Get The App

ચાલો ચાંદામામાના દેશમાં .

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
ચાલો ચાંદામામાના દેશમાં                             . 1 - image

- બન્ને તારલિયાના દેશમાં આમ તેમ ઉડવા લાગ્યાં. તેઓ પહોંચ્યાં તારાઓ પાસે. પરી બોલી. 'તારાઓ, આ પતંગિયું - ચાંદામામાના ભાણા છે. આપણા સૌના ભાણાભાઈ. મામાના મહેમાન એટલે આપણા સૌના મહેમાન.'

ભરત પંચોલી

એક હતું પતંગિયું. તે નાનું હતું પણ તેનામાં હિંમત ભારે. પતંગિયાની મમ્મી રોજ રાત્રે એને જુદી જુદી વાર્તાઓ કહે ત્યારે જ તે સુવે. તેમાંય તે તેની મમ્મીને ચાંદામામાના દેશ વિશે વાર્તા કહે ત્યારે તેને તે સાંભળવાની ખૂબ મઝા પડતી. તે મમ્મીને કહે,'મમ્મી, તું મને રોજ ચાંદામામાની વાર્તા કહેજે હાંે!'

વાર્તા સાંભળીને પતંગિયું બોલ્યું, 'મમ્મી, હું ચાંદામામાનો દેશ જોવા જઈશ.' મમ્મીએ કહ્યું, 'એતો ખૂબ દૂર દૂર, આકાશમાં દૂર હોય છે. તારાથી ત્યાં ના જઈ શકાય!'

'મમ્મી, હું આકાશમાં ખૂબ ઊંચેઊંચે ઉડીશ...'  

મમ્મી કહે,'બેટા, તું બહુ નાનો છે. ઉડવાનું તારું કામ નહીં.'

પતગિયું બોલ્યું,'ભલે હું નાનો છું, પણ આકાશમાં ઉડીશ જ.' એમ કરી પતંગિયાએ પાંખો હલાવી અને એ સૂરર... સર... કરતું આકાશે ઉડયું અને થોડીવારમાં દેખાતું બંધ થયું.

પતંગિયાએ વિચાર્યુ, ચાલને, પહેલાં હું સૂરજ દાદાના ઘરે જાઉ. તેમને મળું. તે ઊંચે ઊંચે ઉડવા લાગ્યું. તે બોલ્યું, 'બાપરે! બાપ્પા... તમેતો ખૂબ ગરમ છો. સૌને દઝાડી દો તેવા છો. મારે તમારા ત્યાં નથી આવવું. હું તો ચાંદામામાને ઘરે જઈશ. આવજો, દાદા. હું જોઈશ ચાંદામામાનો દેશ.' 

પતંગિયું ઊડયું ફરફર... સૂરસૂર..

પતગિંયુ તો પહોચ્યું ચાંદામામાના ઘરે. 

હું નાનું પતંગિયું. આવ્યું છું મામાના ઘરે... 

ચાંદામામાએ આવકાર આપ્યો, 'ભલે પધાર્યા પતંગિયા ભાણા...'

પતંગિયું કહે, 'તમે તો ખૂબ સુંદર છો. ગોળ ગોળ થાળી જેવા. તમે લોકોને ઠંડક આપો છો. મામા તમે મને ખૂબ ગમો છો!'

ચાંદામામા બોલ્યા,'ભાણાભાઈ રમજો, જમજો, મઝા કરજો. ફાવે તેટલું અહીં રહેજો.' 

ચાંદામામાએ ત્રણ તાળી પાડી ત્યાં એક પરી ઉડતી ઉડતી આવી. ચાંદામામાએ કહ્યું 'પરી, આ મારો પતંગિયો ભાણો છે. તેમને આપણા તારલિયાનો દેશ બતાવ.'

પરી અને પતંગિયું બન્ને ઊંડયાં અને પહોંચ્યાં તારલિયાના દેશ. પતંગિયું કહે, ''આપણે બન્ને પાકા દોસ્તાર. તારેપાંખો છે, મારે પણ પાંખો. ચાલો, આપણે દૂર દૂર ઉડીએ. હું થાકીશ નહીં. પણ પરી, તારે બહુ ઝડપથી ઊડવું નહીં. હું હજુ નાનો છું. તારે મારું ધ્યાન રાખવાનું.'

પરી કહે, 'જરૂર, પતંગિયા. એમ કરને... તું મારા ખભે બેસી જાને. હું તને લઈ જાઉં.' 

'ના રે ના. હું તારા ખભે બેસીને ના ઉડું. હું જાતે જ ઉડીશ. ચાલ ઉડીએ.' 

બન્ને તારલિયાના દેશમાં આમ તેમ ઉડવા લાગ્યા. તેઓ પહોંચ્યા તારાઓ પાસે. પરી બોલી. 'તારાઓ, આ પતંગિયું - ચાંદામામાના ભાણા છે. આપણા સૌના ભાણાભાઈ. મામાના મહેમાન એટલે આપણા સૌના મહેમાન.'

તારલિયા કહે, 'આવો આવો, ભાણાભાઈ, અમારો દેશ જોવો.' 

'તમે કેવા ચમકો છો, કેવા સુંદર લાગે છો! જાણે કે આકાશમાં ટાંકેલા  હીરા-મોતીના ખજાનો!' પતંગિયું બોલ્યું.

'હા,હા... ચાલો, હીરા મોતીના બાગ જોવા જઇએ.' તારલિયા દોડયાં. 

પતંગિયું અને પરી ઉડયાં અને પહોંચ્યાં બાગમાં. ઝગમગાટ, ઝગમગાટ પ્રકાશ થયો. સુંદર સુંદર ફૂલો ખીલ્યાં હતાં. પહાડો, નદીઓ અને ઝરણા આ પહાડો લીલાછમ્મ, નદીઓ કાચ જેવી ચોખ્ખી ચટ હતી. સરસ મઝાનો પવન આવતો હતો. પંખીઓ સુંદર સુંદર અવાજે ગીતો ગાતાં હતાં. આ બીજી ઘણી પરીઓ નૃત્ય કરતી હતી. કોઈ વાંજીત્ર વગાડતી હતી, તો કોઈ ગીત ગાતી હતી. પતંગિયાને આ બધું જોવાની ખૂબ મઝા પડી.

પરી બોલી, 'ભાણાભાઈ, ચાલો. તને હું મારૃં ઘર બતાવું. અમારી પરીઓની દુનિયા બતાવું. ચાલ મારા ઘરે.'

બન્ને પરીના ઘરે પહોંચ્યાં. ભાણાભાઈ તો પરીનું ઘર જોઈને જોઈને સૌ રાજી થયા. પરી પાંખો હલાવે ને પ્રકાશ થાય અને અંધકાર દૂર થાય. પરીઓના કપડાં પણ રેશમી, સોના-ચાંદીના તારથી મઢેલાં. તારાઓના પ્રકાશમાં ખૂબ ચમકે. પરીઓ ખૂબ સુંદર લાગતી હતી.

ત્યાં તો કૂકડો બોલ્યો. અંધકાર દૂર થયો અને સૂરજદાદા આવવાની તૈયારી કરવા લાગ્યા. પતંગિયાને ચિંતા થઈ- સવાર થઈ જશે! મારી મમ્મી મારી ચિંતા કરતી હશે. મારે ઘરે જવું જોઈએ. મમ્મી-પપ્પા અને મારા ભાઈ અને બહેન મારી રાહ જોતાં હશે. 

'હવે મારે ઘરે જવું જોઈએ,' પતંગિયાએ કહ્યું, પછી ઉમેર્યું, 'પરી, તું અમારા ઘરે ચાલ. અમારી મહેમાન બન. આપણે સૌ સાથે રહીશું, ખાઈશું, નાચીશું, કૂદીશું, અને મઝા કરીશું.'

પછી તારલિયાઓને કહે, 'તારલિયાઓ, તમે તો આકાશની શોભા છો. ચાલો, હવે આપણે ચાંદામામાની વિદાય લઈએ.' 

પતંગિયું અને પરી ચાંદામામા પાસે ગયાં. પતંગિયું કહે, 'મામા મામા... તમારો દેશ બહું સુંદર છે. મને ખૂબ મઝા પડી. હવે હું પરીને મારા ત્યાં લઈ જાવું છું.' 

પરી કહે, 'હું મારી મમ્મીને પૂછીને આવી છું. તેની પરમિશન લઈ લીધી છે. ચાલ પતંગિયા, તારા ઘરે.'

પતંગિયાની મમ્મી, પપ્પા, ભાઈ-બહેનો ખરેખર ચિંતા કરતાં હતાં.  ત્યાં તો આકાશમાંથી ઉડતા ઉડતા પતંગિયું અને પરી ધરતી પર આવ્યાં. પરી અને પતંગિયાને જોઈને સૌ ખુશ થઈ ગયાં અને સૌ સાથે મળીને નાચવા-ગાવા લાગ્યાં.