Magazines

પ્રાણી એકતા ઝિન્દાબાદ .

By GS TEAM
22 May 20263 mins read
પ્રાણી એકતા ઝિન્દાબાદ                            .

- સવારે જ્યારે ચિત્તો તળાવે પાણી પીવા જતો હતો, ત્યારે વનુ વાંદરાએ ઝાડની નીચેની ડાળી પરથી લબડીને ચિત્તાને જોરથી એક લાફો મારી દીધો! ચિત્તો ગુસ્સાથી છલાંગ મારી વનુને પકડવા દોડયો.

- અર્જુનસિંહ કે. રાઉલજી 

કોણ જાણે ક્યાંથી એ દેવગઢ વનમાં એક મોટો, વિશાળકાય, મોટા મોટા દાંતવાળો, ભયાનક આંખો અને દેખાવવાળો ચિત્તો આવી ગયો હતો. તે ત્રાડો પાડીને જે પશુ સામે મળે તેનો શિકાર કરી નાખતો હતો અને ઘડીના છઠ્ઠા ભાગમાં તો પોતાનાં મોટાં મોટાં જડબાં ફાડી ખાઈ જતો હતો. આખા જંગલનાં પ્રાણીઓ તેનાથી ડરવા માંડયાં હતાં. અરે! એ તો ઠીક પણ જંગલનો રાજા સિંહ પણ આ ચિત્તાને જોઈ ગુફામાં પેસી જતો હતો, પછી બીજાં પ્રાણીઓની તો વાત જ શી કરવી?

તે દિવસે શોનુ સસલું તેના રસ્તામાં આડું ઉતર્યું કે તેણે ત્રાડ પાડી. શોનુ તો થથરી ગયું અને ઝટપટ પાસેની ઝાડીમાં લપાઈ ગયું. હરી હાથી પણ તેને જોઈને ડરીને ભાગી ગયો હતો. આકાશમાં ઊડતાં કાગડા-ચકલાં અને બીજાં પક્ષીઓ પણ તેની ઉપરથી ઊડવાની હિંમત કરતાં નહોતાં. ટૂંકમાં, આખા જંગલમાં જાણે કે કર્ફ્યુ જેવી હાલત થઈ ગઈ હતી! વનુ વાંદરો પણ ચિત્તાના ઘૂરકિયાથી બીકનો માર્યો છેક ઉપરની ડાળી પર લપાઈ ગયો હતો.

ત્યાં શ્યામ શિયાળ નીકળ્યું એટલે ચિત્તાએ તેના પર તરાપ મારી. જો શ્યામ સાવચેત ન હોત તો તે ઘડોલાડવો થઈ ગયું હોત! શ્યામ શિયાળ ઘડીભર તો ખુંખાર ચિત્તા સામે તાકી જ રહ્યું અને પછી તેણે મનોમન નક્કી કર્યું કે આ જંગલી ચિત્તાને પાઠ ભણાવવો જ પડશે. તેણે તે દિવસે સાંજે જ આખા જંગલનાં પ્રાણીઓની સભા બોલાવી. સભાને સંબોધતાં શ્યામે કહ્યું, 'જો આપણા બધામાં એકતા હોય તો આપણે ગમે તેવા ખુંખાર જાનવરને પણ ભગાડી શકીએ છીએ!' 

બધાં પ્રાણીઓએ તેની વાતમાં સંમતિ આપી અને એક પ્લાન ઘડી કાઢયો.

બીજા દિવસે સવારે જ્યારે ચિત્તો તળાવે પાણી પીવા જતો હતો, ત્યારે વનુ વાંદરાએ ઝાડની નીચેની ડાળી પરથી લબડીને ચિત્તાને જોરથી એક લાફો મારી દીધો! ચિત્તો ગુસ્સાથી છલાંગ મારી વનુને પકડવા દોડયો. વનુ સાવચેત હતો, તે કૂદકો મારી ભાગ્યો. વનુ ચિત્તાને એક ચોક્કસ જગ્યાએ લઈ જવા માંગતો હતો. એ જંગલનું એક વિશાળ દલદલ હતું. કાદવ-કીચડનું એવું તળાવ કે જેમાં એકવાર ફસાયા પછી નીકળવું મુશ્કેલ હોય.

દલદલના કિનારે આવી વનુ વાંદરાએ વડના ઝાડ પર કૂદકો માર્યો, પણ પાછળ આવતો ચિત્તો દલદલમાં ફસાઈ ગયો. જંગલનાં બાકીનાં પશુ-પક્ષીઓ તૈયાર જ હતાં. આકાશમાંથી કાગડા, કોયલ અને ચકલીઓ ચિત્તા પર તૂટી પડયાં અને ચાંચો મારવા લાગ્યાં. કિનારે બેઠેલાં સસલાં, શિયાળ અને હરણાં ચિત્તા પર ધૂળ છાંટવા લાગ્યાં. આંખોમાં ધૂળ જવાથી ચિત્તાને દેખાતું બંધ થઈ ગયું. હાથીભાઈએ પણ સૂંઢમાં રેતી ભરી ચિત્તા પર નાખવા માંડી.

ચિત્તો ત્રાહિમામ્ થઈ ગયો અને માફી માંગવા લાગ્યો, 'મને માફ કરો! હવે હું કોઈનો શિકાર નહીં કરું અને આ જંગલ છોડી ચાલ્યો જઈશ.' 

પ્રાણીઓને તેની દયા આવી, એટલે હાથીભાઈએ મોટું દોરડું નાખી તેને ખેંચીને બહાર કાઢયો. ચિત્તો તરત જ જંગલ છોડીને ચાલ્યો ગયો અને પ્રતિજ્ઞાા લીધી કે તે કોઈને હેરાન નહીં કરે. બધાં પ્રાણીઓએ ભેગાં થઈ બૂમ પાડી,

'પ્રાણી એકતા ઝિન્દાબાદ!'