ડિંગ-હાંક-તૂ!! .
- મધપૂડો - હરિશ નાયક
- આજ રીતે ના લેશો ઉપકાર કોઈનો ના લેશો ઉપકાર ઉપકાર એક સુનામી છે ને, ગુલામી છે ઉપકાર
- ડિંગ કહે : દોસ્ત કેટલું અંધારૂ છે. તારે તારા ગામને અજવાળાની જરૂર છે. આ ચીની ફાનસના પીળાં તેજમાં તારી રાત સોનાની થઈ જશે.
- જેઓ છેતરે છે તેઓ જ વેતરે છે અને જીવંત ત્વચા તે ખોતરે છે જેને તમે સોનાના હિંડોળા પર બેસાડો છો, તે એમ જ કહેશે કે : અરે, આ હિંડોળો તો મારો જ છે
એ વું જ એનું નામ હતું. અદ્દલ ચીની હતો. ચીનમાં જ જનમ્યો, ચીનમાં જ ભણ્યો, ચીનમાં જ ગણ્યો, ચીનમાં જ મોટો થયો. ચીનના જ સંસ્કારો પામ્યો.
'મા ! હવે શું કરૂ ?'
ડિંગ, હવે તારે જે કરવું હોય તે કર બીજા કોઈની નકલ કરવી નહિં. આપણે જ્યાં હોઈએ તે બધું આપણું જ માનવું. આપણે જ્યાં જઈએ ત્યાં બધું આપણું જ બનાવી લેવું.
'મા ! કોઈ જોનારૂં હોય જ નહિ ?'
'હોય જ નહિ અને છે જ નહિ ડિંગ !'
'પેલા કોઈ ઇશ્વરની વાત કરે છે ને ?'
'ચૂપ ડિંગ ! ઇશ્વર પરમેશ્વર જેવું ય કંઈ નથી. એ બધું દુનિયાએ ઊભું કરેલું તૂત્ત છે. સવાર થાય કે સૂરજ ઊગે. રાત પડે કે ચાંદ ઉગે. આ પહાડ પર્વતો નદીઓ સરોવરો સાગરો બધું પહેલેથી
હતું જ.'
'હતું જ ?'
'હા ડિંગ હતું જ. એ જે કંઈ તું જુએ છે એ કોઈ ઇશ્વરે બનાવ્યું નથી. ઇશ્વર કંઈ બનાવતો જ નથી. આવું બધું બનાવવું ઇશ્વર માટે ય શક્ય નથી. આપણે ય વધારીએ તો બધું બનાવી શકીએ, બનાવી જ શકીએ. બનાવવું એ જ આપણું કામ.'
'એ જ આપણો ધર્મ,ખરૂં ને મા !'
'ચૂપ ડિંગ ! ધર્મ કે ધરમ જેવું ય કંઈ જ નથી. આપણે જે કરીએ તે કામ, જે પગલાં પાડીએ તે આપણી ધરતી. જે લઈ લઈએ તે આપણું દુનિયામાં બીજા કોઈનું કંઈ છે જ નહિં.'
'ઠીક મા ! જાઉં'
'જા ફત્તેહ કર. પાછા ફરીને જોવું નહિ. બીજાનું દુઃખ જોઈને રોવું નહિં. બીજાને રડતાં રાખવા. રડતાંઓનું પડાવી લેવું.'
'મા' ડિંગ કહે : જોયું મને એ બધું આવડે છે કે નહિ ?
'જા અને જૂઠું બોલ. જુઠ્ઠું બોલતાં આવડી જશે તો આખી ધરતી તારી થઈ જશે.'
'અત્યારે ધરતી કોની છે મા !'
'જે આપણી છે તે આપણી જ છે. જે બાકી છે તેને આપણી બનાવવાની છે. એમાં પાછા પડવાનું નથી અને આગળ વધતાં અટકવાનું નથી. જે સામા આવે કે નડે તેને પછાડવાના છે.'
'કેવી રીતે ?'
'ડિંગ હાંકીને તારૂં નામ સાર્થક કરીને. આ સૂત્ર યાદ રાખ ડિંગ :'
જૂઠે કી હૈં, બોલબાલા
જગતમેં જૂઠે કી હૈ બોલબાલા
જૂઠા હૈ જિતનેવાલા
જગતમેં જૂઠા હૈ જિતને વાલા.
ચીનના લોકોનો આ જ રાષ્ટ્રીય શ્લોક હતો.
દરેક માતા પોતાના દીકરા ડિંગને આ જ ડિંગ શીખવતી હતી.
હયુ- એન-સંગ અને ફા-હિ-યાનની જેમ ડિંગ હાંક તૂ ! નીકળી પડયો.
આવી પડયો પાડોસીની ભૂમિમાં. તેને પાઠશાળામાં શીખવવામાં આવ્યું હતું. દુનિયામાં કોઈ પાડોસી છે જ નહિ. જે પા છે તેને અડધી ડોસી બનાવી દો. અડધી છે તેને પૂરી કરી દો. જે પૂરી છે તેને પૂરેપુરી પૂરી કરી દો.
ન રહે ડોસી, ન રહે પા
લે રે ડિંગ પા, હાપ્પા !
ડિંગ હાં-ક તૂ ! હવે (લા-ભલા) નામની નગરીમાં આવી પહોંચ્યો.
લા-ભલા ગામના લોકો ભલા ભોળા વિશ્વાસુ હતા.
થોડેક અંદર આગળ ગયો. તો કોઈ હતું જ નહિ. કોઈ મળ્યું જ નહિં.
એક સૂમસામ શેરી હતી. ચોકીયત હતી.
કોઈક આવી પડયું, તો ડિંગે સાફ સફાઈ શરૂ કરી.
'શું કરે છે એલા એઈ ?'
'મારૂં નામ ડિંગ હાં-ક તૂ છે'
'તે હશે. પણ અહીં શું કરે છે લા-ભલાયાં ?'
'સફાઈ કરૂં છું. જુઓને બધી કેટલી ધૂળ છે, કાંકરી છે, કરકર છે ! આપણને ચાલવામાં તકલીફ પડે કે નહિ ?'
લા-ભલાનો નાગરિક કહે : 'મને તો કંઈ કચરો દેખાતો નથી.'
ડિંગ કહે : ' તે ન જ દેખાયને ? મેં બધી સાફસુફી કરી નાખી, પછી કચરો કેવો રહે ને પૂંજો ય કેવો રહે ?'
'તેં સારૂં કર્યું બધું ? ડિંગ- હાંકે છે ? તું ?'
'આ ઝાડૂથી જો કેવું સરસ રેશમી ચીની ઝાડૂ છે. લે, તારે માટે છે. હવે આનાથી સફાઈ કરજે એટલે બધું ચોક્ખું ને ચટ્ટ થઈ જશે. અને લે આ ચીનાઈ પંખો, તારા ઘરનાં લોકોને આપજે. તાપ નહિ લાગે. અને લે આ કાગળના ફાનસ, અંધકાર દૂર થશે, અને લે આ મીણબત્તી ફાનસમાં મૂકવા. અને લે આ કાગળના વિમાન તમારા બાળકને ઊડાડવાના કામમાં આવશે.'
લા-ભલાના નાગરિક કહે : પણ આ બધું તું મને શું કામ આપે છે ?
'મારો સ્વભાવ જ એવો છે. આપવું 'ડિંગે કહ્યું પછી વળી બીજી રાતે તે શેરીઓને નાકે નાકે ફાનસો મૂકવા લાગ્યો. સુધરાઈના ફાનસ લા-ભલા ના-ગ-રિ-ક કહે','અલ્યા, આ શું
કરે છે ?'
ડિંગ કહે : દોસ્ત કેટલું અંધારૂ છે. તારે તારા ગામને અજવાળાની જરૂર છે. આ ચીની ફાનસના પીળાં તેજમાં તારી રાત સોનાની થઈ જશે.
વળી એક દિવસ તેણે ગામમાં કૂવો બનાવી દીધો. તેને ખોદકામ કરતો જોઈને લા-ભલાઈ કહે : 'આ વળી શું માંડયુ છે ?'
ડિંગ કહે : 'કૂવા વાવ તળાવ સિવાય ગામને કંઈ ચાલે ? હવે તમારે દૂર નહિ જવું પડે. કૂવામાં દોરડું અને ડોલ નાખ્યા કે પાણી જ પાણી.'
'દોરડું અને ડોલ ?'
ડિંગ કહે : તે પણ હાજર છે. લે આ ચીની દોરડું, એવું ગૂંથેલુ છે કે તૂટે જ નહિ. અને આ ડોલ તો તારી દીકરીની દીકરીને ચાલશે. ચીની ડોલ છે હા !
વળી એક દિવસ એક ધર્મશાળા બનાવી દીધી. આ વખતે જોવા માટે લા-ભલાના નાગરિક સાથે તેના ગ્રામવાસીઓ આવ્યા. પૂછ્યું ' આ મકાન વળી શાને માટે ?'
ડિંગ- હાંક- તૂ કહે : તમારે માટે. દૂરદૂરથી અહીં કેટલા લોકો આવે છે. તેમને રહેવા કોઈ ધર્મશાળા જોઈએ કે નહિ.
'અહીં કોઈ બહારનું આવતું જ નથી'
'આ આવ્યા જુઓ,' ડિંગે કહ્યું.
પ્રવાસીઓ જેવા લોકો આવ્યા. આવતા જ ગયા. તે બધાં કંઈક ડિંગ જેવા જ લાગતા હતા. તેમણે ડિંગને પૂછ્યું : પ્રવાસીઓ છીએ અમે.
'દુનિયામાં કોણ પ્રવાસી નથી ? સૂરજ કે ચંદ્ર પ્રવાસી નથી ? પેલો પવન પ્રવાસી નથી ? આ ઋતુઓ અને હવામાન પ્રવાસી નથી ? બધાં લોકો તાજાં પ્રવાસીઓ જ હોય છે. તેમને રહેવાને નિવાસ મળે એટલે તેઓ પ્રવાસીમાંથી નિવાસી થઈ જાય.'
પ્રવાસી કહે : અને જે બધાં અહીં અગાઉથી રહેતા જ હોય તે ?
ડિંગ- હાંક- તૂ કહે : તે બધાં વાસી થઈ જાય. અથવા કહો કે પ્રવાસી થઈ જાય !
'એટલે' પ્રવાસીએ કહ્યું : પ્રવાસીઓ નિવાસી બને. અને નિવાસીઓ પ્રવાસી બને, એમજ ને ?
'એમ જ સાથીઓ એમજ' ડિંગે કહ્યું.
પ્રવાસી કહે : 'પણ અમે આવી તો ગયા, હવે રહેવું ક્યાં ? બાળ બચ્ચાં સહિત આવ્યા છીએ.'
'તે એમ જ અવાય ને !' ડિંગે કહ્યું : રહેવા માટે જગા છે જ સરસ છે. જુઓ આ રહી આ ધર્મશાળા નવી નકોર અને એકદમ સગવડવાળી.
'કોની છે ?'
'રહે તેની,' ડિંગ : 'આપણી જ સમજો ને !'
'પણ અમે ધર્મમાં માનતા નથી અને અજાણ્યા મકાનમાં રહેતાં નથી.'
હજી આવી પડેલાં મુસાફરો એવું બોલી નહિ હોય તો, જ્યાં જઈએ તે ધર્મ આપણો, અને, એ મકાન પર પાટિયું મારી દઈ તે કહે : 'હવે આ ધર્મશાળા અજાણી કહેવાશે ?'
એ ધર્મશાળા પર મોટા અક્ષરે પાટિયું મારી દીધું. 'ડિંગ- હાંક-તૂ ! ધર્મશાળા'
પ્રવાસીઓ સર સામાન સહિત રહેવા લાગ્યા. પેલા લા-ભલો ગામ લોકો પોકારી ઊઠયા : આ જગા અમારી છે, અહીં પાટિયા શેના મારો છો ? ઉઠાવી લો.
ડિંગ-હાંક-તૂ કહે : 'શાંતિ રાખો. શાંતિ રાખો. તમારી છે અને તમારી જ રહેશે. ધર્મશાળા તો બધાંની જ કહેવાય છે. આ પાટિયું તો અમસ્તી ઓળખાણ છે. તમારે રહેવું હોય તો રહી શકો. જુઓ લા-ભલા નાગરિકો ! આપણે કોઈ વિવાદમાં માનતા નથી. તારૂં- મારૂં કરવાની જરૂર જ નહિ. જે રહે તેનું મકાન, જે ભણે તેની શાળા.'
પ્રવાસીઓ ઝામી પડયા હતા. વળી વધતાં ય હતા. તેમણે કહ્યું : ડિંગ- હાંક- તૂ ! શાળા ? ક્યાં છે શાળા ? અમારા બાળકોને ભણવા માટે શાળાય જોઈશે કે નહિં ?
શાળાનું બાંધકામ ક્યારનું શરૂ થઈ ગયું હતું. લા-ભલા નાગરિકો કહે : 'કોની પરવાનગીથી અહીં શાળા બાંધો છો ?'
ડિંગ- હાક- તૂ કહે : 'જે કંઈ બધાના કામમાં આવે અને આવવાનું છે, તેને માટે વળી પરવાનગીની શી જરૂર ? આ પાઠશાળામાં પ્રવાસીઓના બાળકો ભણશે તો તમારાય ભણશે. ભણે તેના પાઠ. ભણે તેની શાળા.'
પ્રવાસીઓ તથા નિવાસીઓ તથા લાભલાના નાગરિકો કહે : 'પણ ભણવાની ભાષા કઈ હશે ?'
'ચિત્રલિપિ' ડિંગ-હાંક-તૂ કહે : 'છમ્ભ કે હ્ય્દ્ધદ્વક્નકે દ્વઝશ્નઙ્મબધાં અક્ષરો છે. અક્ષરો દઈએ કે ઝટ શીખી જાય : ઝાડ, ફૂલ, ફળ, પાંદડાં, માંસ, પાંન્ડા.'
પૂછનારાઓએ પાછું પૂછ્યું : અહીં, વળી ઝાડ, ફૂલ, ફળ, પાંદડાં, વાંસ બધું છે જ ક્યાં ?
ડિંગ- હાંક- તૂ કહે : 'બગીચો બનાવવાનો ક્યારનો શરૂ કરી દીધો છે. લગભગ તૈયાર છે. એ બગીચાનું નામ આપ્યું છે. હાંક- તૂ-ડિંગ ગાર્ડન એ નામ પાઠશાળા સાથે બંધ બેસતું આવે છે. પાઠશાળાનું નામ છે. તૂ-ડિંગ-હાંક'
લા-ભલાના નાગરિકોને કંઈ પૂછ્વું હતું. પણ ડિંગ-હાંક-તૂ તો વધુ ને વધુ ઇમારતો બનાવતો જ ગયો. પૂલ, નાળા, કચેરીઓ, કેબિનો, શોપીંગ- સેન્ટર, બસ-સ્ટોપ, હોસ્પીટલો, ગ્રામદ્યોગો ! અરે ગામને નગરમાં ફેરવી નાખ્યુંં. ચારે બાજુ કાંટાંળી વાડ ઉભી કરી દીધી, ચીનની દીવાલ જેવી બીજી દીવાલે ય ચણાવા લાગી.
લા-ભલાના મૂળ નાગરિકો ખળભળ્યા : 'જાવ અહીંથી, આ બધું અમારૂં છે. આમાંનું કંઈ જ તમારૂં નથી.'
ડિંગ-હાંક- તૂ કહે : આપણે વાટાઘાટો કરીએ.
ચાલો કહો જોઈએ : આ ગામની શેરી સડકો સફાઈ કોણે કરી ? કૂવા વાવ તળાવ સરોવરનું નિર્માણ કોણે કર્યું ? અહીં ધર્મશાળા પાઠશાળા બાગબગીચા કોણે બનાવ્યા ? અહીંનું રક્ષણ કોણ કરે છે ? તમે ?
'ભલેને તમે બનાવ્યા પણ તમને કોણે એ બધું બનાવવાનું કહ્યું હતું ?' મૂળ વતનીઓ રોષમાં પૂછવા લાગ્યા.
ડિંગ કહે : 'તમે ના પણ ક્યાં પાડી હતી ? તમે મૌન શાંત ચૂપ રહ્યા, જોઈ રહ્યાં, જોતાં રહ્યાં, એટલે અમને લાગ્યું કે એ તમારી જરૂર છે. તમારી મંજૂરી છે. તમારૂં મૌન તમારી પરવાનગી સમજીને અમે કામ આગળ વધારવા જ લાગ્યા. હવે જુઓ અમારા દેશથી અહીં સુધીની પાક્કી સડક બની રહી છે.'
'તમે જાવ, પુરાણી લા-ભલાની પ્રજાએ કહ્યું : નહિ તો અમે યુધ્ધ કરીશું.'
ડિંગ- હાંક તૂ એ ચારે બાજુ જોવા કહ્યું, ચારે બાજુ ચીની લશ્કર ટેન્કો તોપો સહિત ગોઠવાઈ ગયું હતું. હેલિકોપ્ટર માટે હેલિ-પેડ બન્યા હતા, લડાયક વિમાનો માટે હવાઈ- મથકો ય તૈયાર થઈ ગયા હતા.
'મા !' 'ડિંગ-હાંક-તૂ એ પોતાની માતાને પૂછ્યું.'
'મા! મેં જે કર્યું. તે બરાબર જ કર્યું ને ?'
માતા કહે : 'હું તારે માટે આપણાં પ્રિમિયરનો હુકમ લાવી છું. સમ્રાટે તેને દેશ-વિકાસ-મંત્રીનો ખિતાબ આપ્યો છે. તને વિદેશખાતાનો પ્રધાન નિયુક્ત કર્યો છે. અને હવે તારે બીજે મોરચે જવાનું છે. આ કામ તો એની મેળે ચાલ્યા જ કરશે. એમની મંત્રણા, આપણી યંત્રણાં. આજે આખો દેશ તારા પાઠ ભણી રહ્યું છે કે જે ડિંગ- હાંકવાથી થઈ શકે છે તે બીજી કોઈ રીતે થઈ શક્તું નથી. બાળકો પ્રેરણા લો અને બનતા રહો- ડિંગ-હાંક-તૂ !'
અહીંના લા-ભલાના પુરાણા નાગરિકો ટોળે વળીને વિચારતા હતા : જે પહેલો ઉપકાર લીધો અને મૌન રહ્યા ત્યારથી જ આપણી દશા શરૂ થઈ. કહો ને !
તમને ડહાપણ આવ્યું.
તેમણે ડહાપણ ઉચ્ચાર્યું.
ના લેશો ઉપકાર કોઈનો ના લેશો ઉપકાર
ઉપકાર એવું બંધન છે ને બોજ છે ઉપકાર
ઉપકાર કરડું દેવું છે ને થપાટ છે ઉપકાર
ઉપકાર વિપત્તિ વેગન છે ને ડ્રેગન છે ઉપકાર
ઉપકાર એક સુનામી છે ને ગુલામી છે ઉપકાર
હા ઉપકાર, હઠ ઉપકાર જા ઉપકાર, ભાગ ઉપકાર.