લાલી અને માલી .
- એક માલિકની દીકરી એક માળીની દીકરી
- સ્પર્ધા ભલેને માલિનીની હોય, પણ એ સ્પર્ધા લાલીની જ બની રહેતી. આવી રીતે માલિનીને પડકાર ફેેકતી કરવામાં લાલી જ પડકાર બની ગઈ હતી
- 'પિતાજી પણ એ તો માળીની દીકરી...'
- સમર્પણના બગીચામાં ખીલી ચિરંજીવી સુગંઘ
શે ઠનો બગીચો માળી એવી રીતે સંભાળતો કે જાણે એ બગીચો તેનો પોતાનો છે. કામના કોઈ કલાક નહીં.ચોવીસ કલાક એ બાગકામ ચાલુ રાખતો.કોઈ કયારામાં ખાતર નાખવું,કયા કુંડામાં પાણી નીરવું,કયાં પાંદડા કાપી નાખવા,કયા ફુલ ને તડકો આપવો. માળીનું બસ એ જ જીવન.
શેઠના બંગલામાં ઠેર ઠેર ફુલોનાં કુંડાં ગોઠવણી તેની જ.બારી બારસાખેને વીંટાળાએ મનોહર વેલ-વેલી પણ તેની જ. કયા બારણા તોરણો શોભવવા અને કઈ બારીમાંથી સુગંઘ આવવા દેવી,એ બઘું કામ તે વિચારી વિચારી જાતે જ કર્યા કરે.
માળીની સ્ત્રી ઘરનું કામકાજ કરે,શેઠાણી રસોઈમાં મદદ કરે, ફરનિચરથી માંડીને ભીંતો સુઘી બઘું જ શણગારેણું રાખે નવરી પડી નથી કેે સાફસુફી અને ઝાટક ઝુટક શરૂ. શેઠાણી કંઈ કહેવું જ પડે નહીં.
તેમની દીકરી લાલી શેઠની દીકરીની સેવિકા કહો કે, સહેલી કહો કે સુરક્ષિકા કહો માલિનીબહેનનો પડછાયો જ કહો તો. બહેનના વાળ ચોળી,ઘોઈ દેવા,બહેનનાં કપડાંને ઇસ્ત્રી કરી દેવી. બહેનના ચોપડા ગોઠવી દેવા.તેમનાં ઓરડો ગોઠવી દેવો. શાળાએ જતાં બહેનનું દફતર તૈયાર કરી દેવું,દફતરમાં મનગમતો નાસ્તો મુકી દેવો.તેમના મોજાં સજાવી દેવા તથા પગરખાં પાલીસ કરી દેવા, એ બધે બધું કામ લાલીનું.
લાલી પહેલેથી જ સાયકલ શીખી ગઈ હતી. માળી પિતાની પુરૂષ સાયકલ તેને ફાવી ગઈ હતી.એટલે જ્યારે માલિનીબહેનની નવી સાયકલ આવી ત્યારે સાથે દોડાદોડ કરીને બહેન સાયકલ લાલીએ જ શીખવી.પડી હશે તો લાખ પડી હશે, પણ માલિનીબહેનને કદી પડવા દીધાં ન હતાં. બન્ને બાળાઓ ઉંમરમાં સરખી જ હતી. પણ એક માળીની લાલી અને એક માલિની.
શરૂઆતમાં તે લાલી,માલિનીની સાથો સાથ સાયકલ પર શાળામાં મુકવા જતી.અને માલિનીની સાયકલ બગડી હોય તો લાલી તેને પોતાની સાયકલ પર બેસાડી શાળાએ મુકી આવતી લેવા જતી. અને બગડેલી સાયકલ તૈયાર કરી દેતી. જોતજોતામાં લાલી જે કામ કરતી, તેનું મિકેનીઝમ શીખી જ લેતી.
શેઠાણી દયાળુ હતાં. શેઠ વળી વધુ દયાળુ હતા.માળી કુટુબને ઘરના માણસની જેમ રાખતા. માળી તથા માળણને જોઈતાં વસ્ત્રો જુનાં કે નવાં શેઠાણી તરફથી મળી રહેતાં.
લાલીને પણ માલિનીબહેનનાં ંપોશાક, પગરખાં, કાંસકા, ક્લિપો, મોજાં, માળા બઘું જ મળી જતું.
જેટલાં માતા-પિતા વફાદાર હતાં એટલી જ લાલી સિન્સિયર હતી. બન્ને કન્યાઓ જ્યારે સાયકલ પર ફરવા નીકળતી ત્યારે કોઈ ભેદ જ રહેતો નહીં.
ભેદ ગણો તો એટલો જ રહેતો કે લાલી કસાયલી હતી, માલિની નાજુક હતી. મહેતન મજુરી શ્રમ શ્રદ્ધા શાંતિ કિશોરીઓને જે કવાયત આપે છે, તેનો પ્રભાવ લાલીના દેહ પર જોઈ શકાતો.
લાલી ઘરકામથી પરવારી સુઘરાઈની શાળામાં ભણવા જતી. તે શાળાએ ચાલતી જ જતી. શાળામાં તે ધ્યાનથી ભણતી અને વાંચતી. તેને ઘણું વાચવા મળતું. માલિની ઘણી વાર ચોપડીઓ લાવીને મુકી રાખતી, એ ચોપડીઓ લાલી વાંચી કાઢતી. લાલી એ ચોપડીની વાર્તા માલિનીને એ કથા નાદ સંભળવતી, એથી માલિનીને વાંચવાની પ્રેરણા મળતી.
શાળાની, સંસ્થાઓની,રાજ્યની ઘણી સ્પર્ઘાઓ યોજાતી. માલિની વખતોવખત એ હરીફાઈઓમાં ભાગ લેતી. હરીફાઈ બોલવાની હોય, ગાવાની હોય, રંગોળી કે ચિત્રકામની હોય, કે ગમે તે હોય, માલિનીને લાલીની સહાય લેેવી જ પડતી. કોઈ સ્પર્ધાની વાત આવે કે માલિની પહેલા શબ્દ 'મા' ન બોલતી એટલે કે મદદ માટે માતાને યાદ કરતી નહીં, પણ તેનાથી બોલી જવાતું, 'લા...'
તે લાલીને જ કહેતી : મેં દોરડા-કૂદમાં ભાગ લીઘો છે. તારે મને બરાબર દોરડા કુદાવવાના છે પાક્કા. લાલી તેને એવા દોરડા કૂદાવતી કે કોઈ તેનાથી વઘારે કૂદી શકે નહીં.
સ્પર્ધા ભલેને માલિનીની હોય પણ એ સ્પર્ધા લાલીની જ બની રહેતી. આવી રીતે માલિનીને પડકાર ફેેકતી કરવામાં લાલી જ પડકાર બની ગઈ હતી. માલિનીએ કહ્યું નથી કે લાલીએ પડકાર ઝીલી લીઘો નથી.
એક વખત સાયકલ-દોડની સ્પર્ઘાનું આયોજન થયું. લાયન્સ, જેસીઝ જેવી જેવી ક્લબો તો એવી સ્પર્ધાઓ યોજાતી જ, પણ આ વખતે મહિલા સંઘની સાયકલ-દોડ હતી. તેમ જાત,પાત,ભણતર ઉંમર જેવો કોઈ જ બાધ ન હતો.એનું નામ જ કન્યા-સાયકલ હતું.
શેઠજી કહે : 'લાલી આ વખતે તું ય ભાગ લેજે. તને તો સાયકલ સરસ આવડે છેને!'
લાલી સહેજ ચમકી, પણ વઘારે ચમક માલિનીએ અનુભવી. તે કહે : 'પિતાજી પણ એ તો માળીની દીકરી...'
શેઠ કહે : 'દીકરી તો ખરી જને. આ દોડ તો તમામ દીકરીઓ માટે છે.'
માલિની કહે : 'પછી મને શીખવશે કોણ? પ્રેકટીસ કોણ કરાવશે? મદદ કોણ કરશે?'
મીઠ્ઠુ હસીને લાલી કહે : 'બહેનબા, હું જ એ બધું કરીશ. હું છુંને. જોજોને, દોડમાં તમે જ પહેલા આવશો.'
શેઠજી કહે : 'ભલે માલિની પહેલી આવે, પણ મારો હુકમ છે કે લાલીએ પણ દોડમાં નામ લખાવવું જ. અરે, હું જ લખાવી દઈશ.'
માલિની જરા ખંચાઈ ગઈ ખરી, પણ લાલીએ તેના રિયાઝમાં કોઈ કસર રાખી નહીં. તે માલિનીની સાયકલની સાથે ને સાથે જ દોડતી. માલિની ઘીમી કે હળવી પડે તો સહેજ ટેકા રૂપ હડસેલો ય મારી દેતી. અને એમ તેણે માલિનીને એવી તૈયાર કરી દીઘી કે બીજી હરીફાઈની જેમ માલિની જ પહેલી આવે.
દોડના દિવસે માલિની ઘરેથી જ તેને કહેતી રહી, 'તુ મને ટેકો કરજે. તું આગળ ન નીકળી જતી. તું મને મદદ કરજે.'
લાલી કહે : 'ચિંતા ન કરો બહેનબા, દોડમાં તમે એટલે તમે જ ...'
'પણ તું તો કેવી કસાયેલી છે, લાલી.'
'બહેનબા, સાયકલ દોડમાં કસાયેલા પગ કરતાં ચપળતાનું મહત્ત્વ છે. તમારા પગમાં એ તરવરાટ અને ગતિ છે જ. આટલા લાંબો સમય તમે કંઈ અમસ્તા પેડલ નથી માર્યો.'
દોડના દિવસે બન્ને 'લી' - લાલી અને માલી - સાથે જ રહી. દોડ શરૂ થતાં સુઘી માલિની કહેતી રહી, 'જોજે, લાલી...'
લાલી હિંમત આપતાં કહે : 'તમે જરાય ચિંતા ન કરો. પહેલો નંબર તમારો જ. તમે જ જોજો.'
દોડ શરૂ થઈ. માલિની કંઈ જાય તેવી ન હતી. તેમ છતાં મજબૂત પગની લાલી આગળ આગળ નીકળી જતી, પણ સહેજ આગળ જવા જેવું લાગે કે તે હળવી પડી જતી. આવી દોડમાં સાયકલને બ્રેક હોતી નથી, પણ લાલી તો પહેલેથી જ બ્રેક વગરની સાયકલ ઘીમી પાડવામાં વાપરતી હતી.
તે સાથે રહી. માલિનીને પ્રોત્સાહન આપે જ રાખતી,'સાયકલ પર ઝુકી જાવ, પવનને ઉપરથી પસાર થઈ જવા દો. હવે ઊભા થઈને પેડલ મારો, મોઢુ બંઘ રાખો. હંમ્મ... સરસ... ફાઈન....વાહ! જવા દો, પાછળ કોઈ જ નથી. પાછળ જોશો નહીં. લક્ષ પર નજર રાખો. વાહ!'
પોતે આગળ નીકળી જતી,પણ માલિનીની સાથે અને સહેજ પાછળ રહેવા ના પ્રયાસો કરતી.
માલિની સમજી તો જતી.મનમાં ઘુંટતીય ખરી કે, છેલ્લી ઘડીએ આગળ ન નીકળી જાય તો જ સારું કહેવાય.
એક રાઉન્ડ પૂરો થયો. એ નિશાનરેખા સુઘી પહોંચી ગયેલી લાલીએ પોતાની જાતને સહેજ પાછળ ખેંચી, માલિનીને આગળ નીકળી જવા દીધી અને ધન્યવાદી સ્વરમાં કહ્યું : 'ફાઈન, બહેનબા. એક બાધા વધી ગઈ. જવા દો એની રીતે...'
બીજો ચક્કર સુઘી લાલી સાથે રહીને એમ જ મદદ કરતી રહી, પ્રેરણા આપતી જ રહી.
બીજી નિશાનીરેખા વખતે લાલી જ પહેલી પહોંચી જતી હતી. ઘીમી પડી, નીકળી જવા દીધી. માલિનીને ખુબ ઉત્તેજના આપતાં કહે : 'વન્ડફુલ બહેનબા! બ્રેવો, કેરી ઓન!'
મનમાં અમુક પ્રકારના છૂપા ડર સાથે માલિનીને લાગ્યું કે કદાચ પોતે જ પાવરફુલ અને શક્તિમાન છે.
ત્રીજું વર્તુળ શરૂ થયું અને બન્ને 'લી' ઓ અગ્રેસર રહી. એક રીતે કહીએ તો લાલી માલિનીને ઘકેલતી જ રહી. શબ્દોની ઉત્તેજના, શારીરિક પ્રોત્સાહનથી કંઈ કર્મ નથી હોતા.
ત્રીજી છેવટની ફાઈનલ નિશાનરેખા પાસે તો લાલી જાણે ક્યારની પહોંચી જ ગઈ હતી. ઘીમા પડી ગઈ જાતે જ. ઘડીક રાહ જોઈ.માલિનીને આગળ નીકળી જવા દીઘી.
માલિની જેવી વિજયરેખા પાસ કરી ગઈ કે પછી જ ગતિ દાખવી લાલીએ રમત બતાવી.
માલિની પહેલી, માલિની નંબર વન,માલિની ઘી ગ્રેટ... બ્રોવો માલિની... માલિની ઝિંદાબાદ... વ્રી ચીયર્સ ફોર માલિની... પરીક્ષકો અને પ્રેક્ષકો એક સાથે માલિનીનો જય જયકાર કરતા હતા.
ખુબ ગાજવીજ સાથે માલિનીને ટ્રોફી એનાયત થઈ. વિજેતાને પોતાના વિજય પર બોલવાનું કહેવાયું. લોકો સાંભળવા ઉત્સુક બન્યા, પણ માલિની સ્તબ્ઘ બની હતી. પોતાની જાતમાં જ ખોવાઈ ગઈ હતી. અંતરઆત્મો કોઈ સંઘર્ષ માણતી હતી. છેવટે સ્વસ્થ થઈ તેણે કહ્યું : 'ધન્યવાદ! આ ઈનામ હું સ્વીકારું છું, પણ સાચું પૂછો તો આ ઈનામની હકદાર લાલી છે.
તમે જેને બે નેબરની વિજેતા કહો છો તે એની મદદ,સહાય, સહકાર, સુઝ, હડસેલા વગર હું પહેલી ન જ આવી શકી હોત.માટે હ્ય્દયની વિનંતી અને કાળજાની કબુલાત સાથે આપ સહુની સંમતિ સમજીને આ ટ્રોફી હું લાલીને સમર્પિત કરું છું.'
ગદ્ગદ્ થયેલી લાલીએ લાગણીસભર રીતે ટ્રોફી સ્વીકારીને કહ્યું : ' જે રણમાં જીતે તે શુર. માલિનીબહેનનો વિજય સાચો વિજય છે. કોઈ પ્રેરણા કે પીઠ ભલે આપે, પણ અંતમાં તો જે વિજયરેખા ઓળંગે તે જ વિજેતા છે. અર્જન નિશાન વીંધે તો શ્રેય અર્જુનને જ મળે, ગુરૂ દ્રોણ કંઈ ઇનામ ન જ લે.'
લાલીએ જયનાદ સાથે ટ્રોફી માલિનીના હાથમાં મુકી દીઘી.
તરત જ ત્યાં હાજર રહેલી લાલીની માતા પોતે સજેલા સરજેલા કંડારેલા કલાત્મક ફલાવર વાઝથી વિજૈતા માલિનીને સન્માનતા કહે : 'એ બહુમાન અમારા તરફથી...'
સુંદર ફુલોનો ગુચ્છો લઈ માળીબાપા હાજર થયા.ફુલાવર વાઝમાં સુશોભિત ગર્વિલો ગુચ્છો માલિનીના હાથમો રોપી દઈ તેઓ કહે : 'અને આ અમારા સહુ તરફથી સુગંધથી વાતાવરણ મહેકતું થયું. છતાં માલી-લાલી હજી ખેંચતાણમાં હતી જ . 'તું પહેલી... ના તું જ પહેલી...'
શેઠજીએ માર્ગ ચીંઘ્યો : 'દીકરી, મારી વાત માનો. સાયકલ પર ઘર સુઘી લાલી ટ્રોફી-ઘ્વજ લઈ લે અને...'
એમ જ થયું. બન્ને સાયકલ વીરાંગનાઓ સાથે જ સાયકલ દોડવવા લાગી. ટ્રોફી એક હાથ ઘ્વજાની જેમ લાલીએ ઊંચી રાખી હતી.
ઘરે પહોંચતાં જ માલિની બહેનબા ડ્રેસિંગ ટેબલ પર બીજા ઈનામોની સાથે ટ્રોફી ગોઠવી દીઘી.
બન્ને સાહેલીઓ અનુકંપિત દશામાં એક બીજાને ભેટતી હતી ત્યારે માલિની કહે : 'લાલી, આ જીત ખરી તો તારી જ...'
લાલી કહે : 'અરે બહેનબા, તમને તો જીત મળી હશે, પણ અમને તો જીવન મળ્યું છે. તમારા તરફથી, તમાર સહુની તરફથી...'
ટ્રોફીઓની એ શ્રેણીની કોઈક તસ્વીર ખેંચતું હતું. ટીવી પત્રકારો જ હશે! એ છબીમાં બન્ને 'લી' ખુશખુશાલ મુદ્રામાં ઝડપાઈ હતી.