- જાદુઈ પેન્સિલ હવે આર્યનની સાથી બની ગઈ હતી, રમવાની નહીં પરંતુ મદદ કરવાની. ...પરંતુ દરેક જાદુ સાથે એક પરીક્ષા પણ આવતી હોય છે.
- નિલેશ અંતાણી
નાનકડું, હરિયાળું અને શાંત એવું સુંદર ગામ - સરસપુર. આ ગામની કિનારે વહેતી એક નાની નદી, રસ્તાની બાજુ પર વળી વળીને ચાલતો કાચો માર્ગ, અને એ માર્ગ પર છૂટાછવાયાં ઉગેલા પીળાં અને સફેદ ફૂલ - જાણે કુદરતે પોતાના હાથથી ગામને શણગાર્યું ન હોય!
આ ગામમાં આર્યન નામનો એક દસ વરસનો છોકરો રહેતો હતો. એની આંખોમાં જિજ્ઞાાસા, મનમાં કલ્પના અને હાથમાં હંમેશા એક જૂની નોટબુક રહેતી. ફુરસદ મળતાં જ તે નદી કાંઠે કે નાનકડા બગીચામાં જઈ ચિત્રો દોરતો. કોઈ અનોખી દુનિયા, કોઈ અજાણી ચકલીઓ, કે પછી એક એવું ઘર, જ્યાં બધા ખુશખુશાલ રહેતા હોય - બસ, એ બધું આર્યન કાગળ ઉપર ઉતારી લેતો.
એક દિવસ સ્કૂલેથી ઘરે આવતાં તેણે રસ્તામાં એક ધૂળખાયેલી લાકડાની પેેટી પડેલી જોઈ. એની અંદર કંઈક હશે... એવી લાગણીથી એનું દિલ ધડકવા લાગ્યું. આસપાસ કોઈ ન હતું. આર્યને હિમ્મત કરીને પેટી ખોલી. અંદર એક જૂની, થોડી તૂટી ગયેલી જેવી લાગતી, પરંતુ અજીબ ચમક ધરાવતી પેન્સિલ પડી હતી. સાથે એક પીળો પડી ગયેલો કાગળનો ટુકડો પડયો હતો. એ કાગળ પર લખેલું હતું -
'જે તું સાચા દિલથી દોરીશ, એ જીવંત બની જશે. પણ યાદ રાખ આ પેન્સિલ તારા વિચારોનું પ્રતિબિંબ છે.'
પહેલાં તો આર્યનને લાગ્યું કે કોઈએ મજાક કરી છે. ઉત્સુકતાએ એણે એ જ સાંજે પોતાની નોટબુક ખોલી અને એ પેન્સિલથી એક નાનકડું ફૂલ દોર્યું. દોરતાં જ હવામાં સુવાસ ફેલાઈ ગઈ. અને કાગળમાંથી ફૂલ બહાર આવીને ટેબલ પર પડયું.
આનંદ રોમાંચિત થઈ ગયો. કંઈક તો અદ્ભૂત બન્યું હતું!
પછીના દિવસોમાં એની મજા અને આશ્ચર્યની કોઈ સીમા ન રહી. એક વાર તેણે દોરેલું કબૂતર બારીમાંથી ઉડી ગયું, તો ક્યારેક એક સફરજન દોર્યું જે એને મીઠું લાગ્યું. એણે ઝરણું દોર્યું - અને એનો અવાજ એને કાનમાં સંભળાયો.
એક દિવસ રસ્તામાં એણે એક વૃદ્ધાને ભીખ માંગતા જોઈ. એના ચહેરા પર ભૂખ અને થાકની રેખાઓ હતી. આર્યને તરત નોટબુક કાઢી પેન્સિલથી એક થાળી દોરી - રોટલી અને દાળ સાથે. અને એ થાળી સાચી બની વૃદ્ધાના હાથમાં આવી. વૃદ્ધાની આંખોમાં આંસુ આવી ગયાં. એણે આર્યનના માથા પર હાથ ફેરવી આશીર્વાદ આપ્યા.
જાદુઈ પેન્સિલ હવે આર્યનની સાથી બની ગઈ હતી, રમવાની નહીં પરંતુ મદદ કરવાની.
પરંતુ દરેક જાદુ સાથે એક પરીક્ષા પણ આવતી હોય છે.
એક દિવસ સ્કૂલમાં એક છોકરો નામે રાહુલ. એ આર્યનની મજાક ઉડાડતો હતો. તેના કારણે બીજા છોકરાઓ પણ આર્યન પર હસતા હતા. એક વાર આર્યને ગુસ્સામાં આવીને રાહુલનું બેડોળ અને ડરામણું ચિત્ર દોરી નાખ્યું. અચાનક અંધારું છવાઈ ગયું, હવા ઠંડી થઈ ગઈ. રાહુલનું નામ ખૂબ લાંબું થઈ ગયું હતું. એ તો ગભરાઈને રડવા લાગ્યો.
ત્યારે આનંદને સમજાયું - આ જરાક વધારે પડતું થઈ ગયું. મારે આવું કરવાની જરૂર નહોતી. મારે પેન્સિલ સમજીવિચારીને વાપરવી જોઈએ, કેમ કે તે માત્ર ચિત્ર નથી બનાવતી, એક ભાવનાને જીવંત કરે છે.
આર્યન નદી કાંઠે બેસીને રડવા લાગ્યો. એણે પેન્સિલને જોઈને કહ્યું - 'મને આવો જાદુ ન જોઈએ જે કોઈને દુખ આપે .'
એની આંખમાંથી પડેલા આંસુ પેન્સિલ પર પડયા. અને એની ચમક ધીમે ધીમે ઓછી થવા લાગી. રાહુલ પહેલાં જેવો થઈ ગયો.
તે દિવસ પછીથી આર્યને પેન્સિલ બહુ ઓછી વાપરી. એ હવે પોતાની મહેનતથી બદલવા માંગતો હતો. એ વૃક્ષો વાવતો, ઘાયલ ચકલીને દાણાં આપતો, અને નાનાં બાળકોને ચિત્ર દોરતાં શીખવતો.
એક દિવસ પેન્સિલ આખરે પૂરી થઈ ગઈ.
પણ આર્યન હવે બદલાઈ ગયો હતો. એની પાસે હવે એક નવી જાદુઈ પેન્સિલ હતી -એનું હૃદય.
અને એના હૃદયથી દોરેલાં ચિત્રો. આખા ગામનાં ચહેરાં પર સ્મિત દોરાવા લાગ્યાં.
બોધપાઠ- સાચો જાદુ વસ્તુઓમાં નથી, માણસનાં કર્મોમાં છે.


