Get The App

જાદૂઇ છડી .

Updated: Sep 26th, 2025

GS TEAM

Google News
Google News
જાદૂઇ છડી                                          . 1 - image

- રૂપલદવે 'રૂપ'

એક બહુ નાની ઉંમરના બાળકે છૈં એપની મદદથી એક જાદુઈ છડી બનાવી.આ જાદુઈ છડીનો દેખાવ ખૂબ જ આકર્ષક હતો. આ છડી એક વાર આખી ગોળ ફેરવી કોઈપણ વસ્તુ જોઈતી હોય કે કોઈને માટે કંઇ પણ કરવું હોય તો તે સહેલાઈથી કરી શકાતું હતું. બાળકને આવી ઘણી બધી જાદુઈ છડી બનાવવાની ઈચ્છા હતી, પણ તેણે પહેલી છડી કઈ રીતે બનાવી તે જ ભૂલી ગયો! તેથી આવી બીજી છડી ન બની શકી.

બાળકે હતાશ થવાના બદલે વિચાર્યું કે આ જાદુઈ છડી હું કોઈ સારા કામ માટે વાપરીશ. તે બાળક ખુદ બહુ ગરીબ હતો. તેના પિતા મજૂરી કરી રોજ રોજનું થોડું અનાજ લાવતા ત્યારે જ ઘરમાં રસોઈ બનતી. આથી તેણે વિચાર્યું કે સૌપ્રથમ હું પિતાને મજૂરી કામમાંથી મુક્તિ અપાવીશ. તેણે આંખ બંધ કરી છડી આખી ગોળ ફેરવીને ઘણા બધા પૈસા માગ્યા. તરત તેની સામે પૈસાથી ભરેલો આખો ટ્રક હાજર થઈ ગયો. તેણે આ પૈસાથી સારું એવું મોટું મકાન લીધું, મમ્મી પપ્પા અને પોતાના માટે કપડાં લીધાં. બાકીના પૈસા તે અન્ય લોકોને મદદ કરવાના હેતુથી સમજીવિચારીને વાપરવા લાગ્યો.

એણે જાદુઈ છડી બનાવી ત્યારે વેકેશન  ચાલતું હતું. વેકેશન ખૂલ્યા પછી તેનાં મમ્મી- પપ્પાએ કહ્યું - હવે તો આપણી પાસે પૈસા છે. તું સારી પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન લઈ લે. 

બાળકએ કહ્યું -  ના મમ્મી, મારે એ જ શાળામાં ભણવું છે. બધાં ગરીબ બાળકોની મદદ કરીને શાળાને ખૂબ સુંદર અને આધુનિક બનાવવી છે. 

થોડા સમય બાદ તે બાળક પોતાની શાળાએ ગયો. તેણે શાળાની ખરાબ હાલત જોઈને તરત છડી ફેરવી. એણે છડીને કહ્યું - મારે આખી શાળા નવી બનાવવા માટે ઘણા બધા કારીગરોની જરૂર છે. તરત ઘણા કારીગરો હાજર થઈ ગયા. એક જ દિવસમાં આખી સ્કૂલ નવી બનાવી દીધી. 

શાળાનું નવું મકાન જોઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ થઈ ગયા. શાળા બની ગયા બાદ શાળાના ભણતરમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થાય તેવું નક્કી કર્યું. તરત શાળામાં એસી, પડદો, ટીવી, કમ્પ્યુટર, દરેક વિધાર્થી માટે ટેબલેટ, નવી બેન્ચ બધું જ ગોઠવાઈ ગયું. આ સાથે બધાં બાળકો માટે અલગ અલગ સાઈઝનાં નવાં યુનિફોર્મ પણ રાખવામાં આવ્યાં,  જેથી બધાં બાળકો નવાં યુનિફોર્મ પહેરી શકે.

જે બાળકે આ જાદુઈ છડી બનાવી હતી તેનું નામ પાર્થ હતું. પાર્થે શાળાની આખી દિશા અને દશા જ બદલી દીધી. પાર્થ શાળામાં રોજ છડી સાથે લઈને જતો હતો. તે રોજ છડી ઘૂમાવી મિત્રોને મનગમતો નાસ્તો કરાવતો.

આ વાત ક્લાસના એક તોફાની બાળકને ખબર પડી ગઈ. તેણે છડી ચોરી લીધી અને બધાને હેરાન કરવાનું શરૂ કર્યું. પાર્થ પોતાની છડી શોધતો હતો, પણ તેને કશેયથી ન મળી. એણે પોતાના બધા મિત્રોને છડી વિશે વાત કરી. બધાએ ભેગા મળી છડી શોધવાનું શરૂ કર્યું. ખબર પડી કે છડી પેલા તોફાની બાળકના હાથમાં આવી ગઈ છે. પાર્થે લડયા વગર તોફાની છોકરાને આનાથી સારી અને વધુ આધુનિક છડી આપીશ એવું કહી છડી લઈ લીધી.

ધીમે ધીમે આ વાત આખી શાળામાં ફેલાઈ ગઈ. આટલી સુંદર છડી બનાવવા બદલ પાર્થને એવોર્ડ આપવામાં આવ્યો.