વીરપસલીમાં વચન .
આંસુથી ભરાયેલ આંખ, રૂંધાયેલ કંઠ અને મોઢાંમાં પ્રવેશતો બહેનની પ્રસાદીનો મીઠો મીઠો પેંડો. શાંતુની દશા, શાંત ન થઈ શકે તેવી હતી
પિંકી દર્શને આવી હતી. પણ આ નવી જાતનું તીર્થધામ હતું. આ જેલ હતી. અહીં કેદીઓ વસતા હતા. પોતપોતાની સજા ભોગવતા અને પછી બહાર આવી જતા.
જેલમાં કેદીઓને કામ કરવું પડે, આડાઈ કરે તો માર પડે! ભાઈ સજા એટલે સજા, પણ તેમ છતાં ક્યારેક રમત-ગમત, ભજન-કીર્તન, ધ્વજવંદન બધું જ ખરું.
કેદી સમજે તો આ પ્રાયશ્ચિતગૃહ છે. અહીં પાપનો પસ્તાવો કરી કેદી શુદ્ધ થઈ શકે છે. કરેલા ગુનાની સજા ન મળે એ પણ સારું નથી જ.
પિંકીએ જોયું તો બધા કેદીઓ દેવ જેવા હતા. બધાના ચહેરા પર અફસોસ હતો. 'મેં આવું શું કામ કર્યું? મેં આવું શું કામ કર્યું' - ના ભાવ હતા.
પણ પિંકી તો શાંતુને શોધતી હતી. શાંતુ એની ઉંમરનો જ છોકરો હતો. એની નજર સમક્ષ એને મારી મારીને લઈ જવામાં આવ્યો હતો. પછી પિંકીને ખબર પડી કે શાંતુને સજા થઈ છે, તે આ જેલમાં સજા ભોગવે છે.
શાંતુ આમ તો ગામડાનો છોકરો. મા-બાપ મરી ગયાં તો કાકા-કાકીને માથે પડયો. બંને જણાં મારી મારીને તેની પાસે કામ કરાવે. ખાવા-પીવાનું આપે કે ન પણ આપે. ભણવા-ગણવાની તો વાત જ નહિ. એ જે કંઈ કરે તેમાં તેને અપમાન જ મળે.
શાંતુ ગામડેથી ભાગી છૂટયો. શહેરમાં આવ્યો. ત્યાં ભૂખે મરવા લાગ્યો. નાનીમોટી ચોરી કરી પેટ ભરી લેતો - ચોરની જેમ. આખી દુનિયાથી તે નાસતો ફરતો. તેને બધાંનો ડર લાગતો.
એક વખતે તેને હોટલમાં નોકરી મળી ગઈ. તે સારી રીતે કામ કરવા લાગ્યો. પણ નસીબ આડું, બીજું શું? તે ખાણાની ટ્રે લઈ જતો હતો અને એક રઘવાયો ઘરાક અથડાઈ પડયો. વાંક પેલા ગ્રાહકનો જ હતો. પણ તે સહેજ અમીર હતો. બધાએ ભેગા થઈને શાંતુને માર માર્યો. હોટલમાલિકે સજા રૂપે પગાર ન આપ્યો, ખાવા ન આપ્યું. ફૂટેલાં કપરકાબી-બાઉલથાળની કિંમત વસૂલ કરી.
શાંતુ હવે રહી શક્યો નહિ, વીફરી બેઠો, તેણે ગલ્લા પર હાથ માર્યો. ખાવાનું ઝૂંટવી લીધું. માલિકે 'ચોર ચોર'ની બૂમો પાડી. પોલીસ આવી. જાતજાતની કલમો લાગી. કોણ જાણે કયા કયા ગુનાઓ ફટકારાયા. શાંતુને જેલ થઈ.
શાંતુને જ્યારે મારીને ઘસડીને લઈ જવાતો હતો ત્યારે પિંકી ત્યાં હતી. તે એ દ્રશ્ય ભૂલી શકી ન હતી. પિંકીના પિતા જેલ-ઇન્સ્પેક્ટર હતા. વખતોવખત તેઓ જેલની તલાશીએ આવતા. આજે પિંકીએ જીદ કરી અને પપ્પાજીએ સ્વીકારી લીધું. તેને સાથે લીધી.
રક્ષાબંધનનો દિવસ હતો. જેલના કેદીઓએ તે પૂરા ભક્તિભાવથી ઊજવ્યો. ભાઈબહેનના સ્નેહનાં કંઈક ગીતો ગવાયાં. બધા કેદીઓની આંખમાં આંસુઓ હતાં.
સેવાકાર્યમાં લાગેલી સેવાભાવી બહેનોએ, આ તમામ કેદીઓને રાખડી બાંધી. પિંકીએ શાંતુને કહ્યું: 'હાથ આગળ કરો, શાંતુભાઈ!'
શાંતુએ હાથ આગળ કર્યો. પિંકી રક્ષા બાંધતી વખતે કહેતી હતી: 'મારે કોઈ ભાઈ નથી, શાંતુભાઈ!'
'મારેય કોઈ બહેન નથી પિંકીબહેન...'
'આજથી તું મારો ભાઈ બની રહેશે, બનશે ને? જો જે મારો ભાઈ બનજે. હું બધાં સાથે તારી હિંમતથી ઓળખાણ કરાવી શકું એવો...'
શાંતુની આંખોમાંથી ઝરઝર ગંગાજળ વહી જતાં હતાં. અને આ દ્રશ્યમાં પિંકીના પપ્પા ય સામેલ થયા. તેઓ કહે: 'પિંકી! ભાઈને મીઠાઈ નહિ ખવડાવે કે?'
આંસુથી ભરાયેલ આંખ, રૂંધાયેલ કંઠ અને મોઢાંમાં પ્રવેશતો બહેનની પ્રસાદીનો મીઠો મીઠો પેંડો. શાંતુની દશા, શાંત ન થઈ શકે તેવી હતી.
તે કહે: 'બહેન! બહેન!! પણ આજે વીરપસલી રૂપે આપવા મારી પાસે કંઈ નથી, કંઈ જ નથી.' 'છે', પિંકીએ કહ્યું 'છે. તું મને વચન આપ કે તું બહાર નીકળીને એકદમ અચ્છો માનવી બનશે. તું બહાર આવે પછીની તારી બધી જવાબદારી અમારી. કેમ પપ્પા?'
પિંકીના પપ્પાજીએ વહાલપભરી રીતે માથું હલાવ્યું. શાંતુ કહે: 'બહેન! આજથી હું પ્રતિજ્ઞાા કરું છું, કે હું સારો માણસ બનીશ. ઊંચો ભાઈ બનીશ. આ મારું રક્ષાબંધનના પર્વે તને વચન છે.'
શાંતુના હાથની ચળકતી રાખડી પર તેની આંખનાં ચળકતાં અમૃતબિંદુ ટપકીને અનેરો ચળકાટ ઊભો કરતાં હતાં. પિતા-પુત્રીય ખુશ હતાં.