કીટી ખિસકોલીને મળી ગઈ સુખી રહેવાની ચાવી
નદી કિનારા તરફની એ એક લટારે કીટીને જીવનમાં પોતાની પાસે જે હોય તેમાંજ ખુશ રહેવાનું શીખવાડી દીધું. બીજાનું સુખ કે ખૂબીઓ જોઈ આપણી પાસે તે કેમ નથી તેવું વિચારીને દુઃખી નહિ થવાનું તે કીટી સમજી ગઈ હતી
એ ક મોટું મજાનું સરસ વન હતું. બધા પશુ પક્ષીઓ ખુશી ખુશી રહેતા હતાં. આ વનમાં કીટી ખિસકોલી એક મોટા વડના વૃક્ષની બખોલમાં રહેતી હતી. તે રોજ સવારે વનમાં ખોરાકની શોધમાં નીકળી પડતી ને સાંજ પડે પાછી પોતાની બખોલમાં આવી જતી. દિવસ દરમિયાન તે વનના અન્ય પશુ પક્ષીઓને પણ મળતી અમુક મોટા વાંદરાભાઈ કે રીંછ જેવા મોટા પ્રાણીઓ તેને ખોરાક મેળવવામાં ઘણીવાર મદદ પણ કરતા.
આમ તો કીટીને કોઈ વાતનું દુઃખ નહોતું પણ હમણાં થોડા સમયથી તે થોડી દુઃખી રહેવા લાગી હતી, તે પોતાના કદને લઈને હીનતા અનુભવવા લાગી હતી. તેને એમ થતું કે ભગવાને બધા પશુ પક્ષીઓને મોટું કદ કાઢી આપ્યા છે ને જેને નથી આપ્યા તેમને કંઈને કંઈ વિશેષ શક્તિ આપી છે. એક મને જ ભગવાને સાવ નાનું કદ અને કોઈ વિશેષ શક્તિ નથી આપી. આમ ને આમ વિચારતાં દિવસે દિવસે કીટી વધુ ને વધુ ઉદાસ રહેવા લાગી. એક દિવસ તેને લાગ્યું કે તેનું જીવન સાવ નિરર્થક છે તેથી તેણે ખોરાક શોધવા જવાનું માંડી વાળ્યું અને થોડા આરામ કરવા નદી કિનારા તરફ ચાલવા લાગી.
રસ્તામાં તેણે સસા રાણાને હાંફળા ફાંફળાં દોડતા જોયા તેથી પૂછ્યું સસાભાઈ શું થયું છે કેમ આમ ગભરાયેલા લાગો છો, શું વાત છે ? સસા રાણાએ કહ્યું મારી પાછળ વરુ પડયું છે ને જો હું તેના હાથમાં આવી ગયો તો આજ મારો ખેલ ખતમ, હું કંઈ તારી જેમ થોડો નાનો અમથો છું કે દોડીને ઝાડ પર ચડી બખોલમાં ભરાઈ જઈશ. આટલું બોલીને સસા રાણા એ તો ફરી દોટ મૂકી. સસા રાણાની વાતોથી કીટી વિચારમાં પડી ગઇને તે આગળ ચાલવા લાગી.
વિચારમાં ને વિચારમાં કીટી ક્યારે નદી કિનારે પહોચી ગઈ તેનો પણ તેને ખ્યાલ ન રહ્યો. નદી કિનારે એક ઊંચી શીલા પાર તેણે અમુક દેડકાઓને બેઠેલા જોયા. કીટી તેમની પાસે ગઈ અને તેમને પૂછ્યું કે તેઓ બધા અહીં કેમ બેઠા છે તો ઉત્તરમાં એક દેડકાએ જવાબ આપ્યો કે હમણાં કિનારા પર અને નદીના છીછરા પાણીમાં મગરભાઈ આંટા મારી રહ્યા છે ને તે દેડકાંઓના તથા માછલીઓના ઘણા બધા સ્વજનોને ઓહિયા કરી ગયા છે. અમે અમુક દેડકાઓ જીવ બચાવીને આ શીલા પર આવી ગયા છીએ.
કીટીએ પૂછ્યું તો માછલીઓ ક્યાં ગઈ. દેડકાભાઈ બોલ્યા બહેન અમુક માછલીઓ જીવ બચાવીને નદીના ઊંડા પાણીમાં જતી રહી અને અમુક બિચારી મગરભાઈના પેટમાં પહોંચી ગઈ કારણ માછલીઓ તો જમીન પર રહી જ ના શકે અને અમે દેડકાઓ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકીએ પણ મગર પાણીમાં અમારી કરતા વધારે તેજ તારી શકે અને જમીન પર અમે કૂદી શકીએ પણ તમારી જેમ તેજ દોડી ન શકીએ બેન.
કીટી તો સસા રાણા અને દેડકાની વાતો સાંભળી મુંજાઈ. તેને એવું લાગવા લાગ્યું કે આ લોકો કરતા તો તેને ઘણું સારું છે. તેનું કદ નાનું છે એટલે તે તેજ દોડી શકે છે, વળીતે તો ઝાડ પર પણ ફટાફટ ચડી શકે છે ને સહુથી સારું કે તેના નાના કદના કારણે તે ઝાડની બખોલમાં આરામથી સંતાય ને પોતાનો સ્વબચાવ કરી શકે છે.
નદી કિનારા તરફની એ એક લટારે કીટીને જીવનમાં પોતાની પાસે જે હોય તેમાંજ ખુશ રહેવાનું શીખવાડી દીધું. બીજાનું સુખ કે ખૂબીઓ જોઈ આપણી પાસે તે કેમ નથી તેવું વિચારીને દુઃખી નહિ થવાનું તે કીટી સમજી ગઈ હતી. ઇશ્વરે સહુને જરૂરિયાત પ્રમાણે કદ કાઠી અને શક્તિ આપ્યા જ હોય છે.
બીજા દિવસથી કીટી ફરી રાબેતા મુજબ ખુશીથી ગીત ગાતિ સવારમાં ખોરાકની શોધમાં નીકળી પડી, કારણ તેને હવે સુખી રહેવાની ચાવી જો મળી ગઈ હતી.
- બિમલ રાવલ