- 'તમારે બંનેએ તમારા એક પંજાથી ઈંટને તોડવાની છે. જે પહેલાં તોડી દેશે તે વધુ શક્તિશાળી ગણાશે અને તે પહેલા નંબરનો રાજા ગણાશે.'
- ઇશા ઠક્કર
એક હતું ચંપક વન. તેમાં વાઘ, સિંહ, શિયાળ, ઝીબ્રા, હરણ, સસલા, વરુ એમ ઘણાં પ્રાણીઓ અને પંખીઓ હળીમળીને રહેતાં હતાં. આ ચંપક વનમાં વાઘ અને સિંહ એમ બે રાજા હતા. શિયાળ એમનો મંત્રી અને ઝીબ્રા એક આગળ પડતો દરબારી.
વાઘ, સિંહ, શિયાળ અને ઝીબ્રા - આ સૌની બોડ બાજુ બાજુમાં હતી. એક દિવસ સવારે શિયાળને મસ્તી સુઝી. તે પોતાની બોડમાંથી બહાર આવીને સિંહની બોડ પાછળ જઈને ઉભો રહ્યો. થોડી આગળ જઈ તે ડોકિયાં કરવા લાગ્યો. એને જાણવું હતું કે અંદર શું ચાલી રહ્યું છે. એણે જોયું કે, સિંહની બોડમાંથી સિંહ અને વાઘની બોડમાંથી વાઘ બહાર આવીને વાતો કરે છે. 'આપણા બેમાંથી પહેલા નંબરનો રાજા કોણ ?' સિંહ કહે - હું. વાઘ કહે - ના, તું નહીં, હું. એમ કરતા કરતા બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ.
આ જોઈ શિયાળને એક યુક્તિ સુઝી અને તે બહાર આવ્યું અને બોલ્યો, 'શાંત! હું તમારી સમસ્યાનો ઉકેલ લાવીશ.'
વાઘ ઉતાવળો થઈ ગયો, 'જલ્દી બોલ, જલ્દી બોલ, શું ઉકેલ છે?'
શિયાળ કહે, 'અરે રાજાજી, કહું છું... કહું છું... શાંતિ તો રાખો!' પછી આગળ આવીને કહ્યું, 'હું તમને બંનેને એક-એક ઇંટ આપું છું. તમારે બંનેએ તમારા એક પંજાથી ઈંટને તોડવાની છે. જે પહેલાં તોડી દેશે તે વધુ શક્તિશાળી ગણાશે અને તે પહેલા નંબરનો રાજા ગણાશે.'
વાઘ અને સિંહ બંને માની ગયા.
શિયાળ બે એકસરખી ઈંટો લઈ આવ્યો અને વાઘ-સિંહની સામે રાખી. બંને જણાએ એક જ વખતમાં ઇંટના બે ભાગ કરી નાખ્યા. શિયાળે કહ્યું, 'હવે આ નાના ભાગના ફરીથી બે ભાગ કરવાના છે. જે જલ્દી કરશે તેને આપણે શક્તિશાળી ગણીશું.'
ફરીથી બંનેએ સાથે જ ભાગ કર્યા.
હવે શું કરવું? શિયાળને બીજો ઉપાય સૂઝયો. એ કહે, 'હું વજન કાંટો લાવું છું, જેનું વજન વધારે આવશે તે વધુ શક્તિશાળી ગણાય અને તે પહેલા નંબરનો રાજા ગણાશે.'
વાઘ-સિંહ માની ગયા. શિયાળ વજનકાંટો લઈ આવ્યો. બંનેનું વજન કર્યું. વાઘનું વજન વધારે આવ્યું એટલે શિયાળે જાહેર કર્યું કે, 'વાઘ અને સિંહમાં વાઘનું વજન વધારે આવ્યું છે, એટલે વાઘ પહેલા નંબરનો રાજા ગણાશે.'
આ સાંભળી સિંહને ખૂબ ખોટું લાગ્યું અને તે જ ઘડીએ તે ચંપકવન છોડીને જતો રહ્યો.
બસ, ત્યારથી કદી વાઘ અને સિંહ એક જંગલમાં સાથે જોવા મળતા નથી. જે જંગલમાં વાઘ હોય ત્યાં સિંહ ના રહે અને સિંહ હોય ત્યાં વાઘ ના રહે!


