લંબુ જિરાફભાઈ .
- કિરીટ ગોસ્વામી
જિરાફ અને સસલો બંને પાક્કા દોસ્ત!
આખો દિવસ બંને સાથે રમે, જમે ને ફરતા રહે!
બંનેની આવી દોસ્તી જોઇને શિયાળને ખૂબ અદેખાઈ આવે. જિરાફની ગેરહાજરીમાં શિયાળે એક દિવસ સસલાના કાન ભંભેર્યા - 'જિરાફને તે કદી દોસ્ત બનાવાય? તું તો કેવો રૂપાળો અને સુંદર છે! ને એ જિરાફ? એ તો સાવ કદરૂપો અને કઢંગો છે! કેવો લંબુ છે! ને એ લંબુ કંઇ કામનો પણ નથી!'
સસલાના મન પર શિયાળની વાત સવાર થઇ ગઇ- 'હા, જિરાફ છે તો લંબુ!'
બીજા દિવસે સસલાએ જિરાફની મજાક કરી- 'લંબુ જિરાફભાઇ! લંબુ! લંબુ!લંબુ!'
જિરાફને નવાઇ લાગી. સસલો ક્યારેય આવી મજાક કરતો નથી.
આટલા સમયની દોસ્તીમાં પહેલી વખત આવું બન્યુંં!
જિરાફ કંઇ બોલ્યું નહીં. સસલો ખી ખી હસતો કહે- 'લંબુ! તારી ડોક અને લાંબા પગ કંઇ કામનાં નથી... ને એનાથી તું સાવ કેવો કદરૂપા લાગે છે!'
જિરાફ પણ ચૂપ જ રહ્યું.
મનમાં થોડું દુ:ખ થયું, પણ તેણે સસલાને આ વાતની ખબર જ ન પડવા દીધી.
થોડા દિવસો પછી એક દિવસ જંગલમાં આગ લાગી. બધાંય પ્રાણીઓએ ચીસાચીસ કરી મૂકી અને જીવ બચાવવા આમથી તેમ દોડાદોડ કરવા લાગ્યાં.
સસલો દોડતો આવીને 'બચાવો... બચાવો...!' ની બૂમ પાડતો જિરાફની ડોકે વળગી પડયો!
જિરાફે સમયસૂચકતા વાપરીને તરત જ નદી તરફ દોટ મૂકી. નદીના સામે કાંઠે આગ નહોતી. ત્યાં પોતાની લાંબી ડોક વાળીને સસલાને મૂકી દીધો.
સસલો હેમખેમ બચી ગયો.
આવી રીતે ઘણાં નાનાં પ્રાણીઓના જીવ બચાવીને આખરે જિરાફ પોતે થાકીને પડતો-આખડતો સામે કાંઠે આવ્યો.
સસલાએ કહ્યું- 'દોસ્ત! તારી લાંબી ડોક તો બહુ કમાલ છે! સોરી, હવેથી એની મજાક કદી નહીં કરું!'
જિરાફ કંઇ બોલ્યું નહીં.
સસલા સામે જોઇને તેણે માત્ર સ્માઇલ કરી!