- દાદાએ એક નાનું બીજ આપ્યું અને કહ્યું, 'દીપુ, આ જાદુઈ બીજ છે. તું આપણા આંગણામાં વાવીને તેની સંભાળ રાખજે. થોડા સમય પછી તને જાદુ જોવા મળશે.'
- કિરણબેન પુરોહિત
દીપુ ખૂબ જ જિજ્ઞાાસુ છોકરો હતો. તેણે હંમેશા નવું નવું જાણવાનો અને શીખવાનો શોખ હતો. તે હંમેશા તેના દાદા પાસેથી અને સ્કૂલમાંથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરતો. દીપુને સહેલું કામ કરવું ગમતું, પણ કોઈ મુશ્કેલ કામ હોય તો તે હિંમત હારી જતો. ભણવામાં પણ તેને સહેલા વિષય ગમતા. સ્કૂલમાં શિક્ષક હંમેશા સમજાવતા કે કોઈ પણ કામ તમે મહેનત અને ધીરજથી કરો તો સફળતા જરૂર મળે છે. દીપુને કોઈ મુશ્કેલ કામ કરવું ગમતું નહીં.
એક દિવસ દીપુના દાદાએ એક નાનું બીજ આપ્યું અને કહ્યું, 'દીપુ, આ જાદુઈ બીજ છે. તું આપણા આંગણામાં વાવીને તેની સંભાળ રાખજે. થોડા સમય પછી તને જાદુ જોવા મળશે.'
દાદાએ જાદુની વાત કરી એટલે દીપુને બીજ વાવવામાં રસ પડયો. તેણે આંગણામાં બીજ વાવ્યું. બીજા દિવસે દીપુએ જ્યાં બીજ વાવ્યું હતું ત્યાં જોવા ગયો. ત્યાં ખાલી જમીન જ હતી, કોઈ જાદુ જોવા ન મળ્યો. દીપુ નિરાશ થઇ ગયો.
તેણે દાદાને કહ્યું, 'દાદા, બીજ વાવ્યું હતું ત્યાં કોઈ જાદુ થયો નથી...' દાદા હસીને બોલ્યા, 'બેટા, મોટા કામ માટે સમય અને ધીરજ જોઈએ. તું રોજ બીજને પાણી આપીને તેની સંભાળ રાખજે. એક દિવસ જરૂર જાદુ થશે.'
દીપુ બીજને રોજ પાણી આપતો. કેટલાય દિવસ સુધી કંઈ દેખાયું નહીં, છતાં તેણે બીજની સંભાળ રાખવાનો પ્રયત્ન છોડયો નહીં. થોડા દિવસ પછી નાનકડું અંકુર જમીનમાંથી બહાર નીકળ્યું. અંકુરને જોઈને દીપુને ખૂબ નવાઈ લાગી. તે ખુશ થઈ ગયો.
થોડા સમય પછી અંકુર છોડ બની ગયો. છોડની દીપુ ખૂબ સંભાળ રાખતો. દાદાની સલાહ પ્રમાણે તેમાં દેશી ખાતર નાખ્યું. છોડ ધીમે ધીમે નાનું ઝાડવું બની ગયું. તેની ઉપર નાનાં નાનાં ટમેટાં ઊગવા લાગ્યાં. ટમેટાંને જોઈને દીપુ આનંદમાં આવી ગયો. તેણે દાદાને કહ્યું, 'દાદા, તમારી વાત સાચી છે. જાદુઈ બીજ હતું.એક બીજ માંથી ઘણા બધા ટમેટાં થઈ ગયાં.'
દાદાએ કહ્યું, 'આમાં કંઈ જાદુ નથી થયું. આ કોઈ જાદુઈ બીજ નહોતું. આ તારી મહેનત અને ધીરજનું ફળ છે. જો તું પહેલા દિવસે જ હાર માની લેત તો આ ટમેટાનો જાદુ જોવા ના મળત!'
દીપુને પોતે વાવેલાં ટમેટા ખાવાની મજા આવી ગઈ.
બાળમિત્રો, આ વાર્તા પરથી શીખવા મળે છે કે મહેનત અને ધીરજથી કોઈ પણ સપનું પૂરું કરી શકાય છે...!


