- મહેન્દ્રકુમાર આર. ચૌધરી
વર્ષો પૂર્વે એક ગાઢ જંગલમાં ચંદનના વૃક્ષ પર એક આશ્ચર્યજનક પક્ષી રહેતું હતું. એ પક્ષી ચમત્કારિક હતું. આ પક્ષીનું ચરક જમીન પર પડતાં જ સોનું બની જતું. એક દિવસની વાત છે. જંગલમાં એક પારધી નીકળ્યો. એનું ધ્યાન આ સોનેરી પક્ષી પર પડયું. એણે થોડીવાર સુધી પક્ષીને જોયા જ કર્યું. એ જ વખતે એ પક્ષી ચરક્યું. એનું ચરક જોતજોતામાં સોનાનું બની ગયું. પારધી તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. આ તે કેવું પક્ષી? જેટલી વાર ચરકે એટલી વાર એ ચરક સોનું બની જાય. આવું નવતર પક્ષી તો આખી દુનિયામાં જોવા ન મળે. પારધીએ વિચાર્યું કે આ તો રાજાને આપવા જેવું પક્ષી છે. પક્ષીને પકડી, રાજાને આપી, મોટું ઈનામ મેળવવાની એનામાં લાલચ જાગી.
જે વૃક્ષ પર એ સોનેરી, ચમત્કારિક પક્ષી બેસતું હતું. એ વૃક્ષની નીચે જ પારધીએ જાળ બિછાવી. એના પર છૂટાછવાયા દાણા વેર્યા. એને ખાતરી હતી કે દાણા જોઈને પક્ષી લલચાશે. નીચે ઊતરશે. છુપાઇને પાથરેલી જાળ એને દેખાશે નહીં. એ જરૂર આ જાળમાં સપડાઈ જશે. પછી, એને લઈ જઈને રાજાને ભેટ ધરીશ.
થોડીવાર એ છુપાઈને એક વૃક્ષ પાછળ ઊભો રહી ગયો. પક્ષીએ વૃક્ષ નીચે વેરાયેલા દાણા જોયા. પારધીની અપેક્ષા મુજબ જ સોનેરી પક્ષી વૃક્ષ પરથી ઠેકીને નીચે પડેલા દાણા ચણવા લાગ્યું. પક્ષીને ખબર પણ ન પડી અને એ પારધીની જાળમાં ફસાઈ ગયું. વૃક્ષની પાછળ છુપાયેલો પારધી બહાર આવ્યો. પક્ષીને પકડીને એક પાંજરામાં પૂરી દીધું. પારધી તો આનંદથી ઝૂમી ઊઠયો. ખુશખુશાલ થઈ ઊઠયો. એને આશા જન્મી કે આ પક્ષીના બદલામાં રાજા સારું વળતર તો જરૂર આપશે જ અને ઉપરથી ઈનામ આપશે.
બીજા દિવસની સવારે એ તો વહેલો વહેલો ઊઠીને પહોંચી ગયો રાજ મહેલમાં. રાજાની ખાસ મુલાકાત માગી. જાદુઈ પક્ષી લાવ્યો હોવાનું જણાવ્યું. રાજાએ તરત જ પારધીને અંદર આવવા આદેશ આપ્યો.
રાજાની સામે હાજર થઈને પારધીએ રાજાને ઝૂકીને પ્રણામ કર્યાં. આ સોનેરી પક્ષીની કરામતની વાત કરી. સોનેરી પક્ષી જે હગાર જમીન પર નાખે છે એ તરત જ સોનું બની જાય છે. વળી, દેખાવમાં સોનેરી એવું આ પક્ષી અદભુત છે. અજોડ છે. મીઠું-મીઠું-મીંઠું બોલે છે. રાજા તો આવું નવતર, ચમત્કારિક પક્ષી જોઈને રાજીરાજી થઈ ગયો. તરત જ નોકરોને બોલાવ્યા. નોકરોને આદેશ આપ્યો કે આ આશ્ચર્યજનક પક્ષીને એક સુંદર, નકશીદાર સોનાના પીંજરામાં મૂકો. એની વિશેષ દેખભાળ લો. સારામાં સારું ચણ આપો.
એ જ વખતે રાજાના એક પ્રધાન ત્યાં આવી પહોંચ્યાય. રાજાએ તેમને પક્ષી વિશે બધી વાત કરી. પ્રધાનજીની સલાહ લીધી. પ્રધાનજી પક્ષીને ધારી ધારીને જોયા પછી બોલ્યા, 'મહારાજ! આવા પારધીની વાત સાચી માની લેવાની જરૂર નથી. શું આપ માનો છો કે કોઈ પક્ષી ચરકે અને એનું ચરક સોનું બની જાય? મને આવો અભિપ્રાય આપવા બદલ માફ કરજો, પણ લાગે છે કે આ આશ્ચર્યજનક પક્ષી જરૂર કોઈ મેલી શક્તિવાળું માયાવી પક્ષી જ છે. મહારાજના ભલા માટે મારો અભિપ્રાય એ જ છે કે આવા દુષ્ટ માયાવી શક્તિ ધરાવતા પક્ષીને તરત જ છોડી મૂકવું જોઈએ.'
ક્ષણભર વિચાર કરીને તરત જ રાજા પણ બોલી ઊઠયા,'પ્રધાનજી, મને તમારી વાત સાચી લાગે છે. ચાકરોને બોલાવો અને પક્ષીને તત્કાળ મુક્ત કરી દો. આવુંં પક્ષી રાજમહેલમાં લાવવા બદલ પારધીને કેદ કરવાની સૈનિકોને આજ્ઞાા આપો.'ૅૅ
ચાકરોએ પક્ષીને મુક્ત કર્યું. જેવું પક્ષી આકાશમાં ઊડયું કે તરત જ ઊડીને રાજમહેલના મુખ્ય દરવાજા પર બેસી ગયું. ત્યાં બેસીને તેણે જમીન પર રાજા, પ્રધાન, મંત્રી, ચાકર બધાની હાજરીમાં ચરક નાખ્યું. જોતજોતામાં એ ચરક તો સોનાનું બની ગયું. પછી એ આશ્ચર્યજનક પક્ષી ત્યાંથી ઊડી ગયું. ઊડતાં-ઊડતાં બોલ્યું, 'આપણે બધાં જ કેવાં મૂરખ છીએ? પ્રથમ હું મૂરખ બન્યું. પછી પારધી મૂરખ બન્યો. એ પછી પ્રધાનજી મૂરખ સાબિત થયા અને અંતે રાજા સ્વયં પણ મૂરખ જ પુરવાર થયા.'
સાર - વધુ પડતી સલાહ લેતાં વધુ ગૂંચવણ પેદા થાય છે. ઝાઝી સુયાણી વેતર વંઠે.


