- હરીશ નાયક
- પ્રધાન બોલ્યા - મહારાજ! ચિંતા ના કરશો. ઉપાય એવો છે કે એ પ્રશ્નનો ઉત્તર ખોટો જ પડવાનો. પછી લાખ લાખ રૂપિયા દંડના આવી જશે.
રાજા બોલ્યા - લાખ આવે કે અબજ આવે. કહો તો ખરા એ પ્રશ્ન કેવો છે?
- ખોટો ઉત્તર આપે એને એકેક લાખનો દંડ!
- ઘઉંને દળીએ તે શું કહેવાય?
- એક ઝાડનાં પાંદડા, નાનાં મોટાં જોઈ એક જાતનાં સહુ ગણે, જુદાં ગણે ન કોઈ
એક રાજા હશે.
રાજાને એક પ્રધાન. રાજ કાજ પ્રધાન ચલાવે. રાજા તો મોજને મઝા કરતા ફરે. એમાં ઘણા ઘણા પૈસા વાપરે. એમ પૈસા ઉડાવતા ગયા અને ભંડાર ખાલી થતો ગયો. ભંડારમાં રૂપિયા રહ્યા નહિ.
ભંડારીએ જઈને પ્રધાનને કહ્યું.
પ્રધાન રાજા પાસે આવ્યા. કહે કે, ભંડાર ખાલી છે. રાજા કહે કે એનો ઉપાય કરો.
પ્રધાન બોલ્યા - મહારાજ, તિજોરી ભરવાનો એક જ ઉપાય છે.
રાજા બોલ્યા - સરસ, સરસ એક જ ઉપાય હોય તો તો એક જ કામ કરવું પડશે. ઘણા ઉપાય હોય તો ઘણા ઉપાય કરવા પડે. ઝટ એ ઉપાય અજમાવો અને તિજોરી ભરી દો.
પ્રધાને બે હાથ જોડયા અને બોલ્યા - બાપુ, બરાબર સમજી લો. તિજોરી ભરવાનો તે ઉપાય તૈયાર છે. પણ આપ એક કામ કરો. પછી મોજ ને મઝા.
રાજા બોલ્યા - કહો જોઈએ.
પ્રધાન બોલ્યા - આપણે નગરના મોટા મોટા ધનવાનોને સભામાં બોલાવીએ. પછી આપ તેમને એક પ્રશ્ન પૂછજો. એ પ્રશ્નનો ઉત્તર સાચો આપે તો છોડી દેવા. ખોટો ઉત્તર આપે તો તેમને એકેક લાખ રૂપિયા દંડ કરવો.
રાજા બરાબર બેઠા થયા.
દાઢીએ હાથ દઈ. ઉંડા વિચારમાં ગરક થઈ ગયા.
લાંબો શ્વાસ ખેચીને રાજા બોલ્યા - પ્રધાનજી, આજ સુધી તમે કહ્યું તેમ કર્યું. રાત ને દિવસ કહ્યો તો મેં ય આંખ મીંચીને તેમ કહ્યું. પણ આ તમારો ઉપાય ખોટો છે.
પ્રધાન કહે - કેવી રીતે?
રાજા કહે - ઉત્તર સાચો આપે તો?
પ્રધાન હતા ખંધા. ચતુર ને પાકા. તેમને થયું કે પૈસા મેળવવાનો આવો ઉપાય નહિ કરૂં તો પ્રધાનપદું જશે. ઉડાઉ રાજા પાસે રહીને ઝાઝી ચતુરાઈ લડાવી નથી. પણ હવે તો ચતુરાઈ વાપરવી પડશે.
રાજાની વાત સાંભળીને ચપટી વગાડતાં પ્રધાન બોલ્યા - મહારાજ! ચિંતા ના કરશો. ઉપાય એવો છે કે એ પ્રશ્નનો ઉત્તર ખોટો જ પડવાનો. પછી લાખ લાખ રૂપિયા દંડના આવી જશે.
રાજા બોલ્યા - લાખ આવે કે અબજ આવે. કહો તો ખરા એ પ્રશ્ન કેવો છે?
રાજા રંગીલા હતા. ઉડાઉ હતા. પણ ભલા હતા. મોજશોખ સિવાય સારૂં શું ને નબળું શું તે સમજવાની શક્તિ હતી.
પ્રધાન બોલ્યા - આપ એક એવો પ્રશ્ન કરો કે તેનો જવાબ આપે તે ખોટો જ પડે. આપ સહેલાઈથી તેને અપરાધી ઠરાવી શકો. પોતાની જાળમાં પોતે જ સપડાઈ જાય.
રાજા બોલ્યા - પણ તેવું શી રીતે કરવું?
પ્રધાન બોલ્યા - આપણા રાજમાં જુદી જુદી જાતના લોકો રહે છે. તે બધામાં મોટા ધનવાનો અને શેઠિયા છે. તે બધાને બોલાવવા. એક પછી એક બધાને પૂછો કે બધા ધર્મમાં મોટો ધર્મ ક્યો? બધા જ પોતાના ધર્મને મોટો ધર્મ કહેશે. એટલે કહેજો કે બધાથી મોટા અમે રાજા એટલે તેનો ધર્મ ય મોટો. તમે તમારા ધર્મને મોટો કહીને મારૂં અપમાન કર્યું. એમ આપ કહેજો. તે માટે સજા કરજો. લાખ લાખ રૂપિયાનો દંડ કરજો. બસ, ધન મેળવવું હોય તો આ જ એક મારગ છે. બીજો મને તો દેખાતો નથી.
રાજા કહે - પણ ધારો કે તે મારા જ ધર્મને મોટો કહે તો?
પ્રધાન કહે - તો આપ કહેજો કે મારો ધર્મ મોટો હોય તો તે ધર્મ કેમ પાળતા નથી? તે બદલ તમને દંડ થશે.
રાજા પ્રધાન સામે જોઈ રહ્યા. તે રંગમાં આવી ગયા ને બોલ્યા - પ્રધાનજી, ઉપાય તો સરસ છે.
પ્રધાનનો દાવ બેસી ગયો.
રાજા પાસે તેણે હુકમ કરાવ્યો. કહ્યું કે રાજ્યમાં જેટલા શેઠ શાહુકારો હોય તે બધા માણસો સભામાં આવે.
સભા મળી.
મહાજનો આવી ગયા.
નગરશેઠ પણ આવ્યા.
રાજાને નમસ્કાર કર્યા પછી આસન લીધું.
રાજાને વિચાર કરવાનો જ નહોતો.
તે બોલ્યા - બોલો નગરશેઠ, બધા ધરમમાં મોટો ધરમ કયો?
નગરશેઠ વિચારમાં પડયા તેમને થયું કે રાજાએ આમ કેમ પુછ્યું? આમ પુછ્યું એટલે તેમાં ભેદ તો હશે ભેદવાળી વાતનો જવાબ સીધો ન આપવો. ભેદનો જવાબ ભેદી રીતે જ આપવો.
રાજા બોલ્યા - કેમ શેઠ બોલ્યા નહિ? તમે મારા સવાલનો બરાબર જવાબ આપો.
નગરશેઠ ચતુર હતા ઉત્તર દીધો - બધા ધર્મ સરખા. કોઈ ધર્મ નાનો નથી અને મોટો પણ નથી બધા સરખા છે.
રાજા ઠંડા થઈ ગયા. નગર શેઠે એવો ઉત્તર દીધો. વાત ખોટી છે એમ કહેવાય જ નહિ.
રાજાએ પ્રધાન સામે જોયું પ્રધાન પણ સમજી ગયો.
વાત બગડી ગઈ. બાજી બદલવી જોઈએ.
પ્રધાન બોલ્યા - આજની સભા પૂરી થઈ. કાલની સભામાં બીજી વાત થશે.
બીજે દિવસે સભા ફરી મળી. બધા શેઠ-શાહુકારો આવ્યા. પ્રધાને રાજાને શીખવી રાખ્યું હતું.
રાજાએ નગરશેઠને પુછ્યું કે - બધાના ધર્મ સરખા છે એમ તમે શી રીતે કહ્યું? બધા ધર્મમાં જુદા જુદા નિયમ છે.
નગર શેઠ બોલ્યા - મહારાજ! એ વાત પહેરણ જેવી છે.
રાજા બોલ્યા - એટલે?
નગર શેઠ કહે - સાંભળો એની વાત.
નગર શેઠે ખોંખારો ખાધો પછી વાત શરૂ કરી - મહારાજ, સાંભળો. એક હતા રાજા. તેને હતા ત્રણ કુંવર. રાજાને એ ત્રણે કુંવર પોતાના જીવ જેવા વહાલા હતા. બધાની ઉપર સરખેસરખું હેત. જે વસ્તુ લાવે તે એક સરખી લાવે.
રાજાના કુંવરોને પણ એવી ટેવ પડી ગઈ હતી કે રાજા જે કંઈ આપે તે ત્રણેયને સરખું આપે તો રાજી થાય. એક વાર રાજા ત્રણ પહેરણ લાવ્યા. ત્રણે કુમારને આપ્યા. ત્રણેય કુમાર એકઠા થયા. કહે કે પિતાજીએ આપણને એક સરખી વસ્તુ આપવાનું કહ્યું છે. તેને બદલે એકને સુતાનું પહેરણ દીધું. બીજાને રેશમનું અને ત્રીજાને ઊનનું પહેરણ દીધું. આમ વિચારીને ત્રણેય રાજા પાસે ગયા. રાજાને કહ્યું કે, અમને એક સરખી વસ્તુ કેમ નથી આપી?
રાજા કહે કે - એક સરખી જ વસ્તુ છે.
કુંવર કહે - શી રીતે?
રાજા કહે - પહેલાં હું તમને એક પ્રશ્ન પૂછું કે - ઘઉંને દળીએ તે શું કહેવાય?
કુમાર કહે - લોટ.
રાજા કહે - તે ઘઉં ન કહેવાય?
કુમાર કહે - ના.
રાજા કહે - લોટમાં પાયા ભેળવીને બાંધીએ અને તેની રોટલી વણીએ તો તે ઘઉં કે લોટ કહેવાય?
કુમાર કહે - ના. તે રોટલી કહેવાય.
રાજા કહે - તો જુઓ, કપાસને પીલીએ એટલે રૂ થાય. રૂને કાંતીએ એટલે સુતર થાય. રૂ મટી જાય. સુતરને વણીએ એટલે કપડું થાય અને સુતર મટી જાય. કપડાંને વેતરીને દરજીએ પહેરણ બનાવ્યું. એટલે તે કપડું છે એમ ન કહેવાય પણ પહેરણ છે એમ કહેવાય. કપાસ જુદો, સુતર જુદું, કપડું જુદું પહેરણના ઘાટ જુદા છતાં તેનો ઉપયોગ એક સરખો. પહેરણ પહેરવાથી શરીરની રક્ષા થાય. ઠંડક તાપ લાગે નહિ એકસરખા ઉપયોગ માટે બધા પહેરણ પહેરે છે. માટે બધાં પહેરણ સરખાં.
નગરશેઠની આ વાત સાંભળીને રાજા બોલ્યા - વાત સાચી.
નગરશેઠ કહે - તે રીતે ધર્મ પણ સરખા. ધર્મના નિયમ જુદા, ધર્મની રીત જુદી પણ તેનું પરિણામ તો એક જ. સત્ય અને ન્યાયથી ચાલવા માટે માણસો ધર્મ પાળે છે. સોનાના ઘરેણાં જુદાં જુદાં થાય. તે ઘરેણાનાં નામ હાર, વીંટી, કંદોરો એવાં જુદાં પડે છે. પરંતુ તે બધામાં સોનું તો એક જ છે. તેમ ધર્મનું મૂળ એક જ સત્ય છે. માટે બધા ધર્મ સરખા.
નગરશેઠની આ વાત પણ સાચી લાગી. રાજાએ પ્રધાન સામે જોયું. પ્રધાન હવે મુંઝાયા બીજે દિવસે સભા ભરવાનું કહ્યું.
પ્રધાન - મહારાજ, હવે આપણે કંઈ પૂછવું નથી હુકમ કરી દઈએ કે, બધાં શેઠ-શાહુકારો એક-એક લાખ રૂપિયા આપી દે!
રાજા કહે - એ તો અન્યાય થાય.
પ્રધાન કહે - રાજા ચાહે તે કરે. એમાં ન્યાય કે અન્યાય ગણાય જ નહિ.
રાજા કહે - અને લાખ રૂપિયા આપવાની ના
કહે તો?
પ્રધાન કહે - બધાને કેદમાં નાખવા.
રાજા બોલ્યા - પ્રધાનજી! તમને જ મારે કેદમાં નાખવા છે. જે પ્રધાન પ્રજાને ખોટી રીતે લુંટવાનું અને દુખ દેવાનું કહે તે પ્રધાન જ ખોટો.
રાજાને સમજણ આવી. પ્રધાનને કાઢી મૂક્યા.


