- 'આપણે તો આકાશની જ સફર કરીએ, ચાલ! ચાલ, બેસી જા, મારી પીઠ પર!'
- 'ચાલ,હું તને પતંગની દુનિયામાં લઈ જાઉં! બધાના તો ખાલી પતંગ જ આકાશમાં ચગે છેને! પણ આપણે તો આકાશની જ સફર કરીએ, ચાલ!'
કિરીટ ગોસ્વામી
ઉ તરાયણનો તહેવાર આવ્યો. બધા છોકરા છત ઉપર ચડીને પતંગ ચગાવતા હતા. ટપુને પણ પતંગ ચગાવવાનું મન થયું, પણ ટપુને પતંગ ચગાવતાં બિલકુલ ન આવડે! તે તો છત પર જઇને બધાને જોયા કરે. બધા ખૂબ મસ્તી કરતા હતા. પતંગ ચગાવતા હતા. ચિક્કી, લાડુ, ચણા અને ખજૂર ખાઇને સૌ મોજમાં હતા.
આ બધું જોઇને ટપુનું ખૂબ મન થયું કે, ચાલો હું પણ એક પતંગ લઉં! ને આકાશમાં ઉડતો મૂકું! પણ ટપુને એ બિલકુલ આવડે જ નહીં!
ટપુ નિરાશ થઇને છતના એક ખૂણે બેસી ગયો.તેની આંખમાં આંસુ આવવા લાગ્યાં. ત્યાં જ તેના ખભાને કંઈક પોચું-પોચું અડયું! આ વળી શું? ટપુને નવાઇ લાગી. તેણે ઊંચું ઉપાડીને જોયું તો સામે એક નાનકડી વાદળી! ટપુના આશ્ચર્યનો કોઇ પાર ન રહ્યો.
વાદળી બોલી - 'કેમ ટપુ, આમ નિરાશ છો? આ તારી આંખોમાં આંસુ?'
'મારે પતંગ ચગાવવો છે! બધાની જેમ ખૂબ મસ્તી કરવી છે... પણ મને પતંગ ચગાવતા નથી આવડતું!' ટપુએ રડમસ અવાજે કહ્યું.
વાદળી કહે - 'અરે એમાં તે કાંઇ રડાય?'
ટપુ બોલ્યો - 'તો શું કરું? મારી ઉતરાયણ તો સાવ ફિક્કી-ફિક્કી જ જશે!'
'ના,ના, ટપુ! તારી ઉતરાયણ ફિક્કી નહીં જાય!' વાદળીએ ટપુનાં આંસુ લૂછતાં કહ્યું.
ટપુએ પૂછયું- 'તો?'
વાદળીએ તેને કહ્યું- 'ચાલ,હું તને પતંગની દુનિયામાં લઈ જાઉં! બધાના તો ખાલી પતંગ જ આકાશમાં ચગે છેને! પણ આપણે તો આકાશની જ સફર કરીએ, ચાલ!'
'પણ કઇ રીતે?' ટપુએ પૂછયું.
'ચાલ, બેસી જા, મારી પીઠ પર!' વાદળીએ કહ્યું.
ટપુ તો ફટાક દઇને વાદળીની પોચી-પોચી પીઠ પર બેસી ગયો... ને ફટાક દઇને સરરર કરતી વાદળી તો ઉડવા લાગી!
ઠંડી-ઠંડી હવા! ને ચારેતરફ બીજી કેટલીયે વાદળીઓ! એની વચ્ચે ઉડતા રંગબેરંગી પતંગ! ટપુને તો મોજ પડી ગઇ! જાણે કોઈ નવી જ દુનિયામાં આવી ગયો હોય એમ તેને લાગ્યું!
વાદળીએ પૂછયું- 'મજા આવે છે ને, ટપુ?'
'હા,બહુ જ! બહુ જ!' ટપુએ હરખભેર જવાબ આપ્યો.
વાદળીએ ટપુને આખા આકાશની સફર કરાવી!
આમ વાદળ, તેમ વાદળ,
વચ્ચે કૈંક પતંગ!
વાદળ રંગબેરંગી,
એવા પતંગના યે રંગ!
નીચે જુઓ તો કેટલાંય ગામ, ટબૂકડા માણસો! તેના બધા ફ્રેન્ડસ! 'ઓ ટપુ! ઓ ટપુ!' કરીને બધાંય તેને નવાઇભેર જોઇ રહ્યા!
ટપુને તો મોજ, મોજ ને મોજ થઇ પડી. પોતાનું બધું જ દુ:ખ તે ભૂલી ગયો અને તેની ઉતરાયણ ખૂબ જ યાદગાર બની ગઈ!


