Get The App

કિટીની ઉત્તરાયણ .

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
કિટીની ઉત્તરાયણ                                      . 1 - image

- કિરીટ ગોસ્વામી

નાનકડી કિટીને પતંગ ચગાવવાનો ખૂબ શોખ.પતંગ દેખે ને ખૂબ હરખાય! રાજીના રેડ થઈ જાય!

'મારે પતંગ ચગાવવાનો છે! મારે પતંગ ચગાવવો છે!' એમ કહેતી દોડતી મમ્મી પાસે જાય.

મમ્મી તેને કહે- 'તું હજી નાની છે. તારાથી પતંગ ન ચગાવાય.'

કિટીના બધા ઉત્સાહ પર પાણી ફરી જાય! તે મમ્મીને વિનવે- 'મમ્મી, હું પતંગ ચગાવી શકીશ! મને શા માટે રોકે છે?'

મમ્મી આંખો કાઢતાં કહે- 'ના... તારાથી પતંગ ન ચગે! તને કહ્યુંને, તું નાની છે હજી!'

'ક્યાં નાની છું? હવે તો મોટી થઈ ગઈ છું, મમ્મી!' કિટી દલીલ કરે. પરંતુ, મમ્મી તેની એક પણ વાત ન સાંભળે!

'છાનીમાની ઘરમાં રમ! કાં ટીવી જો!' મમ્મીનો આવો જવાબ અને આદેશ મળે એટલે કિટી ખૂબ જ નિરાશ થઈ જાય. તેનું નાનકડું મન કંઇકેટલાય વિચારોમાં ખોવાઈ જાય- 'બધાંય પતંગ ચગાવે છે. બધાંય કેવો આનંદ કરે છે, ગીતો ગાય છે! ને મારે તો ઘરમાં જ બેસવાનું! પૂરાઇને જ રહેવાનું! મમ્મી કેમ મારી વાત સાંભળતી નહીં હોય? કેમ મને પતંગ ચગાવવાની ના પાડયા કરતી હશે?'

કિટીને અનેક વિચારો આવે. પતંગ રસિયાઓનો અવાજ સંભળાય એટલે તે બારી પાસે જાય. બારીએથી રંગબેરંગી પતંગ દેખાય અને તે તો ઊછળ-કૂદ કરવા લાગે.

ફરી તેનું મન વિચારે ચડે- 'પતંગને કેવું સારું! મન થાય એમ આકાશમાં દૂર-દૂર ઊડવાનું! ચકરડીઓ લેવાની! ઊંચે જઈને પંખીઓ સાથે, વાદળીઓ સાથે હાય-હેલ્લો કરવાની કેવી મજા ! ને આ મારુ તો બસ ઘરમાં જ બેસવાનું!'

આવું વિચારીને કિટીની આંખો ભીંની થઈ જાય. તેને કંઇ ગમે નહીં. મન ક્યાંય લાગે નહીં... પણ મમ્મી તો તેની વાત માને જ નહીંને!

બપોર થયો ને દાદી આવ્યાં. કિટીને ખોળામાં લીધી, પણ કિટી તો ચૂપ્પ!

દાદીએ પૂછયું- 'કેમ ચુપ છે, કિટી?'

'આ મમ્મી જુઓને... પતંગ ચગાવવાની ના પાડે છે!' કિટીએ ફરિયાદી અવાજે દાદી પાસે મન ખોલ્યું.

દાદી તેના માથા પર વ્હાલથી હાથ ફેરવીને કહે- 'મમ્મીને તારી ચિંતા હોય ને! એટલે એ તને ના પાડે છે!'

'પણ હું હવે નાની નથી તોય એ મને 'નાની-નાની' કહીને ઘરમાં પૂરી રાખે છે!' કિટી મોં ચડાવીને બોલી.

દાદી કહે-  'તું ભલે નાની ન હોય! પણ હજુ એટલી મોટી પણ નથી. જો પતંગની દોરનું ખૂબ ધ્યાન રાખવું પડે. ઉપર ધાબા પરથી પડી જવાની પણ બીક રહે!'

'તો શું પતંગ ચગાવાય જ નહીં?' કિટી તરત પૂછયું.

દાદી તેને સમજાવવા લાગ્યાં- 'એવું નથી. ચગાવાય તો ખરાં, પણ મોટાઓને સાથે રખાય. પપ્પા આવે એટલે આપણે સહુ ધાબા પર જઈશું ને પતંગ ચગાવીશું!'

'સાચ્ચે, દાદી?' કિટી પૂછયું.

દાદી કહે- 'હા, જો તારા માટે ચીકી, તલનાં લાડુ, ખજૂર, બોર એમ ઘણુંય લાવી છું!'

'ઓહો! તો ચાલોને દાદી, ધાબા પર પતંગ ચગાવીએ!' કિટીનો ઉત્સાહ વધી ગયો.

દાદી બોલ્યાં- 'હજી એક વાત તો કહેવાની રહી ગઇ. આપણા પતંગની દોરીથી કોઇ નિર્દોષ પક્ષી કે પ્રાણીને નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. '

'હા, અને વિદેશી દોર વાપરવો નહીં. કબૂતર કે અન્ય પંખીઓને ઈજા ન થાય એનું ખૂબ ધ્યાન રાખવું!' પપ્પાએ આવતાંવેત કહ્યું.

પપ્પાને જોઇને કિટી રાજી થઇ ગઇ- 'પપ્પા આવી ગયા! પપ્પા આવી ગયા! ચાલો, હવે પતંગ ચગાવીએ! તમે અને દાદીએ કહેલી બધી વાત હું યાદ રાખીશ! બધાંય દોસ્તોને પણ આ વાત કહીશ!'

પછી તો દાદી, પપ્પા, મમ્મી અને કિટી એમ સહુએ સાથે મળીને હોંશભેર ઉત્તરાયણની ઊજવણી કરી!