- મોટા થવાની અને મોટાની જેમ કામ કરવાની વાત સાંભળીને બીલીના બીમાર શરીરમાં પણ ઉત્સાહનો ફુવારો ઉડવા લાગ્યો. તેણે કહ્યું, 'મમ્મી, હું એકલો હોઉં છુ ત્યારે હંમેશાં મારા મનમાં વિચારો આવે છે, કે મોટો થઈને હું ફાયરમેન બનીશ...'
- સાંકળચંદ પટેલ
માતા મૅરીની ચિંતાનો કોઈ પાર નહોતો. નાનકડો છ વર્ષનો બીલી હોસ્પિટલના પલંગમાં સૂઈ રહ્યો હતો. માતા પલંગ પાસે સ્ટૂલ પર બેસીને તેને જોઈ રહી હતી. કોઈક વાર શ્વાસ લેવામાં તેને તકલીફ થતી ત્યારે તેની ગરદન બે ત્રણ વાર આમતેમ ફરી જતી હતી.
ડૉક્ટરોએ પુરેપૂરી તપાસ કરીને કહ્યું હતું, 'બિમારી બહુ આગળ વધી ગઈ છે, હવે તે થોડા જ દિવસોનો મહેમાન છે.'
ડૉક્ટરોએ આ વાત કહી હતી અને 'બ્લડ કેન્સર' રોગનું નામ કહ્યું હતું. બીલીની મમ્મી મૅરીની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે બીલીના પલંગની પાસે ને પાસે બેસી રહેતી હતી અને તેને ખુશ રાખવા માટે શું કરવું જોઈએ તે વિચાર્યા કરતી હતી.
બીલી જાગી ગયો એટલે મેરી પ્રેમથી તેના સોનેરી વાળમા હાથની આંગળીઓ ફેરવવા લાગી. પછી સ્નેહથી તેને પૂછ્યું, 'બેટા, મોટા થઈને તારે શુ ંબનવું છે, એ તો કોઈ વાર તને વિચાર આવ્યો છે?'
મોટા થવાની અને મોટાની જેમ કામ કરવાની વાત સાંભળીને બીલીના બીમાર શરીરમાં પણ ઉત્સાહનો ફુવારો ઉડવા લાગ્યો. તેણે કહ્યું, 'મમ્મી, હું એકલો હોઉં છુ ત્યારે હંમેશાં મારા મનમાં વિચારો આવે છે, કે મોટો થઈને હું ફાયરમેન બનીશ.'
પુત્રની વાત સાંભળીને માતા મૅરી જરાક હસી અને પછી બોલી, 'હા બેટા, તારું આ સપનું પુરું થાય તે માટે જે કરવું પડે તે બધું જ હું અવશ્ય કરીશ.'
મધ્યાહ્નના સમયે બીલી ઊંઘી ગયો ત્યારે તેની દેખભાળ રાખવાનું કામ નર્સને સોંપીને, મૅરી શહેરના ફાયર ડિપાર્ટમેન્ટમાં પહોંચી ગઈ. ત્યાંના મુખ્ય ફાયરમૅન હતા મિસ્ટર બૉબ. મૅરીએ બોબને મળીને બીલી વિશેની બધી હકીકત કહી સંભળાવી, અને તેની ઇચ્છા પણ જણાવી. પછી વિનંતી કરતાં તેણે કહ્યું, 'મારા બીલીને ફાયર ગાડીમાં બેસીને આ ફાયર સ્ટેશનની આજુબાજુ એક ચક્કર મારવાનું મળશે તો તેને ખૂબ જ આનંદ થશે, બૉબ સર!'
બૉબ બહુ ભલા હતા અને ઉદાર દિલના હતા. તેમણે ઉત્સાહભેર કહ્યું, 'આપણે એનાથી પણ કાંઈક વધારે કરીએ. એક ચક્કર મારવાથી તેને સંતોષ નહીં થાય. જુઓ, તમે એક કામ કરજો. અમે તેને આખા દિવસ માટે ઓનરરી ફાયરમેન બનાવીશું. તે અમારી સાથે ફાયર સ્ટેશનમા આવીને રહેશે. અમારી સાથે જમશે અને ફાયરકૉલ આવે, તેમાં અમે જ્યાં જઈશું ત્યાં તે પણ અમારી સાથે જ રહેશે. અને...'
બૉબની વાત સાંભળીને મેરી ગળગળી થઈ ગઈ હતી, ત્યાં બોબે આગળ કહ્યું, 'અને જો તેના શરીરનું માપ આપો તો અમે આજે ને આજે તેના માપનો યુનિફોર્મ પણ સિવડાવી દઈશું. અને એક ફાયરહૅટ પણ તેને આપીશું. તે હૅટ અસલી હશે, અમારા ડિપાર્ટમેન્ટના અસલી સ્ટિકર સાથેની. અને આવા યુનિફોર્મમાં બીલી અસલી ફાયરમેન દેખાશે, હા...! તો બીલીની મમ્મી, આ બુધવારે સવારે સાત વાગે બીલીને તમે તૈયાર રાખજો, અમે તેને લેવા માટે આવીશું.'
ઑફિસર બોબે પોતાની વાત પૂરી કરી ત્યારે બીલીની મમ્મી મૅરી તો સાંભળીને સંપૂર્ણ અભિભૂત થઈ ગઈ હતી. લાગણીથી તેણે કહ્યું, 'બોબ સર, તમે અમને કેટલી બધી ખુશી આપી છે. હું તેનો આભાર કઈ રીતે માનું !'
'મને પણ આ કામ માટે ખુશી થઈ રહી છે.' બોબે કહ્યું.
બુધવાર આવી ગયો. ફાયરબ્રિગેડની ગાડી આવીને બીલીને ફાયર ડિપાર્ટમેન્ટમાં લઈ ગઈ. ત્યાં બીલીને યુનિફોર્મ પહેરાવ્યો. માથે હૅટ પહેરાવી. અને પછી સીડી તથા દોરડાવાળી ફાયર ગાડીમાં બેસાડીને તેને આખો દિવસ તેમણે પોતાની ગાડીમાં રાખ્યો.
તે દિવસે આગ લાગવાના ત્રણ કૉલ આવ્યા હતા. ત્રણેય વખતે જુદા જુદા પ્રકારની કામગીરી બતાવવા માટે બીલીને જુદી જુદી ગાડીમાં બેસાડયો હતો. પોતાનું સપનું આટલી સરસ રીતે અને સરળતાથી પાર પડી રહ્યું હતું તેની અનુભૂતિએ બીલીને નવું જીવનદાન આપ્યું હતું. હોસ્પિટલમાં હવે ડૉક્ટરો, નર્સો અને બીજાં બધાં તેનાં દોસ્ત બની ગયાં હતાં.
ત્રણ મહિના પસાર થઈ ગયા હતા. એક રાતે બીલીની તબિયત લથડવા લાગી હતી. પરિસ્થિતિની ગંભીરતા જોઈને હૉસ્પિટલ તરફથી તેના પરિવારને તથા ફાયર ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવી હતીઃ 'બીલીના જીવનનો અંતિમ સમય આવી ગયો છે !'
તરત જ ફાયર સ્ટેશનમાંથી બોબનો જવાબ આવ્યો હતો, 'અમે આવી રહ્યા છીએ. બીલીના રૂમની બારી ખુલ્લી રહે એટલું કામ તમે કરજો.'
થોડીક જ ક્ષણોમાં ફાયરમેનનો સોળ જણનો કાફલો ગાડી લઈને આવી પહોંચ્યો. તેમણે બીલીના રૂમની બારી સુધી સીડીને લંબાવી. પછી બધા તેના પર ચઢી ગયા, અને પછી બારીમાં થઈને અંદર તેના પલંગની આસપાસ ગોઠવાઈ ગયા. તેમને જોઈને બીલી આશ્ચર્યચકિત થઈ ગયો. પછી આનંદ પામીને તેણે પોતાનો નોનકડો હાથ આલિંગન માટે લંબાવ્યો. બોબે ડૉક્ટરની સામે જોયું. ડૉક્ટરે આંખના ઇશારાથી તેમને આલિંગનની અનુભૂતિ આપી. પછી બધાએ વારાફરતી બીલીને આલિંગન આપ્યું.
બીલીના શ્વાસ ધીમા પડી રહ્યા હતા. છતાં પણ ચહેરા પર સ્મિત લાવીને તેણે બોબને પૂછ્યું, 'સર, હવે તો હું ફાયરમેન છું ને?'
'હા દીકરા, તું સાચો ફાયરમેન જ છે!' બોબે કહ્યું.
અને એ સાંભળીને બીલીના મુખ પર એક અકળ શાંતિ પથરાઈ ગઈ.
(સત્ય ઘટના પર આધારિત)


