મહારાજ શેરાની સેના .
- વાઘ, વરુ, ચિત્તા, દીપડા, હાથી, રીછ, વાંદરા સહિતના અનેક પશુઓના આખા લશ્કરે આ સુવરટોળી પર હુમલો કર્યો. સિંહની ત્રાડોથી સુવરટોળી ધ્રૂજી ઉઠી. ટોળી ચારે તરફથી આ પશુ લશ્કરથી ઘેરાઈ ગઈ હતી
- નિધિ મહેતા
ગીરના ગીચ જંગલમાં ઘણા બધાં પ્રાણીઓ રહે. આ જંગલમાં પ્રવાસીઓ પણ ખૂબ આવે. વનનો વિસ્તાર ઘણો મોટો. એકાએક જંગલમાં સુવરનો ત્રાસ વધવા લાગ્યો. આ સુવરોના આતંકથી જંગલનાં બીજાં પ્રાણીઓ ગભરાય. જંગલ જોવા આવતા પ્રવાસીઓમાં પણ ભય ફેલાતો જતો. આ સુવરો નાનાં પશુ પંખીને ડરાવે, મારી નાખવાની ધમકી આપે. વળી, આ સુવરોએ પોતાની આખી એક મોટી ટોળી ઊભી કરી હતી. આ ટોળકીનું બસ એક જ કામ - જંગલમાં ડરનો માહોલ બનાવી રાખવો!
બધાં જ પશુ પક્ષીઓ હવે આ સુવરના વધતા જતા ત્રાસથી કંટાળી ગયાં હતાં. એટલે એક વખત સૌ સાથે મળી આ મુશ્કેલીના ઉપાય માટે જંગલના રાજા એવા બહાદુર અને શક્તિશાળી મહારાજ શેરાને મળવા ગયાં. તેમણે પોતાની સમસ્યા કહી સંભળાવી. રાજાએ સૌની વાત સાંભળી અને તેનું નિવારણ કરવાનું વચન આપ્યું.
ત્યારબાદ એક દિવસ મહારાજ શેરાએ સુવરના પ્રતિનિધિને મંત્રણા માટે બોલાવ્યા. લાંબી ચર્ચા ચાલી.
પછી સમસ્યાના ઉકેલ સ્વરૂપે મહારાજે એક નિર્ણય કર્યો. તેમણે સુવરના પ્રતિનિધિને સંબોધીને કહ્યું, 'જો સુવરનેતા, આ જંગલના નિર્દોષ પશુઓને હેરાન કરવાનું તમે બંધ કરો. તમારે જંગલમાં શાંતિથી રહેવું હોય તો રહો, નહીં તો જંગલ છોડી દો.'
'પણ મહારાજ, અમે ક્યાં રહીએ? અમને અમારો અલગ વિસ્તાર આપી દો, તો અમે કોઈને રજાડીશું નહીં.'
જંગલના રાજાએ પ્રજાનું હિત વિચારી સુવરની વાત સ્વીકારી અને એક આખો અલગ વિસ્તાર આ સુવર પ્રજાને આપ્યો. તેમને શાંતિથી રહેવાની અપીલ કરી.
સુવરનેતા તેની ટોળી સાથે પોતાના અલાયદા વિસ્તારમાં રહેવા લાગ્યા, પણ તેમણે અન્યોને હેરાનગતિ કરવાની પ્રવૃત્તિ છોડી નહીં. તેઓ લાગ જોઈ પશુ-પંખીઓને હેરાન કરતા અને ધાકધમકીથી પોતાની ટોળીમાં ભેળવવાના પ્રયાસો કરતા. જે પ્રાણીઓ ડરીને એમની ટોળીમાં ભળી જતાં તેમને પછી બીજાં પશુઓને કનડવાની તાલીમ આપતાં. જે પોતાનામાં ન ભળે તેમને મારી નાખવાનો પ્રયાસ કરે. જંગલના મહારાજ શેરાએ આ જૂથને વારંવાર શાંતિથી સમજાવવા પ્રયાસો કર્યા. તેમની દરેક વખતની હેરાનગતિ વખતે કુમળું વલણ અપનાવી અને ફરી ક્યારેય એવું ન થાય તેની ખાતરી માંગેે. પણ આ સુવર તે કંઈ સુધરે!
એમને તો થોડોક વિસ્તાર નહીં, પણ આખું જંગલ જીતીને એમાં પોતાની સત્તાથી આ ભયનું સામ્રાજ્ય ફેલાવવાની લાલચ હતી. એટલે એમની હેરાનગતિની હરકતો દિવસે ને દિવસે વધતી ગઈ.
એક વખત આ સુવરની ટોળીએ જંગલ જોવા આવેલા પ્રવાસીઓ પર હુમલો કર્યો. તેમાં નિર્દોષ પ્રવાસીઓ ઘાયલ થયા. કેટલાય પ્રાણીઓને મારી નાખ્યાં અને પછી આ ટોળી હસવા લાગી.
પશુ-પક્ષીઓને વારંવાર હેરાનગતિ કરવાથી હવે સુવરોની હિંમત વધી ગઈ હતી. દર વખતની જેમ આ વખતે પણ મહારાજ શેરા અમને સમજાવવાની કોશિશ કરીને વાત પૂરી કરશે એવો સુવરોને વિશ્વાસ હતો.
પરંતુ આ વખતે જ્યારે જંગલના રાજા શેરાએ સુવરોના અત્યાચારની વાત સાંભળી ત્યારે તેઓ ક્રોધથી લાલચોળ થયા. પોતાની નિર્દોષ પ્રજાને ઘાયલ કરનાર કે હણી નાખનારા સુવર ટોળી માટે તેમણે અત્યાર સુધી અપનાવેલી ધીરજનો હવે અંત આવ્યો. હવે આ સુવરોનો અંત કરવા તેમણે આકરા પગલાં લેવાનું નક્કી કર્યું.
શેરાએ પ્રાણીઓની એક સભા બોલાવી અને આ સુવર સાથે યુદ્ધ કરવાની યોજના તૈયાર ઘડી. દરેક પ્રાણીને તેની કુશળતા મુજબનું કામ આપ્યું. વાંદરાઓએ સુવર ટોળીની ચોકી કરવાનું શરૂ કર્યું. શિયાળવા લપાઈ છુપાઈને સુવરોની આખી ટોળી ક્યારે અને ક્યાં સમયે એક સાથે હોય છે અને કઈ નવી નવી યોજનાઓ બનાવે છે તે બધી ખબર રાખવા લાગ્યા. આ બધી જ માહિતી રાજા સુધી પહોંચવા લાગી.
મહારાજ શેરાએ પ્રાણીઓ દ્વારા મળેલી માહિતી મુજબ આક્રમણની યોજના ઘડી કાઢી. એક મોડી રાત્રે સુવરની ટોળી શિકારની મિજબાની માણી રહી હતી ત્યારે આખી સિંહ સેના ત્યાં પહોંચી ગઈ. વાઘ, વરુ, ચિત્તા, દીપડા, હાથી, રીછ, વાંદરા સહિતના અનેક પશુઓના આખા લશ્કરે આ સુવરટોળી પર હુમલો કર્યો. સિંહની ત્રાડોથી જ સુવરટોળી ધ્રૂજી ઉઠી. ટોળી ચારે તરફથી આ પશુ લશ્કરથી ઘેરાઈ ગઈ હતી. ભાગવા માટે હવે કોઈ માર્ગ બચ્યો નહીં. એક તરફથી હાથી સુવરોને પોતાના પગ તળે કચડી નાખે, તો ક્યાંક દીપડા પંજો મારી એના પર તૂટી પડે. ક્યાંક વાઘ મોં ફાડીને ઊભો રહે, તો ક્યાંક વાંદરાઓ એમના પર તૂટી પડે. ધી બાજુથી ઘેરાયેલી આ સુવરટોળી હવે મગરનાં આંસુ સારવા લાગી, શેરા સિંહ સામે હાથ જોડવા લાગી, માફી માગવા લાગી.
પણ મહારાજ શેરા આ સુવરોનો સ્વભાવ બરાબર સમજી ચૂક્યા હતા. એટલે એમની એક પણ ખોટી દલીલ સાંભળ્યા વગર તેમણે સુવર સામે યુદ્ધ ચાલુ રાખ્યું.
મહારાજ શેરાએ પોતાની શક્તિશાળી સેના સાથે સુવરની ટોળીનો સફાયો કરી નાખ્યો. જંગલના પશુઓ સુવરોના ભયથી આઝાદ થયા. સુવરને શાંતિથી રહેવા આપેલો વિસ્તાર ફરી પાછો જંગલમાં ભેળવી દેવામાં આવ્યો. આ રીતે જંગલમાં ફરીથી શાંતિની સ્થાપના થઈ.
મહારાજા શેરા અને એમના લશ્કરે જે રીતે સુવરોની હાલત ખરાબ કરી નાખી હતી તે જોઈને ભવિષ્યમા બીજું કોઈ પ્રાણી જંગલનાં નિર્દોષ નાગરિકોને હેરાનગતિ નહીં જ કરે તે પાક્કું હતું.
સાચ્ચે, મહારાજ શેરાએ સુવરોને સજા કરીને આખા પ્રાણીજગતને સબક શીખડાવી દીધો..