- કાળઝાળ ગરમી છે તો આપણે સૌ છીએ. ઝાઝી ગરમી પડે એટલે દરિયા ને જળાશયોનું પાણી વરાળ બનીને આકાશમાં જાય છે. એ વરાળનાં વાદળો બંધાય છે.
- દુર્ગેશ ઓઝા
'ટનનન...' શાળાનો ઘંટ વાગ્યો. શાળા છૂટી કે મોટા ભાગનાં વિદ્યાર્થીઓએ ઘરે જવા દોટ મૂકી હો! દફતર સંકેલી એ સૌ જાય ભાગ્યાં. આમેય હવે વેકેશન પડવાની તૈયારી જ હતી. રોહન ને ગિરા બેયનાં ઘર નિશાળની બાજુમાં હતાં, એટલે એ બેય ચાલીને પોતપોતાના ઘરે જઈ રહ્યાં હતાં. એક તો ઉનાળો, ચૈત્ર મહિનો, એમાં વળી બળબળતી બપોર એટલે ગરમી કહે મારું કામ.
રોહન કહે, 'ગિરા... બાપ રે બાપ! કેવો પડે છે જોરદાર તાપ! આ સૂરજદાદા આટલી બધી ગરમી શું કામ વરસાવતા હશે! એ જરાક ઓછી ગરમી ઢોળે, આપણા સૌ પર થોડી દયા રાખે તો શું વાંધો?'
ગિરાએ સામું પૂછયું, 'રોહન, સૂરજદાદા થોડી નહીં, ઝાઝી દયા રાખે છે. તને વરસાદમાં ભીંજાવાની મજા આવે કે નહીં?'
'તે આવે જ ને? હું તો વરસાદ પડે એટલે નીકળી જાઉં ઝટ ઘરની બહાર. 'આવ રે વરસાદ, ઘેબરીયો પ્રસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક' એમ ગાતો જાઉં ને વરસાદમાં ભીંજાતો જાઉં. કયારેક 'ઊની ઊની રોટલી ને ભીંડાનું શાક' એમ પણ ગાઉં હો! મમ્મીએ ભીંડાનું શાક બનાવ્યું હોયને, ત્યારે. વળી વરસાદ આવે તો ફૂલ ખીલે, જાતજાતનાં ફળ ને શાકભાજી થાય, અનાજ પાકે. આ બધું થાય તો આપણે જીવીએ... પણ એલી ગિરા, હું તને પૂછતો તો ગરમીનું ને તું એમાં વરસાદ શું કામ વચ્ચે લાવી?'
'જો, રોહન. ફળફૂલ ખીલે, પાક થાય એ બધું તું બોલ્યોને? આ બધું થાય એટલા માટે આ સૂરજદાદા જાણીજોઈને આટલો બધો તડકો વરસાવે છે, ગરમી ઢોળે છે. સૂરજદાદા દયાળુ છે. આમાં વરસાદ વચ્ચે આવે જ.'
'જા જા ગિરા, એવું થોડું હોય? સૂરજનાં બીજાં નામ છે રવિ, આદિત્ય, ભાસ્કર ને ભાનુ, તારી વાત હું કેમ માનું? ગરમીને ને વરસાદને શું સબંધ, ગિરા?'
'જો રોહન, સંબંધ છે ને સીધો સબંધ છે. આ તડકો છે, કાળઝાળ ગરમી છે તો આપણે સૌ છીએ. ઝાઝી ગરમી પડે એટલે દરિયા ને જળાશયોનું પાણી વરાળ બનીને આકાશમાં જાય છે. એ વરાળનાં વાદળો બંધાય છે, જે ઠંડા પવનો સાથે ધોધમાર વરસાદ લાવે છે. સૂરજનાં બીજાં બે નામ હું પણ કહું. મરીચિ ને દિવાકર. સૂરજનો તાપ બરાબરનો પડે તો વરસાદ પડે, સમજ્યો?'
'ઓહો! એમ વાત છે! ગિરા, તો હવે તો હું એમ કહીશ કે ઉનાળો તો ચોમાસાની સીડી છે, ગરમી તો વરસાદનો દાદરો. ને હા, આજે તો ઘણી વસ્તુઓ સૂર્યપ્રકાશથી ચાલે છે. મારા પપ્પાએ સોલર સ્કૂટર લીધું છે. એમાં પેટ્રોલની જરૂર જ નહીં ને! ઘરમાં વીજળીય સૂર્યની ઊર્જાથી થાય! મારાં મમ્મી હમણાં ઘરમાં સૂર્યકૂકર લાવ્યાં છે. એક તો વાનગી બહુ સરસ ને તાજી બને બને ને વળી એમાં રાંધવાના ગેસનીય જરૂર ન પડે, ન ધુમાડો થાય, ન બીજું બળતણ વપરાય.'
'હા, રોહન. સૂર્યનો પ્રકાશ એટલે કે સૂર્યની ઊર્જાનો આ બધામાં ઉપયોગ કરવાથી વાતાવરણ ચોખ્ખું રહે. ખોટો કચરો થતો એ ન થાય એ કેવડો મોટો ફાયદો! પ્રદૂષણ થઈ જાય છનનન છૂ.'
'હા, પણ ગિરા, ઉનાળામાં ગરમી એટલી પડે કે ક્યારેક તો પરસેવે નાહી રહેવાય. ત્યારે ચોખ્ખા પાણીથી સરસ 'નાહી નાહી...' કરી લેવાય, સાથે છત્રી રખાય, પાણી રખાય ને પીવાય, લીબું-ગોળનું શરબત પીવાય, માથે ટોપી પહેરાય, જેથી તાપ બહુ ન લાગે ને શરીર સારું રહે.'
'હા રોહન, ને સાથોસાથ ઝાડ એટલે કે વૃક્ષ પણ વવાય એટલે આપણને ગરમી ન લાગે કે ઓછી લાગે. ઝાડનો છાયંડો સૌને કેવો મીઠો લાગે છે! ઝાડ આપણને આપે છે છાંયડો, ફળ ને ફૂલ. પાણી પાવાનું એને ન ભૂલ. એ સિવાય પણ ઝાડ આપણને ઘણુંબધું આપે છે હો!'
'હા ગિરા, ઝાડ આપણને ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ પણ આપે છે. ઝાડ નીચે બેસવાની ને સૂવાની પણ કેવી મજા આવે!'
આમ કહી રોહને સૂરજ સામે જોયું ને પછી એ આગળ બોલ્યો, 'દયાળુ સૂરજદાદા, હવે હું સમજી ગયો. તમતમારે જોરદાર પ્રકાશ ફેલાવો, તડકો પાડો, ગરમી પાડો, જામી પડો. વાંધો નહીં. તમે ને તમારો પ્રકાશ બહુ કામનો છે. બોલો સૂરજદાદા અને ઝાડપાનની...'
ગિરા અને રોહને જય બોલાવી ને પછી બેય પોતપોતાનાં ઘરે ગયાં.


