Get The App

જાદુઈ અરીસો .

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
જાદુઈ અરીસો                                          . 1 - image

- 'જુઓ, આ જાદુઈ અરીસો છે. બધાએ તેમાં મોઢું જોવાનું છે. જેમણે કેક ખાધી હશે તેનું મોઢું રાક્ષસ જેવું થઇ જશે!' 

- ડૉ. પ્રીતિબેન ત્રિભોવનદાસ કોટેચા

આજે નાનકડા ક્યુટ ક્યુટ ભોલુ સસલાનો જન્મદિવસ હતો. એના પપ્પા સસ્સારાણા મોટી કેક લાવ્યા.કેક સસ્સીરાણીને આપતા કહે, 'સાચવીને રાખજે  હો... સાંજે બધા સાથે મળીને ભોલુના  જન્મદિવસની ઉજવણી કરીશું.' 

થોડીવારમાં ગોલુ અને ભોલુ આવી ગયા.  ભોલુભાઈ આજે ખુબ ખુશ હતા. આજે નવાં નવાં કપડાં પહેરવાના હતાં, નવી નવી રમતો રમવાની હતી.

સસ્સીરાણીએ બંને બચ્ચાને નવડાવીને તૈયાર કર્યાં. પછી કહ્યું: ' જલ્દી જાઓ, બધાના ઘરે જઈને જન્મદિવસમાં આવવાનું આમંત્રણ આપી આવો.'

ગોલુ અને ભોલુ  નીકળી પડયા. સૌથી પહેલાં સામે હાથીમામા મળ્યા. ભોલુ હાથીમામાને કહે, 'આજે મારો જન્મદિવસ છે. મારા ફ્રેન્ડ મદનિયાને ઘરે મોકલજો હો...

અમે રમત નવી રમીશું,

ગીત મજાનાં ગાઈશું,

આઈસ્ક્રીમ સાથે ખાઈશું કેક, 

ડોરેમોનવાળી છે મસ્ત મસ્ત કેક...'

હાથીમામાએ ભોલુને જન્મદિવસની શુભેચ્છા આપી.ગોલુ અને ભોલુ ફરી કૂદકા મારતા આગળ ચાલ્યા. ત્યાં રીંછમામા સામે મળ્યા. ભોલુ કહે, 'રીંછમામા, મારા જન્મદિવસે છોટુ-મોટુંને મોકલજો હોને...

અમે રમત નવી રમીશું,

ગીત મજાનાં ગાઈશું,

આઈસ્ક્રીમ સાથે ખાઈશું કેક, 

ડોરેમોનવાળી છે મસ્ત મસ્ત કેક...'

આમ, ગોલુ અને ભોલુ આખા જંગલમાં ફરીને સૌને આમંત્રણ આપી આવ્યા.

સાંજ પડી. બધા સસ્સારાણાને ત્યાં ભેગા થયા. દોડમદોડ, પકડમ-પકડાઈ, છુપમ-છુપાઇ, સંગીત-ખુરશીની રમતો જામી. બધાને ખૂબ મજા પડી. 

હવે સસ્સારાણાએ બધાં બચ્ચાને બેસાડયા અને  સસ્સીરાણીને કહ્યું, 'હવે કેક લાવો એટલે ભોલુભાઈ કેક કાપે ને બધાને મજા કરાવે.' 

સસ્સીરાણી તો કેક લાવ્યાં. ખોખું ખોલ્યું. પણ આ શુ? ડોરેમોનની કેકમાંથી ડોરેમોન ગાયબ! આ કેકમાંથી ડોરેમોન કોણ ખાઈ ગયું...? 

ભોલુભાઈ તો આવી રીતે કેક જોઇ રડવા લાગ્યા. સસ્સારાણાએ ભોલુભાઈને શાંત કર્યા અને બીજી કેક મગાવી.

સસ્સીરાણી ખૂબ જ ચતુર હતાં. તેણે ચોરને પકડવાનો નિર્ણય કર્યો. એને થયું કે બચ્ચાઓને આજથી સમજ આપીએ તો ચોરીની આદત ન પડે.

સસ્સીરાણી તો બધાં બચ્ચાનાં મોઢા જોવા લાગ્યાં. તેણે  શિયાળના બચ્ચાના મોઢા પર ચોકલેટના નિશાન જોયા. સસ્સીરાણી સમજી ગયાં કે આ કામ ચંચીનું છે! એ તો ઘરમાંથી એક અરીસો લાવ્યાં. બધા બચ્ચાંને વર્તુળાકાર બેસાડયા. પછી કહે, 'જુઓ, આ જાદુઈ અરીસો છે. બધાએ તેમાં મોઢું જોવાનું છે. જેમણે કેક ખાધી હશે તેનું મોઢું રાક્ષસ જેવું થઇ જશે!' 

બધાં બચ્ચાં વારાફરતી પોતાનું મોઢું જોવા લાગ્યાં. જેવો ચંચીનો વારો આવ્યો કે એણે હાથથી મોઢું સંતાડી  દીધું. એ તો બોલી ઉઠયો, 'મારે રાક્ષસ નથી થાવું...મારે રાક્ષસ નથી થવું... મને ડોરેમોન બહુ ગમે એટલે હું કેક ખાઈ ગયો હતો...' 

હવે સસ્સીરાણીએ  બાળકોને સમજાવ્યું, 'ક્યારેય કોઈ વસ્તુની ચોરી કરાય નહીં. અરે ચંચી, કોઈ દિવસ અરીસામાં જોવાથી મોઢું બદલાઈ ન જાય. આ કોઈ જાદુઈ અરીસો નથી, સાદો અરીસો જ છે. આ તો કેક કોણ ખાઈ ગયું તે જાણવા માટે મેં ખોટે ખોટે જાદુઈ અરીસાની વાત તમને કરી હતી...' 

ચંચીને તેની ભૂલ સમજાઈ ગઈ. એણે બધાની માફી માંગી: 'સોરી આન્ટી, સોરી ભાલુ, સોરી એવરીબડી...' 

ત્યાં જ નવી કેક આવી ગઈ. ભોલુભાઇએ કેક કાપી. બધાએ ગીત ગાયું:

'હેપ્પી બર્થ ડે ટુ યુ.

  હેપ્પી બર્થ ડે ટુ યુ ડિયર ભોલુભાઇ...

  હેપ્પી બર્થ ડે ટુ યુ.'