Get The App

ખુશી ખુશ થઈ .

Updated: Oct 3rd, 2025

GS TEAM

Google News
Google News
ખુશી ખુશ થઈ                                          . 1 - image

- જાનુ પોતાને મળતા પોકેટમનીમાંથી પૈસા બચાવવા લાગી. શાળામાં તે નાસ્તો ન ખરીદતી. ઘરેથી જ નાસ્તો લઈને આવતી. જે પૈસા બચે તે ગલ્લો એટલે કે પિગી બેન્કમાં જમા કરી દેતી

- પ્રકાશ કુબાવત 

જાનુ અને ખુશી એક જ શાળામાં ભણતાં હતાં. જાનુના પપ્પા આથક રીતે સધ્ધર હતા, જ્યારે ખુશીના પપ્પાની આવક મર્યાદિત હતી. એ ઇલેક્ટ્રિક મેન્ટેનન્સનું છૂટક કામ કરતા હતા. બે છેડા માંડ ભેગા થતા હતા.

એક વખત વાતવાતમાં ખુશીએ જાનુને કહ્યું, 'મારા પપ્પા એક વખત બહુ બીમાર પડયા ત્યારે મેં દ્વારકાધીશનાં દર્શન કરવાની માનતા રાખી હતી, પણ હજુ સુધી માનતા પૂરી થઈ શકી નથી.'

થોડા દિવસ પછી શાળાનો પ્રવાસ નક્કી થયો. સૌરાષ્ટ્રનો પ્રવાસ હતો. જાનુએ ટીચરને કહ્યું, 'પ્રવાસ મુંબઈનો ગોઠવોને! ત્યાં ઘણું બધું જોવાનું છે. સૌરાષ્ટ્રમાં તો હું જૂનાગઢ, સોમનાથ, દ્વારકા વગેરે સ્થળે ઘણી વખત જઈ આવી છું.'

ટીચરે કહ્યું, 'આપણે બધા વિદ્યાર્થીઓના બજેટને પણ ધ્યાનમાં લેવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓને મુંબઈ કે આબુનો પ્રવાસ પરવડે નહીં.' 

ખુશી તો દ્વારકા જવા મળશે તે વિચારીને રાજી રાજી થઈ ગઈ. પ્રવાસ પણ થશે ને દ્વારકાધીશનાં દર્શન કરવાની ઇચ્છા પૂરી થઈ જશે. સૌરાષ્ટ્રનો પ્રવાસ ગોઠવવા બદલ તેણે મનોમન ટીચરનો આભાર માન્યો.

ખુશીએ ઘરે જઈને પપ્પાને કહ્યું, 'અમારી શાળામાંથી સૌરાષ્ટ્રનો પ્રવાસ થવાનો છે. ફક્ત ત્રણ હજાર રૂપિયા ભરવાના છે. ખાવાનું, પીવાનું અને રહેવાનું બધું આટલા રૂપિયામાં આવી જશે.'

ખુશીના પપ્પાએ કહ્યું, 'બેટા, હું તને વધુમાં વધુ એક હજાર રૂપિયા આપી શકીશ. આપણે એટલી જ બચત કરી શકીએ છીએ. વધારે પૈસા હું આપી શકીશ નહિ.' 

પપ્પાના આ શબ્દો સાંભળીને ખુશી ખૂબ નિરાશ થઈ.

ખુશીને શાળામાં  ઉદાસ જોઈને જાનુએ પૂછયું, 'તું કેમ ઉદાસ છે?'

ખુશીએ બધી વાત કરી. જાનુએ કહ્યું, 'તું ચિંતા ન કર. તું પ્રવાસમાં જરૂર જઈશ.'

જાનુ પોતાને મળતા પોકેટમનીમાંથી પૈસા બચાવવા લાગી. શાળામાં તે નાસ્તો ખરીદતી નહીં. ઘરેથી જ નાસ્તો લઈને આવતી. જે પૈસા બચે તે ગલ્લો એટલે કે પિગી બેન્કમાં જમા કરી દેતી. એક મહિના દરમિયાન તો જરૂરી પૈસા ભેગા થઈ ગયા. 

એણે ખુશીને ત્રણ નહીં, પણ ચાર હજાર રૂપિયા આપ્યા અને કહ્યું, 'જો, મારા પરિવારમાં એક પ્રસંગ હોવાથી હું તો દ્વારકા નહીં આવી શકું. આમેય હું દ્વારકા ઘણી વખત જઈ આવી છું. તું મારા વતી દ્વારકાધીશનાં દર્શન કરજે.'

ખુશી કહે, 'આ રૂપિયા હું તને ભવિષ્યમાં ચોક્કસ પાછા આપીશ. તું પૈસા પાછા લેશે જ એ શરતે આજે હું આ રૂપિયા સ્વીકારું છું.'

જાનુ કહે, 'ભલે.'

ખુશી પણ બધા સાથે હરખથી પ્રવાસમાં જોડાઈ. દ્વારકાધીશનાં દર્શન કરીને તે ખૂબ જ પ્રસન્ન થઈ.

જાનુએ ભૂતકાળમાં દ્વારકાધીશનાં દર્શન ઘણી વખત કર્યાં હતાં, પણ આજે રાત્રે તેણે સપનામાં જોયા એવા પ્રસન્ન દ્વારકાધીશ અગાઉ ક્યારેય જોયા નહોતા.