કોલકાતાનો બોટાનિકલ ગાર્ડન .
કોલકાતામાં ૩૦૦ વર્ષ પહેલાં સ્થપાયેલો બોટાનિકલ ગાર્ડન ભારતનો સૌથી જૂનો ગાર્ડન છે. વિવિધ પ્રકારનાં અને ભાગ્યે જ જોવા મળતાં વૃક્ષો અને છોડ હોય તેને વનસ્પતિ ઉદ્યાન કે બોટાનિકલ ગાર્ડન કહે છે. આચાર્ય જગદીશ ચંદ્ર બોઝ બોટાનિકલ ગાર્ડન તરીકે ઓળખાતો આ ગાર્ડન લગભગ બે ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે. આ ગાર્ડનમાં લગભગ ૧૨૦૦૦ જાતનાં વૃક્ષો અને છોડ ઉછરેલા છે.
કોલકાતા બોટાનિકલ ગાર્ડનનું વિશેષ આકર્ષણ તેનો ઘટાદાર વડલો છે. વડ થડ ઉપરાંત ડાળીઓમાંથી વડવાઇ લંબાવીને જમીનમાં વધારાના મૂળ ખોસીને આધાર મેળવીને વિકાસ પામે છે. વડલો જેમ મોટો થાય તેમ વડવાઇઓ વધતી જાય. આ વડ ૧૮૦૦૦ ચોરસ મીટરનો ઘેરાવો ધરાવે છે. આ વડ વિશ્વનું સૌથી મોટું વૃક્ષ કહેવાય છે. આ વૃક્ષ ૨૫૦ વર્ષ જુનું છે. આ એક વૃક્ષ નહીં પણ વડના જંગલ જેવું દેખાય છે. હાલમાં તેને ૩૭૭૨ વડવાઇઓ છે સૌથી ઊંચી ડાળી ૨૪ મીટર ઊંચી છે. આ વડ ઉપરાંત ગાર્ડનમાં વિવિધ પ્રકારના વાંસનું જંગલ પણ જોવા જેવું છે.