Get The App

જાદુગર મોબાઈલ .

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
જાદુગર મોબાઈલ                                       . 1 - image

- સાથે સાથે મમ્મીએ ચેતવણી પણ આપી-'આ જાદુગરનો જાદુ અડધો કલાક જ ચાલે હો.' રાજુ કહે, 'વધારે વાપરીએ તો?' મમ્મી કહે, 'તો જાદુગરને ગુસ્સો આવે. તારી આંખ થકવી દે. માથું દુખાડે.'

- ભારતી ભંડેરી 'અંશુ'

એક હતો રાજુ. તે શહેરમાં રહે. રાજુનાં દાદી રાજુને રોજ વાર્તાઓ કહે. 

તેમાં જાદુગર અને જાદુઈ છડીની વાર્તા પણ હોય. 

રાજુ વિચારે જો હું જાદુગર હોઉં તો? 

છડી ઘુમાવું ને મારું લેસન થઈ જાય! 

છડી ઘુમાવું તો મસ્ત ખાવાનું આવી જાય!

ત્યાં રાજુની મમ્મી ગરમાગરમ નાસ્તો લઈને આવી.

રાજુ કહે, 'ખૂબ યમ્મી છે. આ કોણે શીખવ્યું?'

મમ્મીએ હસીને મોબાઈલ બતાવ્યો. 

રાજુ આશ્ચર્યથી કહે, 'મોબાઈલમાંથી?'

મમ્મી કહે, 'હા. મોબાઈલ તો મારો જાદુગર છે.'

 રાજુ કહે, 'જાદુગર? પણ મોબાઈલમાં તો ફક્ત વાત થાય ને?'

મમ્મી કહે, 'હા, પણ હવેના સ્માર્ટફોન જાણે જાદુગર! એમાં ભર્યો હોય અઢળક ખજાનો. જે માંગો તે હાજર! મોબાઈલમાં જોઈ શકાય, વાંચી શકાય. રસોઈ, ભરત ગૂંથણ, જોડણી, સ્પેલિંગ વગેરે શીખી શકાય. બેંકના કામ, ટિકિટ બુકિંગ બધું ઘર બેઠા થઈ જાય. આર્ડર કરો, વસ્તુ હાજર!'

રાજુ કહે, 'મમ્મી, તારો મોબાઈલ તો  જબરો જાદુગર હો! અદ્દલ દાદી વાર્તામાં કહે છે તેવો. જે માંગો તે હાજર.'

રાજુને મમ્મીએ મોબાઈલ વાપરતા  શીખવાડયું. કહે-

'મોબાઇલમાં છે એક પટારો,

એમાં ભર્યો છે જ્ઞાનનો ખજાનો,

જે મોબાઈલ વાપરે એકવાર,

તે થઈ જાય છે એનો દીવાનો.'

સાથે સાથે મમ્મીએ ચેતવણી પણ આપી-

'આ જાદુગરનો જાદુ અડધો કલાક જ

ચાલે હો.'

રાજુ કહે, 'વધારે વાપરીએ તો?'

મમ્મી કહે, 'તો જાદુગરને ગુસ્સો આવે. તારી આંખ થકવી દે. માથું દુખાડે.'

રાજુ કહે, 'ઓ બાપ રે. આ જાદુગર તો ભારે ગુસ્સાવાળો! મમ્મી, જાદુગરને કહેને  મને વાર્તા સંભળાવે.'

મમ્મીએ રાજુને મંત્ર શીખવાડયો-

'મોબાઈલ તું ખુલી જા,

જ્ઞાન તારું દેતો જા.

કલબલ કાબરની વાર્તા, 

મને સંભળાવતો જા.'

આ સાંભળી મોબાઈલ સરસ અવાજમાં કાબરની વાર્તા કહેવા લાગ્યો! 

રાજુને તો સાંભળવાની મજા પડી ગઈ.

રાજુ તો વારાફરતી જુદું જુદું માંગે. 

બોલે-

'મોબાઈલ તું ખુલી જા,

જ્ઞાન તારું દેતો જા.

હું બોલું તે શબ્દોના,

સ્પેલિંગ બોલતો જા...'

તુરંત મોબાઈલ સાચા સ્પેલિંગ બોલે. 

પછી તો બાળગીત, કાર્ટૂન, ગેમ્સ,  જોડકણાં... રાજુ બોલતો જાય ને મોબાઈલ બતાવતો જાય. 

એક  દિવસ રાજુ દાદા-દાદીનાં રૂમમાં લેસન કરતો હતો.

દાદીએ દાદાને કહ્યું, 'સોસાયટીમાંથી બધા જાત્રાએ જાય છે. મારા પગ દુખે એટલે આપણે કેમ જઈએ?'

આ સાંભળી રાજુ દોડીને મમ્મીનો મોબાઈલ લઈ આવ્યો.

કહે, 'દાદા-દાદી, તમે મને જાદુગરની વાર્તા કહો છો ને? આજે હું સાચો જાદુગર  લઈ આવ્યો. તે તમને જાત્રા કરાવશે. બોલો, ક્યાં જવું છે?'

આ સાંભળીને દાદી કહે, 'સોમનાથ.' 

દાદા કહે, 'દ્વારકા.'

રાજુ કહે, 'ઝઘડો નહીં. હું દર્શન કરાવું તમને બંનેનાં.'

આમ કહી રાજુ મંત્ર બોલ્યો- 

'મોબાઈલ તું ખુલી જા,

જ્ઞાન તારું દેતો જા.

તું સોમનાથ ને દ્વારકા,

દાદાદાદીને બતાવતો જા...'

તરત મોબાઈલમાં સોમનાથ ને દ્વારકાની આરતી દેખાઈ! 

દાદા-દાદીએ હાથ જોડયાં. 

બંનેએ આરતીનાં દર્શનનો લાભ ઘરબેઠા લીધો.

દાદા-દાદી કહે, 'જબરો તારો જાદુગર હો! આ તો ઘર બેઠા ગંગા.'

પછી તો રાજુએ દાદા-દાદીને ભજન, શ્લોક સંભળાવ્યા. 

દેશ-વિદેશના પ્રખ્યાત સ્થળો બતાવ્યાં. 

દાદા-દાદીને આખી દુનિયાનો પ્રવાસ કરાવ્યો! 

પછી રાજુએ 'આજે આટલું બસ' કહી મોબાઈલ મૂકી દીધો.

પછી કહે, 'વધારે વાપરીએ તો જાદુગર ગુસ્સે થાય.'

દાદા-દાદી તો પોતાના પૌત્રના ભોળપણ અને સમજણ પર વારી ગયાં!