કકુ અને ચચુ .
- કકુ અને ચચુ પોતાની મા સાથે કેરીનાં છોડિયાં ચાટવા લાગ્યાં. વેદા કકુ અને ચચુને જોઈને ખૂબ રાજી થઈ. વેદા ખુશ થઈ દાદાનો હાથ પકડીને નાચવા લાગી. કકુ અને ચચુ વેદાનાં બેસ્ટ ફ્રેન્ડ બની ગયાં
- મીના પટેલ
એક નાનકડી વેદા છે. એના ઘર સામે એક નાનકડી ટેકરી . ટેકરી પર મંદિર. ટેકરી નીચે એક સુંદર બગીચો છે. બગીચામાં ઘણાંય વૃક્ષો છે. લીમડાની તો હાર છે. એના પર વાંદરાઓ રહે છે. એક વાંદરીનાં બે બચ્ચાં છે. તે વાંદરી દરરોજ બચ્ચાં સાથે બાંકડે બેસે. જે ખાવાનું મળે તે ખાય ને બચ્ચાંને પણ ખાતાં શીખવે.
વેદા દાદા સાથે દરરોજ મંદિરે જાય. વેદા દાદા સાથે બગીચાને બાંકડે બેસે ને વાંદરીનાં બચ્ચાંને જોયે રાખે છે. વેદાએ બચ્ચાંનાં નામ પાડયાં છે. એકનું નામ કકુ અને બીજાનું નામ ચચુ! નાનકડી વેદાને કકુ ને ચચુ ગમે... ને એ બચ્ચાંઓને વેદા બહુ પસંદ!
વૈશાખ મહિનો શરૂ થઈ ગયો હતો. વેકેશન પડી ગયું હતું. વેદાની મમ્મી દરરોજ રસ ને રોટલી બનાવે. કેરીનાં છોડિયાં ને ગોટલાં એક તપેલીમાં ભરી વેદા રોજ દાદા સાથે બગીચે લાવે છે. બગીચાના લીમડા પાસે દાદા તપેલી મૂકી અને વાંદરીનાં બચ્ચાં સાથે ત્યાં બેસી ગઈ. કકુ અને ચચુ પોતાની મા સાથે કેરીનાં છોડિયાં ચાટવા લાગ્યાં. વેદા કકુ અને ચચુને જોઈને ખૂબ રાજી થાય. વેદા ખુશ થઈ દાદાનો હાથ પકડીને નાચવા લાગી. કકુ અને ચચુ વેદાનાં બેસ્ટ ફ્રેન્ડ બની ગયાં.
એક વાર કકુ અને ચચુ નાનકડાં દાંતથી ગોટલાં ચાટતાં હતાં. વેદા દાદાને પૂછ્યું, 'હેં દાદા... આ કકુના દાંત કેટલા સફેદ ને મજબૂત છે, નહીં ?'
દાદા હસીને જવાબ આપ્યો, 'આ બચ્ચાં તો લીમડા પર રહે છે ને લીમડાનું દાતણ કરે છે ! હું પણ લીમડાનું જ દાતણ કરું છું ને !'
વેદાને નવાઈ લાગી. લીમડાનું તો વળી દાતણ કરાય !
'દાદા, એ કડવું ન લાગે ?' વેદા પૂછે છે.
દાદા પોતાનાં દાંત બતાવી કહે:
'લીમડાનાં દાતણ કરવા તાજા,
તો દાંત રહેશે સાજા.
દાંત રહેશે સાજા,
તો કાયમ રહીશું તાજા માજા!'
પછી દાદાએ વેદાને લીમડાના ઝાડ પરની નીચી ડાળીએ બેસાડી. લીમડા પર આવેલો મહોર ને લીલી લીંબોળી બતાવી. વેદાને ઝાડ પર બેસવાની મજા પડી ગઈ. દાદાએ પોતાના માટે કુમળી ડાળીનાં દાતણ લીધા. દાદાએ વેદાને લીમડાનાં પાન, છાલ, મહોર ને લીંબોળીનાં ઉપયોગ વિશે સમજાવ્યા.
વેદા ખુશ થઈ ગઈ. પછી વેદા દાદાનો હાથ પકડી રમતી કૂદતી ઘરે આવી ગઈ.