવું શીખવા અને પ્રકૃતિ સાથે દોસ્તી કરવા માટે છે. જો તમે તેનો સદુપયોગ કરશો તો આ વેકેશન તમને આખી જિંદગી યાદ રહેશે.'
ઢોલુ બોલ્યો, 'દાદાજી, અમે શું કરીએ?'
દાદાજી બોલ્યા, 'આપણા વાડા પાછળ નાનકડી જગ્યા છે. તેમાં બગીચો બનાવો. બપોરના સમયે ચિત્રો દોરો, વાર્તાની ચોપડીઓ વાંચો અને કાગળમાંથી નવાં નવાં રમકડાં બનાવતાં શીખો.'
ઢોલુ અને ભોલુ બીજા દિવસે સવારથી ટીવી જોવા બેસી ન ગયા. એને બદલે તેમણે વાડામાં માટી સરખી કરી અને બપોરે ચિત્રકામ કર્યુ. ભોલુ નાની નાની વાર્તાઓની ચોપડીઓ લઈ આવ્યો અને વાંચવા લાગ્યો. તેમને વાચતા જોઈને તેમનાં દોસ્તારો કલ્લુ, મીના અને ચંચી પણ વાર્તાની ચોપડીઓ વાંચવા લાગ્યાં. ઢોલુ કાગળમાંથી રમકડાં બનાવતો હતો . ત્યાં રાજુ આવીને બોલ્યો, 'અત્યારે ગરમી કેટલી પડે છે. ચાલોને, આપણે પક્ષીઓને પાણી પીવા માટે કુંડાં બાંધીએ.'
'હા, પણ આપણે કૂંડાં લાવીશું ક્યાંથી?' ચંચી બોલી.
'આપણે ખોખા અને લાકડાના ટુકડા ભેગા કરીએ, એનું સુંદર રંગરોગાન કરીને પક્ષીઘર બનાવીએ અને પછી કાનજીભાઈ કુંભારને ત્યાંથી માટીનાં કૂંડાં લઈ આવીએ,' રાજુ બોલ્યો.
'તમારી વાત સાચી છે, રાજુભાઈ. ચાલો પહેલાં આપણે પક્ષીઘર તૈયાર કરીએ અને પછી માટીના કૂંડાં લેવા જઈએ,' ઢોલુ બોલ્યો.
બધાં બાળકોએ ભેગાં મળીને પક્ષીઘર તૈયાર કર્યાં અને પછી તેઓ માટીનાં કૂંડાં લઈ આવ્યાં . ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ એટલે મેદાનમાં રમવા ગયાં. તેઓ લંગડી, ખોખો, પકડદાવ જેવી રમતો રમ્યાં. ઢોલુ અને ભોલુને તો મોબાઈલ ગેમ્સ કરતાં આ રમતો રમવાની ભારે મજા પડી ગઈ.
બીજા દિવસે બચ્ચાઓએ ઝાડે-ઝાડે પક્ષીઘર અને પાણીનાં કુંડાં લટકાવ્યાં. પક્ષીઘરમાં થોડુંક ચણ મુક્યું. થોડાક સમય બાદ ચકલી, કબૂતર અને બીજાં પંખીઓ કિલ્લોલ કરવા લાગ્યાં.
બાળકોએ નક્કી કર્યું કે આપણે રાતે ઘરે-ઘરે ફરવાનું અને જે વધેલો ખોરાક મળે તે એક ચોખ્ખી જગ્યા કરીને ત્યાં મુકવાનો એટલે પશુઓને પણ ખોરાક મળી રહે.
આમ, બચ્ચાઓએ વેકેશનમાં સરસ મજાની પ્રવૃત્તિઓ મળી ગઈ. સવારે બગીચામાં કામ કરે પછી પક્ષીઓના કૂંડાંમાં પાણી ભરે અને ચણ મુકે. બપોરે ચિત્રકામ કરે અને વાર્તાઓ વાંચે, રમકડાં બનાવે. સાંજે રમતના મેદાનમાં રમવા જાય અને રાતે વધેલો ખોરાક ભેગો કરી એક જગ્યાએ મુકી આવે. ત્યાર બાદ રાતે અલકમલકની વાતો કરતાં કરતાં સુઈ જાય.
એક રવિવારે દાદાજીની મદદથી ઢોલુ , ભોલુ અને તેના સાથીમિત્રોએ પોતાનાં જૂનાં પણ પહેરવાલાયક કપડાં, વાર્તાની ચોપડીઓ અને રમકડાં એકઠા કર્યાં. તેઓ નજીકની એક વસાહતમાં ગયાં કે જ્યાં ગરીબ બાળકો રહેતાં હતાં. ત્યાં જઈને તેમણે આ વસ્તુઓનું વિતરણ કર્યું. કરડાં, રમકડાં, ચોપડીઓ જોતાં જ ગરીબ બાળકો એવા રાજી રાજી થઈ ગયાં કે બધાં મિત્રોનું હૃદય ભરાઈ આવ્યું.
આમ, ઢોલુ અને ભોલુ સાથે તેમના મિત્રોએ પણ વેકેશનનો સદુપયોગ કર્યો. થોડાં અઠવાડિયામાં બગીચામાં ફૂલો ખીલી ઉઠયાં. તે જોઈને દાદાજી બોલ્યાં, 'જુઓ, તમારા બધાની મહેનત કેવી ખીલી ઉઠી છે! આ સુવાસ બીજાં ઘણાં બાળકો માટે પ્રેરણારૂપ બનશે...'
આ સાંભળીને ઢોલુ , ભોલુ અને તેમના બધાં મિત્રો ખુશ થઈ ગયાં.


