અંધારાની અંદર પ્રકાશ .

- આજે પહેલીવાર તેનાં મન-શરીરને અત્યંત હળવાશનો અનુભવ થયો. જાણે કેમ બધા પ્રશ્નોના જવાબો મળી રહ્યા હોય! પરંતુ અચાનક... તેણે અનુભવ્યું કે તે કોઈ અંધારી ગુફામાં ગબડી પડી છે...
- 'અંદરની નકારાત્મક ઊર્જાને બહાર કાઢવી અને નવી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જગાવવો - એ જ ઘ્યાન છે.'
- યશસ્વી
હજુ વેકેશન પડયું નહોતું ત્યારની આ વાત છે. સેન્ટ થોમસ સ્કૂલનું ગ્રાઉન્ડ આજે વિદ્યાર્થીઓથી ખચાખચ ભરેલું હતું. આજે યોગાભ્યાસ શીખવા માટે બધા સવારે સાત વાગ્યે જ ગ્રાઉન્ડમાં ભેગા થઈ ગયા હતા. એક સરે આજના કાર્યક્રમની જવાબદારી સંભાળી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંબોધિત કર્યા અને હળવી એક્સરસાઈઝ તથા સ્ટ્રેચિંગ વડે યોગાભ્યાસની શરૂઆત કરાવી.
પછી પ્રસિદ્ધ યોગગુરુ આચાર્ય બ્રહ્મભટ્ટે એક ટૂંકું વક્તવ્ય આપ્યું, જેમાં તેમણે ધ્યાનના મહિમાનું વિસ્તારથી વર્ણન કર્યું. એક છોકરી હતી - સાયરા. એને આ બધામાં ખાસ રસ નહોતો, છતાં ધ્યાન વિશે સાંભળીને તેને ધ્યાન કરવાનું મન થયું. બહારથી હસમુખી અને ખુશ દેખાતી સાયરા અંદરથી ઉદાસ હતી. તેની ભીતર ઉદાસીનતાનાં વાદળો રોજ વરસતાં હતાં. ગુરુજીએ કહ્યું હતું, 'અંદરની નકારાત્મક ઊર્જાને બહાર કાઢવી અને નવી સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જગાવવો - એ જ ઘ્યાન છે.'
આ વિચારોથી પ્રેરાયેલી સાયરા સાંજના સમયે ઘરની અગાસી પર ગઈ. ત્યાં શાંતિ છવાયેલી હતી. વિવિધ પ્રકારનાં ફૂલોનાં કુંડાઓમાંથી સુંદર સુગંધ આવતી હતી. તેણે પલાઠી વાળી, તર્જની આંગળી અને અંગૂઠાને જોડીને હાથ ઘૂંટણ પર મૂક્યા. હળવેથી આંખો મીંચી અને મસ્તિષ્કના કેન્દ્રબિંદુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું - જ્યાં છોકરીઓ બિંદી લગાવે છે, એ સ્થાન પર.
આજે પહેલીવાર તેનાં મન-શરીરને અત્યંત હળવાશનો અનુભવ થયો. જાણે કેમ બધા પ્રશ્નોના જવાબો મળી રહ્યા હોય! પરંતુ અચાનક... તેણે અનુભવ્યું કે તે કોઈ અંધારી ગુફામાં ગબડી પડી છે... તે ચીસો પાડી રહી હતી પણ અવાજ બહાર નહોતો આવતો. અને પછી, તે એક અજાણ્યા છતાં દિવ્ય ઉજાસવાળા દરવાજાની આગળ આવીને ઊભી રહી... એ બીજું કશું નહોતું - એ તેનું પોતાનું મન હતું.
સાયરાએ ક્યારેય કોઈના માટે ખરાબ વિચાર્યું નહોતું. એ જ કારણ હતું કે તેનું અંતરમન દિવ્ય પ્રકાશમાં ચમકતું હતું. તે ખુશ થઈ ગઈ. થોડી પળો પછી સાયરા ધ્યાનમાંથી બહાર આવી ગઈ. હવે તે પહેલાં જેવી રહી નહોતી. તેના પર ઉદાસીનતાનો ભાર નહોતો. હવે તે શાંતિ અનુભવી રહી હતી.
તેના મનમાં ગુરુજીએ કહેલી છેલ્લી વાત ગુંજી રહી હતી- 'સહેલું નથી હોતું પોતાની જાતને શોધવી... 'સ્વ'ને શોધતાં પહેલાં પોતાની જાતને ગુમાવવી પડે છે...'
કેટલી સુંદર વાત!
સાયરાએ હાથ જોડીને ગુરુજીને ધન્યતાપૂર્વક યાદ કર્યા અને મનોમન એમને વંદન કર્યા.









