ઓલિમ્પિક વિશે આ જાણો .
* ઓલિમ્પિક એ વિશ્વભરનો રોમાંચક રમતોત્સવ અને સ્પર્ધા છે. વિશ્વભરના દેશોના વિવિધ રમતોના ખેલાડીઓ તેમાં ભાગ લે છે. ઓલિમ્પિકમાં મેડલ જીતવો એ ગૌરવની વાત ગણાય છે. આ રમતોત્સવ વિશ્વની પ્રખ્યાત પરંપરા છે.
* પ્રાચીન ગ્રીસમાં ઈ.સ.પૂર્વે ૭૭૬માં ઓલિમ્પિયા નગરમાં ઓલિમ્પિક સ્પર્ધા શરૂ થઈ હતી તે વખતે માત્ર દોડવાની હરીફાઈ થતી.
* આધુનિક ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત ઈ.સ. ૧૮૯૬માં એથેન્સમાં શરૂ થઈ હતી. પ્રથમ ઓલિમ્પિકમાં ૧૪ દેશોના ૨૪૫ પુરુષ ખેલાડીઓ હતા અને ૪૩ રમતો હતો.
* પ્રાચીન ગ્રીસમાં અગ્નિને દેવ ગણતાં તેથી ઓલિમ્પિક ગેમ્સનું પ્રતીક મશાલ રખાયું. ઓલિમ્પિકની મશાલ ગ્રીસના ઓલિમ્પિયાના હેરાના મંદિરની જ્યોતમાંથી પ્રગટાવી રમતના સ્થળે લઈ જવાતી.
* ઈ.સ. ૧૯૦૦માં પેરિસમાં બીજી ઓલિમ્પિક રમાઈ હતી. ૨૬ દેશોના ૧૩૧૯ રમતવીરો હતા અને ૭૫ રમતો હતી. જેમાં ૧૨ મહિલા રમતવીરોએ પ્રથમવાર ભાગ લીધો.
* ઓલિમ્પિકના મેદાનમાં દરેક દેશોની ટીમો પોતાના રાષ્ટ્રધ્વજ સાથે માર્ચ કરે છે. આ પરંપરા ૧૯૦૮માં લંડનમાં શરૂ થઈ.
* ૧૯૦૮માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિકમાં ૧૦૦ રમતો હતી અને ૨૦૦૦થી વધુ ખેલાડીઓ હતા.
* ઈ.સ. ૧૯૪૮માં લંડનમાં યોજાયેલી ઓલિમ્પિકનું પ્રથમવાર ટીવી પ્રસારણ થયું.
* જાણીને નવાઈ લાગે પણ ૧૯૨૦માં ૧૫૦૦ મીટર દોડમાં ઈનામ મેળવનાર દોડવીર ફિલિપ નોએલ બેકર એક માત્ર ખેલાડી એવો છે કે જેને નોબેલ ઈનામ પણ મળ્યું હોય. તેને ૧૯૫૯માં શાંતિનું નોબેલ ઈનામ એનાયત થયેલું.
* ઓલિમ્પિક ગેમ્સના પ્રતીકમાં ભૂરા, પીળા, કાળા, લીલા અને લાલ એમ પાંચ રંગની રિંગો વિશ્વના પાંચ મોટા ખંડોનું પ્રતીક છે.