કલ્લુ - ધ સિક્યોરિટી ગાર્ડ

- કંટારીયા મિતલબેન
- 'અરે કલ્લુભાઈ, રહેવા દો ને! તમારો અવાજ સાંભળીને તો કાન ફાટી જાય છે!'
એ ક હતો કલ્લુ કાગડો. કલ્લુનો રંગ તો કોલસા જેવો કાળો હતો, પણ એના સપનાં ખૂબ રંગીન હતાં. એને ગાવાનો એટલો બધો શોખ કે સવારથી સાંજ બસ 'કા... કા...' જ કર્યા જ કરે. જોકે, બીજાં પક્ષીઓને કલ્લુનો અવાજ જરાય ગમતો નહીં. કોયલ તો એની મજાક ઉડાવતા કહેતી, 'અરે કલ્લુભાઈ, રહેવા દો ને! તમારો અવાજ સાંભળીને તો કાન ફાટી જાય છે!'
પણ કલ્લુ હિંમત હારે એવો નહોતો. એણે વિચાર્યું, 'કદાચ મારો અવાજ એટલે ખરાબ છે કારણ કે હું સાચું સંગીત શીખ્યો નથી.'
એક દિવસ કલ્લુએ જોયું કે ગામના મંદિરે એક સંગીતકાર રિયાઝ કરી રહ્યા હતા. કલ્લુ છાનોમાનો ઝાડ પર બેસીને જોવા લાગ્યો. સંગીતકાર ગળામાં મફલર વીંટાળીને ગરમ પાણી પીતા હતા અને પછી રાગ છેડતા હતા. કલ્લુને થયું, 'બસ, આ જ યુક્તિ છે!'
એણે ક્યાંકથી એક જૂનું લાલ કપડું શોધી કાઢયું અને ગળામાં મફલરની જેમ વીંટાળ્યું. એણે નદી કિનારે જઈને થોડું નવશેકું પાણી પીધું.
કલ્લુની આવી હિલચાલ જોઈને કોયલે કહ્યું, 'અરે કલ્લુ, આવી રીતે નકલ કરીને તું મીઠું ગાવા લાગીશ? એવું હોત તો જંગલનાં બધાં પક્ષીઓ અમારી જેમ મીઠું ન ગાતાં હોત? ઈશ્વરે બધાને અલગ આવડત આપી છે, એ વાત તું ક્યારે સમજીશ?'
કોયલની સલાહ માન્યા વગર કલ્લુભાઈએ તો એક ઊંચી ડાળી પર બેસીને આંખો બંધ કરી અને ગાવાનું શરૂ કર્યું. કલ્લુએ પૂરી તાકાત લગાવીને ગાયું- 'કા... કા... કાઉઉઉ!'
બન્યું એવું કે કલ્લુનો અવાજ એટલો જોરદાર હતો કે આજુબાજુના ખેતરમાંથી બધાં પક્ષીઓ ડરીને ઊડી ગયાં અને ગામનાં કૂતરાં ભસવા લાગ્યાં... પણ કલ્લુને લાગ્યું કે બધા તેના ગીત પર ઝૂમી રહ્યા છે!
ત્યાં જ એક ઘરડો અને સમજદાર કાગડો આવ્યો. એણે હસતાં હસતાં કહ્યું, 'બેટા કલ્લુ, તારો અવાજ ભલે મીઠો નથી, પણ તારો આત્મવિશ્વાસ ગજબનો છે. તું ગાવાનું ભલે ન શીખી શક્યો, પણ તારા આ 'કા... કા...'થી આજે તેં આખા ખેતરનાં પક્ષીઓને ભગાડી દીધાં, જેનાથી ખેડૂતનો પાક બચી ગયો!'
કલ્લુ સમજી ગયો કે દરેક પાસે અલગ આવડત હોય છે. ભલે એ ગાયક ન બની શક્યો, પણ એ ખેતરનો 'બેસ્ટ સિક્યોરિટી ગાર્ડ' જરૂર બની ગયો! ત્યારથી કલ્લુ ગર્વથી ગાતો અને ખેડૂતનો પાક બચાવતો. આમ કલ્લુ કાગડો 'કલ્લુ ધ સિક્યોરિટી ગાર્ડ' બન્યો.









