- પૃથ્વી બહાર 16 દિવસ સતત અવકાશમાં રહેલી અવર્ણનીય સાહસની સુકન્યા
- મિસ ચાવલા, આ શાખામાં તમારું કામ નહિ...
- મારે વણખેડાયેલા અજાણ્યા ગ્રહો પર જવું છે...
- હરીશ નાયક
આકાશમાં ઊડવાની કલ્પના છોકરીઓ તો કરી જ શકતી નથી. કલ્પનાએ માત્ર કલ્પના જ ન કરી, તેણે આકાશમાં ઊડી બતાવ્યું.
ભારતની અમીર છોકરીઓ આજસુધી વિમાનમાં ઊડી હતી, કોઈ છોકરી રોકેટમાં ઊડી ન હતી. કલ્પના રોકેટમાં ઊડી. પૂરા સોળ દિવસ માટે અંતરિક્ષમાં રહી. જાતજાતના અવકાશી પ્રયોગોમાં સામેલ થઈ.
અવકાશમાં જનાર એશિયાભરની આ પહેલી બાળા કલ્પના, હરિયાણામાં જન્મી હતી. કરનાલ એનું ગામ. માતા સંયોગિતા અને પિતા બનવારીલાલ બંને સામાન્ય. સરેરાશ મધ્યમવર્ગનું જીવન એ જ તેમનું જીવન.
પણ કલ્પના ભણવામાં હોશિયાર હતી. જાતેજાતે જ ભણતી, આગળ વધતી. ઊંચા ગુણાંકો સાથે તેણે બારમું ધોરણ પાસ કર્યું.
માતાપિતા તથા વડીલોનો ઇરાદો તેને મેડિકલ શાખામાં મોકલવાનો હતો. કોઈક વળી ઇજનેરી લાઈન લેવાની સૂચના આપતું.
કલ્પના જાતે ટોળાશાહીથી દૂર રહેવા માગતી હતી. આનંદી વિનોદી ખુશખુશાલ અને મહેનતુ કલ્પના, હતી જ કલ્પનાશીલ.
તે કહે : 'મારે આકાશમાં ઊડવું છે.'
'તો શું તું એર-હોસ્ટેસ બનશે?'
'એથી આગળની દુનિયા છે. પાયલોટ બની શકાય, અંતરિક્ષ ઇજનેર બની શકાય, રોકેટમાં ઊડી શકાય.'
'સાવ ગાંડી!' કહીને વડીલો નારાજ થયા : 'એ બધી અધ્ધર અધ્ધરની વાતો. ડોક્ટર બની જા. આજે ડોક્ટરોની ઘણી જરૂર છે!'
મેડિકલમાં એડમિશન મળે તેમ હતું છતાં તે ઇજનેરીમાં ગઈ. ઇજનેરીમાંય કોઈ નાગરિકી ઇજનેરી શાખા નહિ, તે એસ્ટ્રોનોટિકલ શાખામાં દાખલ થઈ. ખગોળવિદ્યાની આ શાખા છોકરાઓ માટે પણ આકરી અને અઘરી મનાય છે. છોકરાઓ પણ એ દિશામાં ઓછી નજર નાખે છે.
ખગોળ વિદ્યાના પ્રોફેસરો એ એક માત્ર છોકરીને શોધવા લાગ્યા. શોધીને કહેવા લાગ્યા : મિસ ચાવલા, આ શાખામાં તમારું કામ નહિ. ચાલ્યા જાવ. ચંડીગઢની પંજાબ એંજિનિયરિંગ કોલેજની આ શાખામાં કોઈ છોકરી કદી આવી નથી. આ વખતેય ૨૯ અરજીઓ આવી. તેમાંથી દશ છોકરાઓ ભાગી ગયા છે. ૧૯માં એક તમે છો. મિસ ચાવલા, ગો બેક.
'નો ગોઇંગ બેક'... મિસ કલ્પના ચાવલાનો નિર્ધાર હતો.
તેણે એ વિષયનાં પુસ્તકો મેળવ્યા. ખૂબ ધ્યાનથી વાંચવા લાગી. એ વિષયની ફિલ્મો ફરીફરીને જોવા લાગી. ભાડેથી કેસેટ મેળવી એ વિષયમાં ઊંડી ઉતરવા લાગી. ભારતમાં રહેવા છતાં, પહેલેથી જ તે વિદેશની સાથે રહેવા લાગી.
પાસ થવાનો સવાલ જ ન હતો. તે સ્વયં- અભ્યાસ દ્વારા પ્રોફેસરોથીય આગળ રહેતી હતી. પ્રોફેસરોનો અંગુલિનિર્દેશ મેળવી એ વિષયનો વધુ સાક્ષાત્કાર કરીને રહેતી.
પોતે ઉચ્ચતર પરીક્ષામાં પાસ થશે, એ ખાતરી સાથે જ તે વિદેશી વિદ્યાપીઠો સાથે પત્ર-વ્યવહાર કરવા લાગી. તેમાંની એક અરજી તેણે નાસાને કરી. નાસા અવકાશી પ્રયોગો તથા સંશોધન કરનારી અમેરિકાની જાણીતી સંસ્થા છે.
નાસામાં પ્રવેશ માટે તે વરસે ૪૬૫૮ અરજીઓ આવી હતી. તેમાંથી ચાવીચાવીને નાસાએ ૨૯૬૨ અરજીઓ પર પસંદગી ઉતારી. નાસામાં પાયલોટના સ્થાન માટે ૧૦ અને કોઈ ખાસ વિષય માટે ૧૫ જગાઓ હતી.
વિદ્યાર્થીઓ કરેલી અરજી મુજબ ધનિષ્ટ પરીક્ષા, ઇન્ટર્વ્યુના એક પછી એક દોર શરૂ થયા. એશિયામાંથી ૨૮૬ અરજીઓ હતી. તેમાંથી માત્ર બે જ છોકરીઓ હતી. એક કલ્પના, બીજી ચીની બાળા ચેંગ સૂ.
પસંદગી પામવાનો આનંદ ટ્રેઇનિંગ શરૂ થતાંની સાથે જ ઓસરી જાય એવી ટ્રેઇનિંગ વિકટ હતી.
એમાંથી પસાર થઈને કલ્પનાએ એથી વિકટ ચેલેંજ સ્વીકારી લીધી. અવકાશમાં મોકલવા માટેની જે ટીમ તૈયાર થતી, તે માટે તેણે ઉમેદવારી નોંધાવી.
સંભવિતોને જોન્સન સ્પેસ સેન્ટર, હ્યુસ્ટન, ટેક્સાસ મોકલવામાં આવ્યા. આ અવકાશી કેન્દ્રની તાલીમ એટલી ધારદાર હોય છે કે ૭૦ ટકા વિદ્યાર્થીઓ તેમાં નાપાસ થાય છે. તેમાંના ઘણા સ્વેચ્છાએ જ ઉમેદવારી પાછી ખેંચી લે છે.
કલ્પનાએ આવી અતિવિકટ પડકારરૂપ ટ્રેઇનીંગનાં ત્રણ વર્ષ પૂરાં કર્યા અને અવકાશી ઉડ્ડયન માટેની લાયકાત મેળવી લીધી.
આ ટ્રેઇનીંગમાં ડમી શટલમાં બેસાડીને તેમને અવકાશમાં ફેંકવામાં આવે છે. ગતિની પરાકાષ્ટા સાથે તેમને અમુક ચોક્કસ સાહસો, પાર પાડવાનાં હોય છે, જેમાં હૃદય, મગજ, લોહીનું પરિભ્રમણ, ત્વરિત નિર્ણયશક્તિ વગેરેનો સતત અભ્યાસ ચાલુ રહે છે.
એક કસોટીમાં ચાલુ ઉડ્ડયને રોકેટમાંથી અભ્યાસીને મધદરિયામાં ફેંકી દેવામાં આવે છે. તે વખતે બચાવ માટેની ટીમ ક્યારે આવશે, એ પણ નક્કી નથી હોતું. તાત્પર્ય કે અવકાશયાત્રી સ્વયં પોતાની રીતે કેટલા ટકી શકે છે, એ વાતની નોંધ લેવાય છે.
આવી કંઈક કસોટીઓની સોટીઓ ખાઈને કલ્પના પારંગત થઈ. જો કે 'પારંગત' જેવો શબ્દ નાસાના શબ્દકોશમાં છે જ નહિ.
છેવટે નાસાએ પોતાના એક અંતરિક્ષ ઉડ્ડયન માટે કલ્પનાને પસંદ કરી. નાસાના એ રોકેટ-શટલનું નામ 'એન-કોલંબિયા' અને જે સંશોધનનો વિષય હતો એનું નામ : 'મિશન-એલ.ટી.એસ.-૯૭'. અંતરિક્ષની માઈક્રો ગ્રેવીટી પર અસર, ધાતુઓ, સ્ફટિક, ગુરૂત્વાકર્ષણ વગેરેનો ઊંડો લાંબો અભ્યાસ, માનવીય જીવન અંતરિક્ષના વિવિધ આઘાતો કેવી રીતે અને કેટલી હદે સહન કરી શકે, એ બાબતની જાણકારી આ મિશનનો હેતુ હતો.
આ પરીક્ષણ હેતુ માટે વિવિધ નિષ્ણાતોની ૧૯ સભ્યોની ટીમ તૈયાર કરવામાં આવી. જેમાં અગાઉ બે વખત આ પ્રયોગ પાર પાડી આવેલ અવકાશયાત્રી કેવિન ફ્રેઝલ કેપ્ટન હતા.
અમેરિકન નેવીના બેર-ફોર્સ (અદ્વિતીય સાહસમાં નિપુણ) મેજર સ્ટીવન લિન્ડસે, બીજા કમાન્ડર હતા.
જાપાનની નાસાની બરાબરી કરતી સંસ્થા નેશનલ સ્પેસ ડેવલપમેન્ટ એજન્સીના વડા તકા-ઓ-ડાઈ જાતે સામેલ હતા.
કલ્પના ચાવલાને સહુથી નાની વયની સાહસિક તરીકે આગળની હરોળમાં રાખવામાં આવી.
કલ્પના ચાવલા આવી અનોખી ટીમ સાથે પૂરા ૧૬ દિવસ અવકાશમાં રહી. આવા અપ્રતિમ સંશોધન સાહસકાર્યમાં એશિયાની તે એકમાત્ર મહિલા અવકાશયાત્રી હતી.
સફળ પરીક્ષણ સંશોધન બાદ 'શટલ કોલંબિયા' રોકેટ જ્યારે પાછું ફર્યું ત્યારે દુનિયાભરનાં ટીવી અને વર્તમાનપત્રોમાં કલ્પના ચાવલાની છબી છપાઈ રહી. તેની મુલાકાતો પર મુલાકાતો લેવામાં આવી.
૧૭ માર્ચ ૧૯૬૨ના રોજ જન્મેલી કલ્પના ચાવલા, આ મિશનમાં સામેલ થતાં થતાં ૨૬ વર્ષની થઈ ચૂકી હતી. પણ તેના અધિકારીઓના તથા સાથીદારોના મત મુજબ તે ૧૬ વર્ષ જેટલો તરવરાટ દાખવતી હતી.
અમેરિકામાં અવકાશ વિષયક અધિકૃત પુસ્તકો મોટા પ્રમાણમાં લખાય છે. અવકાશયાત્રીઓને અવકાશી સાહસોનાં પુસ્તકો લખનાર લેખક જીન પિયર હેરિસનનાં પુસ્તકો અચૂક વાંચવાં જ પડે છે. લેખક જીન અમેરિકામાં શિખાઉઓ માટે એમેચ્યોર ટ્રેઇનીંગ સેન્ટર ચલાવે છે. કલ્પના તો એ શ્રીમાન જીન હેરિસનનાં પુસ્તકો પાછળ ગાંડી હતી.
મિસ્ટર હેરિસનનો પરિચય કલ્પના સાથે થયો. ૧૬ દિવસની અવકાશી સિદ્ધિ બાદ કલ્પનાને વધુ ખ્યાતિ મળી હતી. અને હેરિસનની ખ્યાતિ તો હતી જ.
હેરિસનને, વધુ સાહસિક અવકાશયાત્રીઓ તૈયાર કરનારી પોતાની ટ્રેઇનીંગ સ્કૂલ માટે અભ્યાસ નિષ્ણાત શિક્ષકની જરૂર હતી. પરિચય થતાં હેરિસને પૂછ્યું : 'આ સાહસ બાદ આગળ ઉપર શો કાર્યક્રમ છે મિસ ચાવલા?'
'મારે આજ સુધી વણખેડાયેલા અજાણ્યા ગ્રહો પર જવું છે.'
' એ માટે સતત અભ્યાસ અને ટ્રેઇનીંગ જરૂરી છે. તમે તમારા જેવા વધુ અવકાશયાત્રીઓ પણ તૈયાર કરી શકો. હા, અજાણ્યા ગ્રહ પર એકલાં જવા માગો છો કે કોઈક કંપની સ્વીકારો ખરાં?'
નવા વધુ સાહસિક અવકાશયાત્રીઓ તૈયાર કરવાની એેસ્ટ્રોનોટીકલ સ્કૂલની અધ્યાપિકા તરીકે કલ્પના ચાવલા જોડાઈ ગઈ. એ દરમિયાન જ તેણે પોતાની પસંદગીના પ્રેરક લેખક શિક્ષક શ્રીમાન હેરિસન સાથે લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કર્યું.
મિસ કલ્પના ચાવલા અધિકૃત રીતે મિસિસ કલ્પના હેરિસન બની ગઈ. બંનેનું સ્વપ્ન અજાણ્યા ગ્રહ પર પહોંચી માનવજાતને વધુ મોકળાશ આપવાનું હતું.
પોતાની દીકરી ડોક્ટર ન બની શકી તેનો અફસોસ હજી માતાપિતા ને ખરોજ. જવાબમાં અવકાશ વિજ્ઞાાન પરના સંશોધન મહાનિબંધ બાદ પી.એચ.ડી.ની ડિગ્રી ધરાવનાર કલ્પના કહેતાં : 'મમ્મી-ડેડી, મારા નામ આગળ ડોક્ટર લાગે જ છે...'
ડોક્ટર કલ્પના ચાવલા ઉર્ફે ડોક્ટર કલ્પના હેરિસન, ભારતીય કન્યાઓને નવી જ ચિરંતન પ્રેરણા આપી રહે છે.
૧૯૯૮માં જ્યારે તે પોતાના અવકાશી સંશોધનના અભ્યાસી લેખક પતિ જીન પિયર હેરિસન સાથે ભારત પધારી ત્યારે કોઈ ટીવી ચેનલ, કોઈ વર્તમાનપત્ર એવું નહિ હોય, જેણે હરિયાણાના સામાન્ય કુટુંબમાં જન્મેલી આ છોકરીની છબી નહિ પ્રગટ કરી હોય.
અબળા શબ્દ મિટાવી દેનારી આ બહાદુર બાળાએ માત્ર આકાશી વાતો કરી જ નહિ, આકાશની એ વાતોને માનવજાત માટે પણ સહજ બનાવી.
કમનસીબે, કલ્પનાનું મૃત્યુ ૧ ફેબુ્રઆરી, ૨૦૦૩ના કોલમ્બિયા સ્પેસ શટલ ડિઝાસ્ટરમાં થયું. તેની સાથે નાસાના બીજા ૬ અવકાશયાત્રીઓ પણ મૃત્યુ પામ્યા.


