Get The App

મહાકુંભ .

Updated: Nov 14th, 2025

GS TEAM

Google News
Google News
મહાકુંભ                                                   . 1 - image

- નવાઈની વાત! અરે, જોવા જેવી થઇ!

- જુઓ, આ રહ્યું મારા ભાગનું દૂધ...

- ડોસીમા પાસે એક લોટી જેટલું દૂધ હતું. કોણ જાણે એટલા દૂધ વગર રાજાનું વાસણ શું ઊણું રહી જવાનું હતું કે તેણે આખી સૈનિકોની ફોજ મોકલી આપી?

- 'ભગવાનનું પેટ ભરવું હોય તો એણે રચેલા જીવોનું પેટ ભરવું જોઇએ.

આજે આપે તમામ ઘરોમાંથી દૂધ મંગાવી લીધું. હવે વિચાર કરો જોઇએ કે દૂધ વગર આજે રાજ્યનાં કેટલાં બાળકો

ભૂખ્યાં રહી જશે?'

હરીશ નાયક

રાજા મોટો શિવભક્ત હતો.

એક વખત શિવરાત્રીએ તેણે પાટનગરના તમામ બ્રાહ્મણોને જમાડવાનું નક્કી કર્યું. ભોજન પહેલાં જે વાનગી બનાવવામાં આવે એ બધી જ વાનગી ભગવાન શિવ સમક્ષ ધરવાની હતી. એટલે કે ભગવાન શિવશંકર પ્રસાદ સ્વીકારે પછી જ બ્રાહ્મણોનું ભોજન શરૂ થાય એવી ગોઠવણ હતી.

રસોઇયાઓએ મહારાજને વિનંતી કરી કે, 'લગભગ તમામ રસોઈ દૂધમાંથી બનાવવી પડશે, માટે ઘણું બધું દૂધ જોઈશે.'

મહારાજા કહે - 'એમાં શી મોટી વાત? મૂકી દો રાજ્યનો મોટામાં મોટ કુંભ ચોકમાં અને ઢંઢેરો પિટાવો કે શિવરાત્રીએ કોઈએ દૂધનો ઉપયોગ કરવાનો નથી. ઘરે ઘરથી બધાંએ જેટલું હોય તેટલું દૂધ એ મહાકુંભમાં રેડી જવું.'

મહારાજા કહે - 'ઘરેઘરમાંથી દૂધ આવશે એટલે મહાકુંભ પણ ઊભરાઈ જશે અને પછી તમને જોઈએ તેટલું દૂધ મળી રહેશે.'

શિવરાત્રીનો દિવસ આવ્યો. વહેલી સવારથી જ લોકો મહાકુંભમાં દૂધ રેડી જવા લાગ્યા. જોતજોતામાં રાજ્યના લગભગ તમામ લોકો દૂધ રેડી ગયા. તો પણ નવાઇની વાત, કુંભ તો હતો તેવો ને તેવો જ ખાલી. એટલે કે થોડુંઘણું દૂધ દેખાતું, પણ એ કંઇ બધા બ્રાહ્મણોને ચાલી રહે નહીં.

રાજાએ ઘરેઘર સિપાઈ મોકલીને તપાસ કરાવી કે જુઓ કોઈ ઘર બાકી તો નથી રહી ગયું ને?

જેટલા બાકી હતા એટલા પણ દોડી આવીને દૂધ રેડી ગયા. પણ રાજકુંભ ન ભરાયો તે ન જ ભરાયો.

છેવટે સૈનિકો ખબર લાવ્યા કે, મહારાજા! પાટનગરનું કોઈ જ ઘર બાકી નથી. પણ એક ડોસીમા એવાં છે કે જે હજી સુધી દૂધ લઇને આવી નથી.

મહારાજા કહે - 'એ ડોસીમા એના મનમાં સમજે છે શું? જાવ એને બોલાવી લાવો. એને કહેજો કે દૂધ નહીં તો રાજદંડ ભોગવવો પડશે.'

રાજસેવકો જ્યારે ડોસીમાને પકડવા દોડયા ત્યારે ડોસીમા ઘરેથી નીકળતાં જ હતી. તે કહે - 'ભઈલાઓ! હું તો આવતી જ હતી. નાહક આમ દોડાદોડી કરવાની શી જરૂર? હું રહી ઘરડી વૃદ્ધા. મારે પાછાં જાતજાતનાં કામ પતાવવાનાં હોય. એટલે જરા મોડું થઇ ગયું. એ હાલો મારા ભઈલા. જુઓ, આ રહ્યું મારા ભાગનું દૂધ.'

ડોસીમા પાસે એક લોટી જેટલું દૂધ હતું. કોણ જાણે એટલા દૂધ વગર રાજાનું વાસણ શું ઊણું રહી જવાનું હતું કે તેણે આખી સૈનિકોની ફોજ મોકલી આપી?

ડોસીમાએ તો આવી રાજાને નમન-વંદન કર્યા અને પોતાના ભાગનું દૂધ 'જય ભોળા શંભુ' કહીને મહાકુંભમાં રેડી દીધું.

આશ્ચર્ય! નવાઈની વાત! અરે, જોવા જેવી થઇ.

મહાકુંભ એકાએક દૂધથી ઊભરાઈ ઊઠયો અને શિવની જટામાંથી જેમ ગંગા વહે તેમ એ ઘડામાંથી દૂધ છલકાઈને બહાર આવવા લાગ્યું.

બધા લોકો આંખો ફાડીને આ ઘટના જોતાં હતાં. ખુદ રાજાથી આ દ્રશ્ય જોઈ શકાયું નહીં. તેણે ડોસીમાને પૂછ્યું, 'ઓ વૃદ્ધા! તું કોઈ જાદુબાદુ જાણે છે કે શું? તારી એક જ લોટી દૂધ ઉમેરવાથી આ કુંભ કેવી રીતે ભરાઈ ગયો અને ઉભરાઈ ઊઠયો?'

'અરે મહારાજ!' એ ઘરડાં માજી બોલી ઊઠયાં - 'જાદુ કેવો ને વળી વાત કેવી. હું તો એક ગરીબ ડોસી છું. મહેનત મજૂરી કરીને ભગવાનને નજર સમક્ષ રાખીને જીવન જીવું છું. તમારા હુક્મનું પાલન સમયસર ન કરી શકી એટલે પણ હું તો ડરી જતી હતી. પણ શું કરું? સવારના પહોરમાં રોજની જેમ ઊઠીને મેં દૂધ દોહ્યું. ગાયે મને રોજની જેમ ઉમંગથી દૂધ આપ્યું. એમાંથી અડધું દૂધ મેં એના વાછરડાને પાઈ દીધું. હાસ્તો વળી, પહેલો હક્ક તો એનો ખરો જ ને? એમાંથી જે અડધું વધ્યું એ મારા છોકરાને પાઈ દીધું. છોકરાને કંઇ દૂધ વિના રડતાં રખાય? વળી એમાંથી જે અડધું રહ્યું એમાંથી થોડુંક મારા કૂતરાને તથા બિલાડીને પાયું. બંને મારા ઘરનાં રખેવાળ છે અને તેમનો આધાર મારા પર જ છે. છેવટે બાકી જે કંઇ વધ્યું એ દૂધ મેં આપના કુંભમાં રેડી દીધું છે. એમાં હવે જાદુ ગણો તો જાદુ અને કર્તવ્ય ગણો તો કર્તવ્ય.'

રાજા તો આ વાત સાંભળી સમસમી રહ્યો. બ્રાહ્મણોના કાન ક્યારના ઊંચા થઇ ગયા હતા.

રાજાએ તરત જ પૂછ્યું - 'માજી! તમે આ શું કર્યું? તમે ભગવાન સમક્ષ વધેલું ઘટેલું દૂધ રેડી દીધું? ભગવાનનો હક્ક તો આપણા તમામ દૂધ પર છે.'

'આપ ભૂલ્યા મહારાજ!' ડોસીમાએ કહ્યું - 'ભગવાનનું પેટ ભરવું હોય તો એણે રચેલા જીવોનું પેટ ભરવું જોઇએ. આજે આપે તમામ ઘરોમાંથી દૂધ મંગાવી લીધું. હવે વિચાર કરો જોઇએ કે દૂધ વગર આજે રાજ્યનાં કેટલાં બાળકો ભૂખ્યાં રહી જશે? શું તમે એમ માનો છો કે બધાં બાળકોને ભૂખ્યાં રાખીને ભગવાન શિવશંકર કુંભ ભરીને દૂધ પી જશે?'

માજીએ તો ચોખ્ખું કહ્યું - 'આપ સહુએ બાળકોનું દૂધ આંચકીને કુંભ ભરવાની કોશિશ કરી એટલે જ કુંભ અધૂરો રહેતો હતો. જ્યારે મેં વાછરડાને બાળકને, શ્વાન, બિલ્લીને દૂધ પાઈને બાકીનું દૂધ ભગવાનને ચઢાવ્યું એટલે જ ભગવાને તેનો સ્વીકાર કર્યો અને મહાકુંભ ઊભરાઈ રહ્યો.'

દાદીમાની વાત સાંભળી રાજાની આંખ ઊઘડી ગઈ. તેને લાગ્યું કે આંચકેલું દૂધ ભગવાનને પાવાથી ભગવાન તેનો સ્વીકાર કરતા નથી. એવું દૂધ બ્રાહ્મણોને પાવાથી પણ ભગવાન રાજી થતા નથી. એ દૂધ પર તો જેનો હક્ક છે એવાં બાળકો સુધી પહોંચાડવાથી જ ભગવાન રાજી રહે છે.

તેણે એ તમામ દૂધ નાનાં નાનાં ભૂલકાઓ સુધી પહોંચાડી દીધું.

તેણે પેલાં માજીનું વિશેષ રૂપે સન્માન કર્યું અને તેમની રાજમાતા તરીકે સ્થાપના કરી. રાજમાતાની વાત માની તેણે રાજ્યમાંએક પણ જણ ભૂખ્યું હોય ત્યાં સુધી ભોજન નહીં લેવાની પ્રતિજ્ઞા કરી.