- જ્યારે પણ ક્રિના કોઈ કામમાં આળસ કરે કે 'પછી કરીશ' એવું વિચારે ત્યારે શીખુ તેની પાસે આવીને બેસતું અને પોતાની ચાંચથી ક્રિનાના કાંડા પર'ટક-ટક' કરતું, જાણે કોઈ ઘડિયાળના કાંટા ચાલતા હોય!
- ગામની નજીક 'કાળ-ગુફા' નામની એક રહસ્યમય જગ્યા હતી. લોકો કહેતા કે ગુફાની અંદર એક પ્રાચીન યંત્ર છે, જે આખા વિસ્તારના હવામાનનું અને નદીના પાણીનું નિયંત્રણ કરે છે. જો તેનુંસમયસર 'વાઈન્ડિંગ' કરવામાં ન આવે એટલે કે ચાવી આપવામાં ન આવે તો નદીમાં ભયાનક પૂર આવી શકે છે.
- નિલેશ અંતાણી
ન ર્મદાના કિનારે આવેલા એક નાનકડા ગામમાં બાર વર્ષની ક્રિના રહેતી હતી. ક્રિના એટલે સાક્ષાત કુતૂહલનું પૂતળું! એની આંખો હંમેશા કંઈક નવું શોધતી હોય. ગામના લોકો તેને'વિજ્ઞાાની' કહેતા, કારણ કે તે નકામી વસ્તુઓમાંથી અવનવાં સાધનો અને રમકડાં બનાવતી. પણ ક્રિનાની સૌથી મોટી નબળાઈ હતી - સમય. તેને હંમેશા લાગતું કે સમય તો વહેતો જ રહેવાનો છે, ઉતાવળ કરવાની શું જરૂર?'કાલે કરીશું' એ એનો પ્રિય મંત્ર હતો. તેના રૂમમાં પડેલી અધૂરી ચીજો તેની આ ટેવની સાક્ષી પૂરતી હતી.
એક દિવસ ક્રિના નદી કિનારે ટેકરીઓ પાછળ રખડતી હતી ત્યાં તેને એક કરુણ અવાજ સંભળાયો. એક વિચિત્ર, પચરંગી રંગો ધરાવતું પક્ષી ઝાડીમાં ફસાયેલું હતું. તેની પાંખો પર સોનેરી અને આકાશી રંગની આભા હતી. ક્રિનાએ ખૂબ જ ધીરજ અને સંભાળપૂર્વક તેને મુક્ત કર્યું. પક્ષી થાકેલું અને ગભરાયેલું હતું. ક્રિના તેને ઘરે લઈ આવી, તેને દાણા-પાણી આપ્યા અને તેનું નામ રાખ્યું - 'શીખુ'.
શીખુ કોઈ સામાન્ય પક્ષી નહોતું. તે દરરોજ સવારે બરાબર સૂર્યોદયના પ્રથમ કિરણે ક્રિનાની પથારી પાસે આવીને તેને જગાડતું. ધીરે ધીરે ક્રિનાને સમજાયું કે શીખુ પાસે એક અદભુત શક્તિ છે. જ્યારે પણ ક્રિના કોઈ કામમાં આળસ કરે કે 'પછી કરીશ' એવું વિચારે ત્યારે શીખુ તેની પાસે આવીને બેસતું અને પોતાની ચાંચથી ક્રિનાના કાંડા પર'ટક-ટક' કરતું, જાણે કોઈ ઘડિયાળના કાંટા ચાલતા હોય! તેની આંખોમાં એક અલગ જ ચિંતા દેખાતી.
એક દિવસ ક્રિના તેની શાળાની નોટબુક પૂરી કરવામાં આળસ કરી રહી હતી અને ચિત્રો દોરવા બેસી ગઈ. શીખુએ અચાનક પોતાની પાંખો જોરથી ફફડાવી અને ક્રિનાની નજર સામે હવામાં ધૂળના કણો અને રોશનીથી એક દ્રશ્ય રચ્યું. તેમાં દેખાયું કે જો ક્રિના આજે આ લેસન પૂરું નહીં કરે તો આવતીકાલે ક્લાસમાં તેને સજા થશે અને તે શિક્ષક દ્વારા આયોજિત ખાસ વિજ્ઞાાન પ્રવાસમાં ભાગ પણ લઈ શકશે નહીં. ક્રિના દ્રશ્ય જોઈને ચોંકી ગઈ અને તરત જ લેસન પૂરું કરવા બેસી ગઈ.
ગામની નજીક'કાળ-ગુફા' નામની એક રહસ્યમય જગ્યા હતી. લોકો કહેતા કે ગુફાની અંદર એક પ્રાચીન યંત્ર છે, જે આખા વિસ્તારના હવામાનનું અને નદીના પાણીનું નિયંત્રણ કરે છે. જો તેનુંસમયસર 'વાઈન્ડિંગ' કરવામાં ન આવે એટલે કે ચાવી આપવામાં ન આવે તો નદીમાં ભયાનક પૂર આવી શકે છે. ગામના વડીલો દર દસ વર્ષે ખૂબ જ આદર અને સાવચેતીપૂર્વક આ કામ કરતા. પણ આ વખતે રસ્તો તૂટી ગયો હોવાથી અને ચોમાસું વહેલું બેસી જવાથી કોઈ જઈ શકતું નહોતું.
ક્રિનાએ જોયું કે નદીનું સ્તર જોખમી રીતે વધી રહ્યું છે. આકાશ કાળુંડિબાંગ થઈ ગયું હતું. શીખુ ખૂબ જ બેચેન હતું અને ગુફા તરફ વારંવાર ઉડીને પાછું આવતું હતું. તેણે ક્રિનાના કુર્તાને પોતાની ચાંચથી ખેંચ્યો અને ગુફા તરફ જવા ઈશારો કર્યો. ક્રિના ગભરાઈ, પણ શીખુની આંખોમાં રહેલો વિશ્વાસ જોઈને તે સમજી ગઈ કે આ કોઈ સામાન્ય સાહસ નથી. તેની પાસે સમય ખૂબ જ ઓછો હતો. પંચાંગ મુજબ માત્ર ત્રણ કલાકની અંદર પહાડની ટોચે પહોંચીને યંત્રની ચાવી ફેરવવી જરૂરી હતી નહીંતર આખું ગામ જળબંબાકાર થઈ જાય તેમ હતું.
ક્રિના અને શીખુ પહાડ ચઢવા લાગ્યા. રસ્તો પથરાળ, ભીનો અને લપસણો હતો. અધવચ્ચે પહોંચતા જ ક્રિનાનો શ્વાસ ફૂલવા લાગ્યો. તે થાકી ગઈ હતી. તેને થયું,'પાંચ મિનિટ બેસી લઉં.' પણ શીખુએ તરત જ તેની સામે આવીને જોરથી અવાજ કર્યો અને પહાડની નીચે ગામ તરફ ઈશારો કર્યો. ગામમાં લોકો પૂરના ડરથી સામાન બાંધી રહ્યા હતા. બાળકો રડી રહ્યાં હતાં.
ક્રિનાને ત્યારે જ સમજાયું કે સમયની એક સેકન્ડની કિંમત શું છે. થાકને ભૂલીને તે ફરી બેઠી થઈ. રસ્તામાં એક મોટી ખાઈ આવી, જેને પાર કરવાનો પુલ તૂટી ગયો હતો. ક્રિના ડરીને પાછી હટી. શીખુએ આકાશમાં ઉડીને એક મજબૂત અને જાડી વેલ બનાવી. ક્રિનાએ કાળજીપૂર્વક તે વેલ પકડીને હિંચકો ખાધો અને હિંમતભેર ખાઈ ઓળંગી. આ તેના જીવનનું સૌથી મોટું અને ડરામણું સાહસ હતું. તેના હાથ અને ઘૂંટણ છોલાઈ ગયાં હતાં, પણ તેના મનમાં હવે એક જ ધૂન હતી - 'સમયસર પહોંચવું છે, ગામને બચાવવું છે!'
જ્યારે તેઓ હાંફતા-હાંફતા ગુફાના દ્વારે પહોંચ્યા ત્યારે ઘડિયાળમાં માત્ર પાંચ જ મિનિટ બાકી હતી. ગુફાની અંદર ઘોર અંધારું હતું અને ચામાચિડિયાં ઉડી રહ્યાં હતાં. ક્રિના ડરી ગઈ પણ શીખુએ તેની પાંખોમાંથી એક દિવ્ય અને શીતળ પ્રકાશ રેલાવ્યો, જેના સહારે ક્રિના અંદર ગઈ અને યંત્ર સુધી પહોંચી. યંત્ર ખરેખર અટકી જવાના આરે હતું અને ધ્જી રહ્યું હતું. તેની ભારે લોખંડની ચાવી ફેરવવી બાર વર્ષની છોકરી માટે ખૂબ જ મુશ્કેલ હતી. ક્રિનાએ હિંમત હાર્યા વગર પોતાની પૂરી તાકાત લગાવી દીધી.
જેવી ચાવી છેલ્લી વાર ફરી કે તરત જ યંત્રમાંથી એક મધુર અને શાંત સંગીત રેલાયું. ગુફાની બહાર વરસાદ થંભી ગયો અને કાળાં વાદળો હટતાં સૂર્યપ્રકાશ પથરાવા લાગ્યો. પૂરનો ખતરો ટળી ગયો હતો.
નીચે ઉતરતી વખતે ક્રિનાનો ચહેરો થાક છતાં એક અનોખા તેજથી ચમકતો હતો. શીખુ તેના ખભા પર ગૌરવથી બેઠું હતું અને વચ્ચે-વચ્ચે તેના ગાલ પર ચાંચ અડાડતું હતું. ગામમાં જ્યારે લોકોને આ બહાદુરીની ખબર પડી ત્યારે સૌએ ક્રિનાને 'ગામની દીકરી' કહીને વધાવી લીધી. પણ ક્રિના માટે સૌથી મોટું ઇનામ એ હતું કે તેને સમયની ખરી કિંમત અને પોતાના અંદર રહેલી આંતરિક શક્તિની ઓળખ થઈ ગઈ હતી.
તેણે શીખુ તરફ જોયું અને લાગણીભર્યા સ્વરે કહ્યું, 'મિત્ર, તેં મને માત્ર સાહસ કરતાં જ નહીં, પણ વહેતા સમયના દરેક ટીપાને મોતીની જેમ સાચવતા શીખવ્યું છે. હવે કોઈ કામ બાકી નહીં રહે!'
શીખુએ મીઠો અને સંમતિસૂચક ટહુકો કર્યો. જાણે કહી રહ્યું હોય -'જે સમયને સાચવે છે, સમય તેને સાચવે છે!'
બોધ
આળસ એ જીવતા માણસની કબર છે. સમયનું પાલન અને સાહસ જ મુશ્કેલીના પૂરને રોકી શકે છે.


