લક્ષ્મી અને લક્ષ્મીદાસ .
- ચોથની ચાંદનીમાં ત્યારે જ કંઈક ચળક્યું. જોયું તો ચરુ હતો. કાઢ્યો. તેમાં જોયું તો ચાંદીના રૂપિયા જ રૂપિયા. શેઠ તો પેલા પથ્થરનો, ઠોકરનો અને ચાંદીનો બધાનો આભાર માનવા લાગ્યા. ચાંદાને તો ઉપરાઉપરી ચાંદી બતાવવા લાગ્યા.
- શેઠ તો ગયા નાગ-નાગણીની પાછળ પાછળ...
- શેઠે આંખ ઉઘાડી જોયું તો ખનનન છનનન પોટલું!
શે ઠનું નામ લક્ષ્મીદાસ.
લક્ષ્મીની એમના ઉપર જબરી મહેર. પણ સાચી વાત એ કે એમાંનો એક પૈસો એમણે જાતે કમાયેલો નહીં: બાપદાદા પુષ્કળ પૈસો મૂકી ગયેલા. અને કહે છે કે પૈસો પૈસાને ખેંચે છે, તેમ લક્ષ્મીદાસને ત્યાં પૈસો આવ્યા જ કરતો. ભરતામાં ભરતી થયા જ કરતી.
લક્ષ્મીદાસ પાસે એમ તો લાખ્ખો રૂપિયા. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વિણાય નહીંએટલા. પણ લોભને થોભ કંઈ ઓછો જ હોય છે! એમને એમ કે પૈસા તો જેટલા વધારેલા હોય એટલું સારું. એટલે તેઓ પૈસા વધાર્યે જ જાય. વધાર્યે જ જાય!
આમ પાછા તેઓ માનતામાં ખૂબ માને. અમુક પુસ્તકોમાં વાંચેલા અને પંડિતો પાસે સાંભળેલા કીમિયા અજમાવ્યા વગર છોડે નહીં.
એક વાર તેમના જાણવામાં આવ્યું કે ચોથના ચંદ્રમાને જો ચાંદી બતાવવામાં આવે તો ઘરમાં ચાંદી જ ચાંદી થઈ રહે.
સંજોગવશાત્ રાતનો સમય હતો. ત્યારે જ તેમને એ ખ્યાલ આવ્યો. આકાશમાં ચોથનો ચાંદો ઉગેલો હતો. તરત ગજવામાંથી કાઢીને ચાંદાને ચાંદીનો રૂપિયો બતાવ્યો.
શેઠજીને જે ખેતરમાંથી આવતા હતા, એ ખેતરમાં જ તેમને ઠોકર વાગી. ઠોકર વાગેલા એ પથ્થર પર શેઠ ગુસ્સે થયા ઉઠાવી ફેંકી દીધો દૂર.
પણ ચોથની ચાંદનીમાં ત્યારે જ કંઈક ચળક્યું. જોયું તો ચરુ હતો. કાઢ્યો. તેમાં જોયું તો ચાંદીના રૂપિયા જ રૂપિયા.
શેઠ તો પેલા પથ્થરનો, ઠોકરનો અને ચાંદીનો બધાનો આભાર માનવા લાગ્યા. ચાંદાને તો ઉપરાઉપરી ચાંદી બતાવવા લાગ્યા.
શેઠને કોઈએ કહી રાખેલું કે, વહેલી સવારે ઊઠતાંની સાથે જ જે ભગવાન વિષ્ણુનાં દર્શન કરે છે તેમની પર લક્ષ્મીની મહેર રહે છે.
એ માટે શેઠ રોજ વહેલી સવારે ઉઠતા. અંધારું હોય, સવાર થવાને વાર હોય ત્યારે જ મંદિરે જવાને નીકળી પડતા. મંદિરે જતી વખતે આંખ બંધ જ રાખતા કે જેથી કોઈ કપાતરનું મોઢું જોવાઈ જાય નહીં.
એકવાર શેઠ એ રીતે બંધ આંખે મંદિરે જતા હતા ત્યાં જ કંઈ ધમાધમ સંભળાઈ. કોઈ ચોર મોટો હાથ મારીને નાસી જતો હશે. પોલીસોને શંકા જતાં તેમની પાછળ પડયા. ચોર ભાઈએ તો ધનનન કરતું પોટલું ફેંક્યું. શેઠને કાને જાણે લક્ષ્મીનું ઝાંઝર સંભળાયું.
ચોર નાઠો. પોલીસોએ પીછો કર્યો.
ચોર પકડાયો નહીં. પોલીસના હાથમાં કંઈ આવ્યું નહીં.
પણ શેઠના હાથમાં આવી ગયું. શેઠે આંખ ઉઘાડી જોયું તો ખનનન છનનનું પોટલું. રૂપિયા જ રૂપિયા.
તેમણે જઇને વિષ્ણુનો આભાર માન્યો. સાચે જ તેમની કૃપાથી લક્ષ્મીની મહેર થઈ હતી. જાણે ખુદ વિષ્ણુ જ ચોરના રૂપમાં તેમની પાસે સિક્કાઓનું પોટલું નાખી ગયા હતા!
શેઠને વળી કોઈએ એવું કહેલું કે નાગપાંચમને દિવસે જો નાગને દૂધ પાવામાં આવે તો નાગદેવતા રીઝે છે, લક્ષ્મીનો વરસાદ વરસાવે છે.
નાગપાંચમને દિવસે તો તેઓ વનવગડે ફરે. હાથમાં દૂધ લઈ નાગને શોધે.
એક વાર વગડામાં તેમણે નાગનું જોડું જોયું. આહા! તેમના આનંદનો પાર રહ્યો નહીં. તેમણે દૂધનો વાડકો ધરી દીધો. નાગનાં એ જોડાંને પોતાની કિંમતી શાલ ઓઢાડી દીધી. સાથે ફૂલ હતાં. નાગયુગલની પૂજા પણ કરી.
દૂધ પી નાગદેવદેવી તો ચાલવા લાગ્યાં. ચાલતાં ચાલતાં પાછળ જોતા જતાં હતાં. જાણે શેઠને સાથે આવવાનું આમંત્રણ ન આપતાં હોય!
શેઠ તો ગયા નાગ-નાગણીની પાછળ પાછળ.
નાગદેવતા તો એક ઝાડની બખોલમાં અદૃશ્ય થઈ ગયા. થોડી જ વારે એક ગિની લઈને બહાર આવ્યા. નાગણ બીજી ગિની લઈને આવી નાગદેવતા પાછા એક ગિની લાવ્યા, નાગણ બીજી ગિની લાવી. એ ક્રમ ચાલુ જ રહ્યો.
થોડીવારમાં તો ચળકતી ગિનીઓનો મોટો ઢગ થઈ ગયો. સાચે જ જાણે કે લક્ષ્મીનો વરસાદ વરસ્યો હતો.
શેઠ વળી ક્યાંકથી એવું પણ જાણી લાવેલા કે નોળી નોમને દિવસે નોળિયાને પૂજો તો નવલખી લક્ષ્મીની કૃપા થાય. એકવાર એ રીતે નોળિયાની પૂજા થતાં નોળિયો એક ખંડિયેરમાં લઈ ગયો. ઊંડા દટાયેલા ખંડિયેરના ભોંયરામાંથી શેઠને સેંકડો વર્ષ પહેલાંનો ખજાનો મળી ગયો. નવલખી લક્ષ્મી જાણે કે હસી ઉઠી.
શેઠ આ રીતે મોટા શેઠ બનતા જતા હતા. અને લક્ષ્મીદાસ હતા તે લક્ષ્મીનંદન કહેવાવા લાગ્યા.
ત્યાં જ તેમણે એક દંતકથા વાંચી. એ પણ ઉપરના જેવી માન્યતાવાળી જ. વાર્તામાં એવું આવતું હતું કે ધનતેરસને દિવસે દેવી લક્ષ્મી ફરવા નીકળે છે. પતિ વિષ્ણુને ઘેરથી તે પિતા સાગરદેવને ઘેર જવા નીકળે છે. વર્ષમાં એક વાર લક્ષ્મીજી પિતાને ઘેર જતાં હોવાથી બહુ ખુશીમાં હોય છે. એ રાતે લક્ષ્મીજી ઝાંઝર ઝણકાવતાં જતાં હોય ત્યારે લોકો પોતાનાં બારણાં ઉઘાડાં રાખે છે. લક્ષ્મીજીની એક હસુહસુ નજર એ ઉઘાડા ઘર પર પડે તો ખલાસ! ઘર લક્ષ્મીથી ઉભરાઈ રહે.
આવી વાત કોઈ માને નહીં, પણ શેઠને તો આવી વાતમાં જબરી શ્રદ્ધા. પોતાને તો આવી વાતો જ ફળી હતી.
ધનતેરસની રાતે તેમણે તો રાખ્યાં બારણાં ઉઘાડાં. લક્ષ્મીજીના સ્વાગત માટે સાથિયા પૂર્યા અને દીવા મૂક્યા.
અડધી રાત સુધી તેમણે લક્ષ્મીજીની રાહ જોઈ. પછી તેમને ઉંઘ ચઢી ગઈ.
પણ પરોઢિયું થવાને થોડીવાર હશે ત્યાં જ તેમને કાને રૂમઝૂમ રૂમઝૂમ છુમછુમ છુમછુમ અવાજ સંભળાયો.
શેઠ એ અવાજ સાંભળી ગદ્ગદ્ થઈ ગયા. આનંદના આવેશમાં તેમણે આંખ ઉઘાડી નહીં. વખતે લક્ષ્મીદેવી જતાં રહે તો!
અને... સાચે જ લક્ષ્મીજી ગયાં.
સવારે ઉઠીને શેઠ લક્ષ્મીનંદને જોયું તો ઘર સાફ.
સાફ એટલે કે એકદમ સાફ. ઘરમાં કંઈ જ ન મળે. તિજોરીમાં એક રૂપિયો નહીં, ચરુમાં એક સિક્કો નહીં, કબાટમાં એક પૈસો નહીં, ભીંતમાં એક ફદિયું નહીં.
શેઠે બાવરા બનીને આમથી તેમ અને તેમથી આમ દોડાદોડ કરી મૂકી. પણ ખાલી ઘરમાં તેમનાં પગલાનો અવાજ સંભળાતો હતો. તેમના શ્વાસનો અવાજ પડઘા પાડતો હતો.
શેઠે તો બહાર નીકળીને ચીસાચીસ કરી મૂકી.
લોકો ભેગા થયા.
શેઠ કહે: 'લક્ષ્મીજીનાં ઝાંઝરનો અવાજ મેં સાંભળ્યો હતો, છુમ્મ છનનન..'
એક પાડોશી કહે: 'એ લક્ષ્મીજીનો અવાજ નહીં હોય! ચોરનો જ અવાજ હશે. છુમ્મ છનનન કરતો તે બધા પૈસા ભેગા કરતો હશે!'
બીજા પાડોશી કહે: લક્ષ્મીજી તે વળી ઘેરઘેર ફરીને પૈસા વેરવા નીકળતાં હશે! એનેય કંઈ ધંધો હશે કે નહીં? અને અડધી રાતે બારણાં ઉઘાડાં રાખો તે કોઈ મૂકી જાય કે લઈ જાય!
શેઠનું ઘર તળિયા ઝાટક સાફ થઈ ગયું હતું. ચોધાર વહી જતાં આંસુમાં તેમને પેલો ચોર દેખાયો. એક વાર પેલો છનનન કરતો થેલો પટકી ગયો હતો. એ જ ચોર આજે એથીય મોટુ પોટલું ઉપાડી દોડી જતો હતો. તેના દોડવાથી છમ્મ છનનન અવાજ આવતો હતો. અને જાણે તે હસતો પણ હતો.
શેઠ લક્ષ્મીનંદન સમય જતાં લક્ષ્મીદાસ પણ રહ્યા નહીં, ગરીબદાસ બની ગયા. પણ મહેનત કરવાની તો આદત હતી નહીં, હાડકાં હરામખોર થઈ ગયાં હતાં. એક લક્ષ્મીની તાંબાની મૂર્તિ સાથે રાખીને ફરતા હતા. હજીય તેમને આશા હતી કે લક્ષ્મી તેમની પર જરૂર મહેર કરશે.
ત્યારે જ એક દિવસ સ્વપ્નમાં સાક્ષાત્ લક્ષ્મીજી દેખાયાં. હસીને તેઓ કહેતાં હતાં: ગરીબદાસ! હું મહેર કરું છું. જરૂર કરું છું. પણ જે મહેનત કરે એની ઉપર, એ મહેર થોડી હશે, પણ કાયમ હશે. એ મહેરમાં માનવી કદી લક્ષ્મીદાસમાંથી ગરીબદાસ બની જતો નથી. નિરાધાર બનતો નથી.
સપનું ભાંગતાં જ ગરીબદાસ ઊઠયા. જે હાડકામાં હરામખોરી વસેલી હોય તેને મહેનતના પાઠ શેના ગમે?
તે બોલી ઊઠયા: 'નહીં નહીં, સપનાની એ દેવી લક્ષ્મીજી નહીં જ હોય!'
ફરીથી મહેનત કરવાને બદલે પેલી તાંબાની લક્ષ્મીના પગ ધોવા લાગ્યા.